અમદાવાદ: રાજ્યમાં મહિલાઓની ગેંગ બાળકોને ચોરવા ફરી રહી હોવાની અફવા ઠેર-ઠેર ફેલાઇ રહી છે, ત્યારે રાજ્યમાં ગુમ બાળકોનો આંકડો પણ ચોંકાવનારો છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 4800 જેટલા બાળકો ગુમ થયા હતા તેમાંથી હજુ સુધી 1150 બાળકો લાપતા છે. આ આંકડો વિધાનસભામાં ગૃહ વિભાગ દ્વારા જ આપવામાં આવ્યો હતો. તેમાં પણ અમદાવાદ શહેર-જિલ્લામાંથી સૌથી વધુ બાળકો ગુમ હોવાનું જાણવા મળ્યું હતું.
અમદાવાદમાંથી સૌથી વધુ બાળકો ગુમ
ગુમ થયેલા બાળકોના જિલ્લાવાર આંકડા જોતાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદ શહેર-જિલ્લામાં સૌથી વધુ 310 બાળકો બે વર્ષથી ગુમ છે. જ્યારે અમદાવાદ ઉપરાંત રાજકોટ, મહેસાણા, સુરત જેવા શહેરોમાં પણ મોટી સંખ્યામાં બાળકો ગુમ હોવાનું સામે આવ્યું હતું. ગુમ બાળકોના આંકડા જોતાં કોંગ્રેસે સરકાર પર પ્રહાર પણ કર્યાં હતાં અને જણાવ્યું હતું કે, આ આંકડા રાજ્યના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે. માનવ તસ્કરી રોકવા માટે સરકાર સક્રિયતા દાખવે તે જરૂરી છે. કુલ બાળકોમાં કેટલી દીકરીઓ છે તેની પણ તપાસ કરાવવામાં આવે તેવી માગણી પણ કોંગ્રેસે કરી હતી.
ગુમ બાળકોને શોધવા શું કરે છે પોલીસ?
ગૃહ વિભાગ દ્વારા અપાયેલા લેખિત જવાબમાં જણાવાયું હતું કે, જે બાળકો મળી શકયા નથી તેમને શોધવા માટે અવાર નવાર ડ્રાઇવ રાખવામાં આવે છે. જેમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓની ટીમ બનાવીને બાળ સુરક્ષા એકમ તથા એનજીઓના કાર્યકરોને સાથે રાખીને બાળકોને શોધવાની કામગીરી કરવામાં આવે છે. તે ઉપરાંત ગુમ થયેલા બાળકોની એન્ટ્રી પોર્ટલ પર મૂકીને તેમના ફોટા, વર્ણનની મીડિયામાં જાહેરાત કરીને તે પરત મળે તે માટે પ્રયાસ કરાય છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, જિલ્લાવાર ગુમ થયેલા બાળકોની સંખ્યા...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.