Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » more 10 thousand virtual classroom will start: chief minister vijay rupani

રાજ્યની પ્રા.શાળાઓમાં વધુ 10 હજાર વર્ચ્યુઅલ ક્લાસરૂમ શરૂ કરી ડિજીટલ શિક્ષણ અપાશેઃ મુખ્યમંત્રી

Divyabhaskar.com | Updated - Aug 15, 2018, 06:37 PM

રાજ્ય સરકારે શિક્ષણનો વ્યાપ વધારવા અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા ચાલુ વર્ષે બજેટમાં રૂપિયા 27 હજાર કરોડની જોગવાઈ કરી

  • more 10 thousand virtual classroom will start: chief minister vijay rupani

    સુરેન્‍દ્રનગર: આજે સુરેન્દ્રનગર ખાતે 72માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ હતી. જિલ્લાના સાયલા ખાતે શ્રીરાજસોભાગ આશ્રમમાં યોજાયેલા શૈક્ષણિક સંમેલન અને જનહિતની પ્રવૃત્તિઓના વિભાગીય વડાઓનાં સન્માનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પ્રાથમિક શાળાઓમાં વધુ 10 હજાર વર્ચ્યુઅલ ક્લાસરૂમ શરૂ કરીને ડિજીટલ શિક્ષણ આપવામાં આવશે.

    શિક્ષણનું સ્તર સુધારવા બજેટમાં 27 હજાર કરોડની જોગવાઈ

    રૂપાણીએ કહ્યું કે, શિક્ષણના માધ્યમથી ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે. શિક્ષણની પૂરતી વ્યવસ્થામાં સરકારની સાથે આવી આધ્યાત્મિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સહયોગ આપીને બાળકોને શિક્ષિત બનાવવામાં સહયોગી બની રહી છે.

    રાજ્ય સરકારે શિક્ષણનો વ્યાપ વધારવા અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા ચાલુ વર્ષે બજેટમાં રૂપિયા 27 હજાર કરોડની જોગવાઈ કરી છે. સરકારી શાળાઓમાં વાંચન-લેખન અને ગણનમાં નબળા રહેલા બાળકોને પ્રિય બાળકનું નામ આપીને મિશન વિદ્યા કાર્યક્રમ શરૂ કર્યો છે, જે અન્વયે પાંચ લાખ બાળકોને એક મહિના સુધી વિશેષ શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

    હાલ 4000 વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ

    વિજય રૂપાણીએ આગળ કહ્યું કે, રાજ્યમાં 4000 વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી બધા વિષયોને આવરી લેતું શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં સરકારી શાળાઓમાં વધુ 10 હજાર વર્ચ્યુઅલ ક્લાસરૂમ શરૂ કરાશે.

    શ્રીમદ રાજચંદ્રની અધ્યાત્મિક ચેતના પ્રેરણા આપે છે

    મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજસોભાગ આશ્રમ દ્વારા શ્રીમદ રાજચંદ્રના આધ્યાત્મિક સિધ્ધાંતોને અનુસરીને લોકોને સામાજિક રીતે મદદરૂપ બનવાનું ઉમદા ભાવ સાથે કાર્ય થઈ રહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ હતા. પૂજ્ય ગાંધીજીને તૈયાર કરવામાં શ્રીમદ રાજચંદ્રજીની મોટી ભૂમિકા હતી. શ્રીમદ રાજચંદ્રની આધ્યાત્મિક ચેતના આપણને પ્રેરણા આપે છે.

    પૂજ્ય ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરાશે


    મુખ્યમંત્રીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. 2 ઓકટોબરથી સમગ્ર દેશમાં પૂજ્ય ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ આગામી 2 ઓકટોબરથી એક વર્ષ સુધી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરાશે. ગાંધીજીના સિદ્ધાંતો અને વિચારોથી નવી પેઢી અવગત થાય તે માટે સત્ય, અહિંસા, ખાદી, સ્વાવલંબનતા, ગ્રામોદ્યોગ, કન્યા કેળવણી, સ્વચ્છતા વિગેરેને આવરી લેતા કાર્યક્રમ યોજવામાં આવશે.

    મુખ્યમંત્રીના પત્ની સહિત અનેક મહેમાનો રહ્યા હાજર

    ઉલ્લેખનીય છે કે, શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ પૂજ્ય મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ અને યુગપુરુષ શ્રીમદ રાજચંદ્રના આધ્યાત્મ પંથે ચાલતી આધ્યાત્મિક સાધના સંસ્થા છે.આ પ્રસંગે મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણી, સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા કલેકટર, સંસ્થાના આગેવાનો, આમંત્રિતો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

    (સ્વતંત્રતા દિવસે જન્મ્યા છે ખેડૂત પુત્ર પરેશ ધાનાણી, 26 વર્ષે બન્યા હતા પહેલીવાર MLA)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending