તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુનિ. કમિશનર અને IITના 187 વિદ્યાર્થીએ 4 સ્થળે સફાઈ કરી, બે કિમીમાં 3 ટન કચરો વાળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કમિશનર વિજય નહેરા, ગાંધીનગર આઈઆઈટીના 187 વિદ્યાર્થીઓ તથા ડાયરેકટર સુધીર જૈન દ્વારા કોટ વિસ્તારના લાલ દરવાજા, સીદી સૈયદની જાળી, વિજળી ઘર, ભદ્રનો કિલ્લો અને જે.પી.ચોક ખાતે સવારે બે કલાક સફાઈ કરી હતી. વિદ્યાર્થીઓએ ઝાડુ લગાવી શ્રમદાન કર્યું હતુ અને  3 ટન કચરો એકઠો કર્યો હતો. આઈઆઈટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પાંચ સપ્તાહ માટે ટ્રેનિંગ ઈન્ડકશન કોર્સ કરવાનો હોય છે જેના ભાગરૂપે સફાઈ અભિયાન કર્યું હતુ. તમામ વિદ્યાર્થીઓને લોજિસ્ટિક સપોર્ટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં ખુદ કમિશનર નહેરાએ બે કિલોમીટર સુધી ચાલીને શ્રમદાન કર્યું હતું. અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

 

સફાઈ કામદારોને પણ બોલાવાયા ન હતા


સફાઈ કામદારોને બોલાવાયા ન હતા : કમિશનર વિજય નહેરાએ કહ્યું કે, એક સપ્તાહ પહેલા આઈઆઈટીએ મારો સંપર્ક કરી સમાજલક્ષી કામ કરવા માટે પૃચ્છા કરી હતી ત્યારે કોટ વિસ્તારમાં સફાઈ કરવાનું નક્કી કર્યું. લોજીસ્ટીક તમામ સપોર્ટ કોર્પોરેશને આપ્યો અને 187 વિદ્યાર્થીઓની ચાર ટીમો બનાવી ચાર વિસ્તારો વહેંચી સવારે બે કલાક બે કિલોમીટરના વિસ્તારની સફાઈ કરી હતી. મને ગર્વ છે કે, દેશભરમાંથી અભ્યાસ માટે આવેલા આ વિદ્યાર્થીઓ માત્ર ફોટો પડાવવા સફાઈ કરી ન હતી પણ ખરા અર્થમાં સફાઈ કરી હતી. જે વિસ્તારમાં વિદ્યાર્થીઓએ સફાઈ કરી ત્યાં સફાઈ કામદારોને પણ બોલાવાયા ન હતા. 

 

વિદ્યાર્થીઓએ ફોટા પડાવવા નહીં, ખરા અર્થમાં સફાઈ કરી 

 

કોર્પોરેશનના સહકારથી 187 વિદ્યાર્થીઓઅે સ્વચ્છતા ડ્રાઈવ કરી હતી. વિજય નેહરાનો આભાર વ્યકત કરતા તેમણે કહ્યું કે, મ્યુનિ. કમિશનર નહેરા પણ આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેમણે આ કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ વિદ્યાર્થીઓએ ફોટા પડાવવા નહિ, પણ ખરા અર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. તેમણે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર હર્ષદ સોલંકી અને તેમની ટીમની પણ સહકાર આપવા બદલ પ્રશંસા કરી હતી. - સુધીર જૈન, ડિરેક્ટર, આઈઆઈટી, ગાંધીનગર 

 

મુખ્યમંત્રી, મેયર, કલેક્ટર, ધારાસભ્યો અને કોર્પોરેટરોને પણ સડક પર ઉતારો

 

ઓ ક્ટોબર 2019માં દેશ મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવશે. પરંતુ અમદાવાદ સહિત ગુજરાતનું એક પણ શહેર સ્વચ્છતાના રેન્કિંગમાં ટોપ 10મા નથી. સરકાર સ્વચ્છતા માટે માત્ર ગાંધી જયંતીની કેમ રાહ જુએ છે? રવિવારે આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ ઝાડુ લઈને સડકો પર ઉતર્યા અને કચરો સાફ કર્યો. મ્યુનિસિપલ કમિશનરે પણ ઝાડુ હાથમાં લીધું. આ એક સરસ પહેલ છે. ખુદ વડાપ્રધાન પણ ઝાડુ મારી ચૂક્યા છે. આમાં શરમ શેની?


સ્વચ્છતા એટલા માટે પણ જરૂરી છે કારણ કે વરસાદમાં ગંદકીને લીધે મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. ગત વર્ષે આપણે ડેન્ગ્યૂ, મેલેરિયાનો પ્રકોપ અનુભવી ચૂક્યા છીએ. આપણો એક પ્રયાસ સ્વચ્છતાની સાથે સાથે બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરશે. દિવ્ય ભાસ્કર મુખ્યમંત્રી, મેયર, કલેક્ટર, તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોની સાથે સાથે અગ્રણી સંસ્થાઓ, સ્કૂલ-કોલેજોને અપીલ કરે છે કે સ્વચ્છતા માટે દર રવિવારે તમે વારાફરતી સડકો પર ઉતરો. તમને સફાઈ કરતા જોઈને સામાન્ય માણસો પણ તેમાંથી પ્રેરણા લેશે. સ્વચ્છતા માટે પ્રત્યેક રવિવારે તમારી 60 મિનિટ શહેરની તસવીર બદલી શકે છે.