રાજકોટ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની FIR ત્રણ મહિના પછી પણ બાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: રાજકોટના શાપર-વેરાવળ ખાતે આવેલા નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં 6 મે, 2018ના રોજ લાગેલી આગના મામલે આજે 3 મહિના વીતી ગયા હોવા છતાં પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. બીજી તરફ પેઢલા ગામ સ્થિત ગોડાઉનમાં મગફળીમાં ભેળસેળ માટે 22ની ધરપકડ કરાઈ છે, જ્યારે ગોંડલના ગોડાઉનમાં લાગેલી આગના કેસમાં 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. 

 

પરંતુ સાપર-વેરાવળના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ ફક્ત જાણવાજોગ આધારે 3 મહિના પછી પણ ચાલી રહી છે. આ આગમાં સરકારી અંદાજ મુજબ રૂ. 4 કરોડથી વધુની કિંમતની 28 હજાર બોરી ભરેલી મગફળી નષ્ટ થઈ હતી. આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ નથી. 


ગોડાઉનના માલિક નરેન્દ્ર પટેલ ગાયબ, વિદેશ જતા રહ્યાની સંભાવના


શાપર-વેરાવળમાં જે ગોડાઉનમાં આગ લાગી હતી તેના માલિક નરેન્દ્ર પટેલની પોલીસે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ નરેન્દ્ર પટેલનો કોઈ અતોપત્તો મળતો નથી. ‘દિવ્ય ભાસ્કર’એ તેમના સુધી પહોંચવાના ઘણા પ્રયાસ કર્યા ત્યારે તેમની નજીકના એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, નરેન્દ્ર પટેલનો પુત્ર અને પુત્રી બંને અમેરિકામાં સ્થાયી છે. તેઓ સગાં-સંબંધીઓ સાથે પણ આગની ઘટના બાદ થયેલી પૂછપરછ પછી સંપર્કમાં રહ્યા નથી. બની શકે  કે તેઓ અમેરિકા જતા રહ્યા હોય. પોલીસે આગ લાગવા પાછળ વેલ્ડિંગને જવાબદાર ઠેરવ્યું હતું. જે વેલ્ડરની પૂછપરછ કરાઈ હતી તેની પણ કોઈ ભાળ મળી નથી.


FSLનો રિપોર્ટ પણ હજુ પોલીસ પાસે નથી


અાધારભૂત સૂત્રોનું કહેવું છે કે, આ મામલે જે મુદ્દામાલને ગાંધીનગર ખાતેની એફએસએલ ખાતે ચકાસણી માટે મોકલાયો છે તેનો રિપોર્ટ પણ હજુ સુધી રાજકોટ સીઆઈડી ક્રાઈમ પાસે આવ્યો નથી.

 

એક્સક્લુઝિવ: પેઢલામાં મગફળીની ગૂણીમાંથી ધૂળના ઢેફાંના કૌભાંડ પછી પોલીસ ફરિયાદ થતાં પહેલા વેરહાઉસના મેનેજર મગને કૌભાંડને ઠંડું પાડવા અનેક હવાતિયાં માર્યા તેની ક્લિપ...

 

મગન : માનસિંગભાઇ, સરકારમાંથી પ્રેશર બઉ છે, તમે કોકને આ લોકોને સરકારમાં કોકને ફોન કરાવી દયો ને
માનસિંગ : ટીવીમાં એવું આવે છે કે FIR થઇ ગઇ એવું આવે
મગન : ના ના એફઆરઆઈ વાળો જ હું આયા બેઠો, FIR કોણ કરે એની ફરિયાદ કોણ દાખલ કરે
માનસિંગ : ના ના મેં કીધું ભાઇ જલદી કિરીટભાઇને લઇ ભાગો
મગન : હા હું તમને હજી કઉ મારે કાલ બપોર સુધીમાં જો. અત્યારે તો ગમે ઇ બહાનું કાઢી લીધું પણ કાલ બપોરે કોઇ બહાનું ન કાઢી શકું. જો તમારે સમાધાનનો જ મૂડ હોય દાખલા તરીકે અેટલે તમને ઘડીએ ઘડીએ જાણ કરું છું. અત્યારે તો મેં એમને કીધું કે સાહેબ મારી તબિયત સારી નથી મને ઝાડા-ઊલટી થઇ ગયા છે. મને લેટર પણ આવી ગયો ગુજકોટમાંથી ફરિયાદ દાખલ કરવાનો. બરોબર એટલે હું તમને કઉ છું કે સરકારમાંથી આને છે ને ગમે એમ કરી પ્રેશર કરાવી પૂરું કરાવો. કે ભઇ  જી હશે ઇ અમે રસ્તો કાઢી લેશું બે દિવસ અમને આપો એમ.
માનસિંગ : કરી દઉ હાલો
મગન : રાજેશભાઇને ઓલા મોદીને ફોન કરાવી દયો ને મોદીનો નંબર જોતો હોય તો હું આપું
માનસિંગ : મોદીનો નંબર છે મારી પાસે, બી.એમ. મોદીનોને
મગન : હા, બી.અેમ. મોદીને ખાલી એક ફોન કરાવી દયો રાજેશભાઇને અને વાત થઇ જાય તો મને ગમે એની સાથે વાત થાય... કા કિરીટભાઇને કઇ અને જયેશભાઈ રાદડિયાને વાત કરાવી દયો અથવા કૃષિમંત્રીને વાત કરાવી દયો કે સાહેબ આ ખોટું છે ને કાર્યકરોને છાંટા ઊડે છે ને આમ છે ને તેમ છે ને.. સરકાર બદનામ થાય ને... બે દિવસમાં ફરિયાદ દાખલ કરવાની નથી. ત્યાં સુધીમાં આપણે રસ્તો કાઢી લઇ.
માનસિંગ : પાકુ હાલો
મગન : હો. હા

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, ક્લિપ-1....