Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Metoo ketaki Joshi Piyush Mishra Ahmedabad

#Metoo: અ'વાદી યુવતીનો આક્ષેપ- ગીતકાર પિયુષ મિશ્રાએ ટેરેસ પર દારૂ પીને મારો હાથ પકડ્યો

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 09:32 AM

2014માં એક ખાનગી કાર્યક્રમમાં નશાતૂર પિયુષ મિશ્રાએ કેતકી જોશીનો હાથ પકડી લીધો હતો

 • Metoo ketaki Joshi Piyush Mishra Ahmedabad

  અમદાવાદઃ #Metooના ઝંઝાવાતમાં એક પછી એક ચોંકાવનારા નામો સંડોવાઈ રહ્યા છે ત્યારે હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર, અભિનેતા, લેખક પિયુષ મિશ્રા પર પણ અણછાજતી ચેષ્ટાઓનો આરોપ મૂકાયો છે. અમદાવાદના કેતકી જોશીએ ફેસબુકમાં પોતાની વોલ પર મૂકેલ પોસ્ટમાં ચારેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે એક નાનકડા ગેટ-ટૂગેધરમાં પિયુષ મિશ્રાએ પોતાની સાથે અણછાજતું વર્તન કર્યું હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે. આ અંગે કેતકી જોશી સાથે અમે વાત કરી ત્યારે તેમણે વધુ કશું કહેવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે, 'મારે આ સંદર્ભે જે કહેવું હતું એ હું ફેસબુક પર કહી ચૂકી છું.' પિયુષ મિશ્રાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન રિસિવ થયો નહિ.

  કેતકી જોશીએ ફેસબુક પર લખેલ પોસ્ટ આ પ્રમાણે છે

  'વર્ષ 2014માં મારા એક મિત્રે પોતાના ઘરે નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તે (પિયુષ મિશ્રા) મુખ્ય મહેમાન હતા. પિયુષ મિશ્રાની ફેન હોવાથી હું તેમને વ્યક્તિગત રીતે મળવા અને સાંભળવા બહુ જ ઉત્સુક હતી. મકાનના ધાબા પર પાર્ટી ચાલી રહી હતી ત્યારે હું દૂર એક ખૂણામાં ઊભી ઊભી ધ્યાનપૂર્વક તેમને સાંભળી રહી હતી. તેમણે મને જોઈ અને નજીક બોલાવીને મારું નામ પૂછ્યું તેમજ હું શું કરું છું એ પણ પૂછ્યું અને પછી પોતાની બાજુમાં બેસવા કહ્યું. મેં એમના સર્જકત્વના વખાણ કર્યાં અને હું તેમની ચાહક હોવાનું પણ કહ્યું.

  એ વખતે ત્યાં 20-25 લોકો હાજર હતાં. પિયુષે પછી તો મારી સાથે લાઈટ ફ્લર્ટિંગ કરતાં હોય તેમ મારી આંખોમાં તાકીને ગીતો ગાયા. ત્યાં સુધી બધું બરાબર હતું. મેં પણ તેને સહજ ગણ્યું હતું. એ દરમિયાન પિયુષ સતત શરાબ પી રહ્યા હતા અને કાર્યક્રમ પૂરો થવા સુધીમાં તેમણે ખાસ્સુ એવું ઢીંચી લીધેલું. કાર્યક્રમ પછી મોટાભાગના લોકો નીકળી રહ્યા હતા. હું એક અંગત મિત્રની સાથે આવી હોવાથી મારે પણ તેમની સાથે ઘરે પરત જવાનું હતું. મારો મિત્ર અન્યને મળીને પરવારે તેની રાહ હું જોઈ રહી હતી. એ વખતે પિયુષ મિશ્રા ખુરશીમાં બેઠા હતા. હું તેમની પાસેથી પસાર થઈ ત્યારે તેમણે મારો હાથ પકડી લીધો અને મારા હાથના પંજા પર પોતાની આંગળીઓ ઘસવા લાગ્યા. મને એ અણછાજતું લાગ્યું એટલે મેં યજમાન બહેનની સામે સુચક નજરે જોયું. તેઓ તરત સમજી ગયા અને મને કહ્યું, 'અરે કેતકી, ટેરેસ પરથી પેલી વસ્તુ લાવવામાં મને મદદ કર ને...!' એટલે તરત હું મારો હાથ છોડાવીને ધાબા પર કોઈ ચીજ લેવા જતી રહી.

  કમનસીબે પિયુષ એ વખતે કિચન અને પેન્ટહાઉસના ટેરેસની વચ્ચે જ બેઠા હતા. હું ટેરેસ પર જઈ રહી હતી એ વખતે ફરીથી તેમણે મારો હાથ પકડ્યો અને ફરીથી આંગળીઓ ઘસવા માંડી. ઘડીભર તો હું કોઈક આવે અને તેમને લઈ જાય તેની રાહ જોતી રહી. ત્યાં અચાનક તેઓ ઊભા થયા અને મારી તરફ આગળ વધ્યા. મને સમજાઈ ગયું કે એ મને ભેટવા માટે જ આગળ વધ્યા છે એટલે મેં બહુ કડકાઈભર્યા અને જરા ઊંચા અવાજે કહી દીધું, 'આપ પ્લિઝ, બૈઠ જાઈએ...' એ સાંભળીને બીજાનું ય ધ્યાન ખેંચાયું અને એ સૌએ ત્યાં આવીને દરમિયાનગીરી કરી ત્યારે મને હાશ થઈ.

  એ વખતે મેં કોઈ વધારે હો-હા કરવાનું ટાળ્યું હતું. કારણ કે પિયુષ મિશ્રા મારા પરિચિત મિત્રના ઘરે એક સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવ્યા હતા અને હો-હા મચાવીને હું અકારણ મારા યજમાન મિત્રોની મુશ્કેલી વધારવા ઈચ્છતી ન હતી. આથી જ હું અહીં પિયુષ મિશ્રા સિવાય અન્ય કોઈના નામ કે ઘટનાસ્થળ વિશે કોઈ સ્પષ્ટતા કરવા નથી ઈચ્છતી. ત્યાં હાજર મારા મિત્રો, યજમાન પરિવારે મારી મદદ માટે જે થઈ શકતા હતા એ દરેક પ્રયાસો કર્યા જ હતા અને એ બદલ હું તેમની આભારી છું.

  હું માનું છું કે પિયુષ મિશ્રા એ વખતે નશામાં હતા પરંતુ હું ત્યાં પહોંચી અને તેમણે મને જોઈ ત્યારથી જ તેઓ મારી સાથે નજદીકી વધારાવાની કોશિષમાં હતા. આ હું જાહેરમાં લખી રહી છું કારણ કે શક્ય છે કે આવી અણછાજતી, અણગમતી ચેષ્ટાઓ તેમણે અન્ય કોઈ મહિલા સાથે એકાંતમાં પણ કરી હોય. જો એવી કોઈ મહિલા હોય તો તેને ખુલીને બોલવાની હિંમત ઊભી થાય એ માટે હું આ જાહેરમાં લખી રહી છું. પિયુષ મિશ્રા મારા પર બદનક્ષીનો દાવો કરે તો પણ મને તેની પરવા નથી. જે કહેવું જોઈએ એ હું કહીશ જ.

  મીડિયાના મિત્રોને મારે કહેવાનું કે, તમારા માટે આ કદાચ મસાલેદાર સ્ટોરી બની શકે છે પરંતુ હાલ આ સંદર્ભે મારે મીડિયામાં કશું કહેવાનું નથી. જ્યારે એવી જરૂર પડશે ત્યારે હું તમારો સંપર્ક કરીશ. હાલ તો મારે જે કહેવાનું હતું એ આ પોસ્ટમાં મેં કહી દીધું છે. આ સિવાય મારે કશું કહેવાનું નથી. આથી મારી અંગતતાનું સન્માન કરવા વિનંતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ