Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Police complaint against Rajpath Club Swimming Coach

રાજપથ ક્લબ પટ્ટાકાંડ: માતા-પિતા પાણીમાં બેઠાં, પોતાના બચાવ માટે ક્લબે કોચ સામે પોલીસ ફરિયાદ કરી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:11 AM

સ્વિમિંગ કોચ સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

 • Police complaint against Rajpath Club Swimming Coach

  અમદાવાદ: રાજપથ ક્લબમાં બે બાળકીને કોચે પટ્ટાથી ફટકાર્યાના પ્રકરણમાં શનિવારે દિવસભર ચાલેલા ડ્રામાને અંતે કાનૂની અભિપ્રાય લીધા બાદ ક્લબના મેનેજર આખરે સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. મોડી સાંજ સુધી તો બાળકીઓના માતા-પિતા અને ક્લબ કોચના બચાવની ભૂમિકામાં હતા, પણ મોડી સાંજ પછી એકાએક અને રહસ્યમય રીતે ચિત્ર બદલાયું હતું. અગાઉ બંને બાળકીના માતા-પિતાએ વસ્ત્રાપુર પોલીસને અરજી કરી કોચ સામે ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો.

  ક્લબે રાત્રે એકાએક ફરિયાદ કરવાનો નિર્ણય લીધો

  બંનેએ એવું નિવેદન આપ્યું હતું કે સ્વિમિંગ કોચે હાથમાં દોરી રાખી હતી અને બાળકીઓને સ્વિમિંગ ટ્રીક શીખવાડતા હતા. દરમિયાન પોલીસ ફરિયાદ દાખલ થયા પછી એસીપી આશુતોષ પરમારે કહ્યું હતું કે, રાજપથ ક્લબે કાનૂની અભિપ્રાય લેવાનો બાકી હતો એટલા માટે અત્યાર સુધી ફરિયાદ દાખલ થઈ ન હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે સ્વિમિંગ કોચને આરોપી બનાવવામાં આવ્યો છે.

  - સવારે: બાળ આયોગે ખુલાસો માગ્યો

  - બપોરે: વાલીઓ-ક્લબની કોચને ક્લિનચીટ

  - સાંજે: ક્લબે 4 સભ્યોની સમિતિ રચી

  - રાત્રે: ક્લબના મેનેજરે FIR નોંધાવી

  માતા-પિતાએ કહ્યું, અમે હાજર હતાં, કોચ દોરી સાથે હાથ હલાવી સ્વિમિંગની ટ્રિક શીખવાડતો હતો

  રાજપથ ક્લબમાં બાળકીઓ ઉપર અત્યાચાર કરનારા કોચ હાર્દિક પટેલના વાયરલ થયેલા વિડિયોના પગલે જિલ્લા બાળ સુરક્ષા એકમ-અમદાવાદે પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસે સંબંધિત બાળકીઓ અને તેના માતા-પિતાના નિવદેન લીધા હતા. જો કે બંને બાળકીના માતા-પિતાના નિવેદન સ્ટીરીઓ ટાઈપ હતા. ભોગ બનેલી બાળકી દીયા પટેલ અને સંજના ઠક્કરના માતા-પિતાએ વસ્ત્રાપુર પોલીસને અરજી કરી ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઘટના બની ત્યારે અમે હાજર હતા. બંને બાળકીએ પોલીસને લેખિતમાં નિવેદન આપ્યું હતું કે, અમારા કોચ અમને તાલીમના ભાગરૂપે સ્વિમિંગની ટ્રીક શીખવાડતા હતા. અમને કોઈ ઈજા થઈ નથી.


  ગણતરીના કલાકોમાં જ વસ્ત્રાપુરના પીઆઇ એમ.એમ. જાડેજાએ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને પ્રગતિ અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં ક્લબે હાર્દિકને સસ્પેન્ડ કર્યાનો ઉલ્લેખ કરી નોંધ્યું હતું કે, બાળકીના માતા-પિતાને પોલીસ ફરિયાદ કરવી નથી માટે પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. આમ કોચને પાંચ કલાકમાં ક્લિનચીટ મળી ગઈ હતી.


  અત્યાચારનો ભોગ બનેલી સંજના તથા દિયાએ જણાવ્યું હતું કે, 13 સપ્ટેમ્બરે અમે સ્વિમિંગ શિખવા ગયા હતા. કોચ હાર્દિક પટેલ સ્વિમિંગની તાલીમના ભાગરૂપે હાથ દોરી સાથે હાથ હલાવી સ્વિમિંગ શીખવવાની ટ્રીક સમજાવતા હતા. અમને કોઇ ઇજા થઈ ન હતી. જ્યારે સંજનાની માતા ગૌરીબેન અને પિતા ધીરેન ઠક્કર તથા દિયાની માતા દેવાંશી અને પિતા મિત્તલ પટેલે કહ્યું છે કે, હાર્દિક પટેલને સસ્પેન્ડ કરાયો છે. અમારી દિકરીને કોઇ ઇજા થઇ ના હોવાથી અમારે પોલીસ ફરિયાદ કરવી નથી.

  બાળકીનાં માતા-પિતા પણ દૂર રહ્યાં


  રાજપથ ક્લબમાં કોચના અત્યાચાર મુદ્દે વાલીઓએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યાં છે. સચ્ચાઇ સુધી પહોંચવા બે દિવસથી મીડિયા રાજપથ ક્લબના મેનેજમેન્ટ સમક્ષ બાળાઓના વાલીઓને મળવા વારંવાર માંગ કરી હતી. છતાં તેમને મીડિયાથી દૂર રખાયાં હતા. તેના બદલે અન્ય વાલી તથા બાળકોને રજૂ કરાયા હતા.

  ક્લબે કોચને સસ્પેન્ડ કર્યો, ચાર સભ્યોની તપાસ સમિતિ રચી, વીડિયો કોણે ઉતાર્યો તેની તપાસ કરશે

  રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચે બે બાળકીને પટ્ટાથી ફટકારવાના પ્રકરણમાં આખરે ક્લબે સ્વિમિંગ કોચ હાર્દિક પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. ક્લબે કોચને સંબોધીને લખેલા પત્રમાં ટાંક્યું હતું કે, તેમની ગેરવર્તણૂકથી સભ્યોમાં ખોટી છાપ ઊભી થઈ છે. આ ઉપરાંત મીડિયાના ક્વરેજથી ક્લબની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી છે. હવે તપાસ સમિતિ કહે ત્યારે પૂછપરછ માટે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. દિવસભર ક્લબમાં મિટિંગનો દોર ચાલ્યો હતો. જો કે ક્લબના 300 મેમ્બર કોચની તરફેણમાં હતા અને કોચે કશું ખોટું નહીં કર્યાની દલીલ સાથે તેની સામે કોઈ કાર્યવાહી ન કરવાનું રટણ ચાલું રાખ્યું હતું. 12 હજાર સભ્યો ધરાવતી ક્લબના સંખ્યાબંધ સભ્યોમાં કોચની વર્તણૂક અંગે ભારોભાર રોષ જોવા મળ્યો હતો.


  વિવાદને વકરતો રોકવા રાજપથ ક્લબે કોચને સસ્પેન્ડ કરવાની સાથે સાથે 4 સભ્યોની તપાસ સમિતિની પણ રચના કરી છે. સમિતિને રિપોર્ટ સુપરત કરવા માટે 12 દિવસની મુદત આપવામાં આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી શુક્રવારે મોડી રાત્રે પોલીસ ક્લબમાં આવી હતી અને સંબંધિત લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. અત્યાચારી કોચ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાને બદલે રાજપથ ક્લબે હવે બાળકીઓને પટ્ટાથી ફટકારતો વીડિયો કોણે ઉતાર્યો હતો તેની તપાસ શરૂ કરી છે.

  દિવસભર કોચને સામે ન લવાયો


  બાળકીઓ પર અત્યાચાર ગુજારનારા સ્વિમિંગ કોચ હાર્દિક પટેલનો વિડિયો વાયરલ થયો ત્યારથી તેને રાજપથ મેનેજમેન્ટ મીડિયા સમક્ષ લાવ્યું ન હતું. મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, કોચ સામે અંતિમ નિર્ણય ના લેવાય ત્યાં સુધી તેને ક્લબમાં એન્ટ્રી ન આપવાની સૂચના આપી છે. ક્લબે હાર્દિકને સસ્પેન્ડ કરી દીધો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

  બાળ અધિકાર આયોગે પાંચ દિવસમાં અહેવાલ માગ્યો,પોલીસે 5 કલાકમાંજ કોચને ક્લિનચીટ આપી

  ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજપથ કલબના સ્વિમિંગ કોચ દ્વારા બાળકીને બેલ્ટથી મારવા બાબતે રાજપથ ક્લબના પ્રમુખ તથા અમદાવાદ ગ્રામ્યના પોલીસ મહાનિરીક્ષકને નોટિસ ફટકારીને તપાસનો અહેવાલ પાંચ દિવસમાં આપવાનો આદેશ આપ્યો હતો. આયોગના ચેરમેન જાગૃતિબેન પંડયાએ જણાવ્યું હતું કે, રાજપથ ક્લબની ઘટના ચિંતાજનક છે. આવી ઘટનાઓથી બાળકોમાં ડર પેસી જશે. તેનાથી તેમની સ્વતંત્રતા છીનવાઇ જશે. સરકારે બાળકોના રક્ષણ માટે કાયદો બનાવ્યો છે. હક્ક-રક્ષણ માટે બહાર આવવાની દરેક નાગરિકની ફરજ છે. આયોગ અને સરકાર બંનેને આ અંગે કાર્યવાહી કરવાની સુઓમોટો પાવર છે. અહેવાલ પછી શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લઇશું. જો કે, બાળકીઓના વાલીઓએ અગાઉ પોલીસ ફરિયાદનો ઈન્કાર કરતાં પોલીસે કોચને 5 કલાકમાં ક્લિનચીટ આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ