ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 2થી 5 ઈંચ સુધી રાજ્યમાં મેઘમહેર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: છેલ્લા લાંબા સમયથી જેની જગતનો તાત રાહ જોતો હતો એ મેઘરાજનું ગુજરાતમાં ફરી આગમન થયું છે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં 58 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ થયો છે. જેમાં 25 તાલુકાઓમાં બે થી પાંચ ઈંચ અને 33 તાલુકાઓમાં એક ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના કસ્બા વિસ્તારના કબ્રસ્તાનમાં વીજળી પડતાં 21 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. અરવલ્લી જિલ્લામાં મુશળધાર વરસાદ માલપુરમાં આભ ફાટ્યું હોય તેમ એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જિલ્લાના બાયડ,મોડાસામાં એક કલાકમાં ઇંચ વરસાદ પડ્યો હતો.

 

 

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર આજે 17મી ઓગસ્ટ સવારે 7 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર અને તીલકવાડા તાલુકામાં પાંચ ઈંચ, કવાંટ, વાલોડ, ડોલવણ, ગોધરા, કુકરમુડા મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઈંચ, વ્યારા, સુબીર, નીઝર મળી કુલ ત્રણ તાલુકાઓમાં ત્રણ ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે.


 
ધાનપુર, ગરૂડેશ્વર, વાંસદા, ગરબાડા, સાગબારા, ઉચ્છલ, બોડેલી, જાંબુઘોડા, કાલોલ, મહુવા, નસવાડી, કપરાડા, દિયોદર, સંખેડા, શેહરા અને ઉમરપાડા મળી કુલ 16 તાલુકાઓમાં બે ઈચ થી વધુ જયારે અન્ય 25 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો  છે.