• Gujarati News
  • National
  • વીડિયો Viral થતાં હાર્દિકે કહ્યું, આંદોલનને તોડવાનો ભાજપનો કારસો ખુલ્લો પડ્યો । Mansukh Patel Video Goes Viral Than Hardik Patel Bl

વીડિયો Viral થતાં હાર્દિકે કહ્યું, આંદોલનને તોડવાનો ભાજપનો કારસો ખુલ્લો પડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: રાજ્ય વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને તોડવા માટે પાસના કન્વીનરો ‘પૈસા બોલતા હૈ’ની નીતિ અપનાવી ભાજપમાં ભળી ગયા હોવાનો આક્ષેપ પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે. આંદોલનકારીઓના સોશિયલ મીડિયામાં વાઈરલ કરેલા ત્રણ વીડિયો પછી હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે, દસ આંદોલનકારીઓને ભાજપે કુલ રૂ. 46 કરોડ આપીને મારી પર આક્ષેપ કરાવ્યા હતા. તેણે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં કોઇ દ્વારા વાઈરલ કરાયેલા વીડિયોથી ભાજપ ખુલ્લું પડી ગયું છે. 

 

હાર્દિકે કહ્યું હતું કે,આ વીડિયો મેં જાહેર કર્યા નથી,  જે કન્વીનરોને પૈસા નથી મળ્યા તે લોકોએ આ વીડિયો વાઇરલ કર્યા છે. પરંતુ વીડિયો પરથી સાબિત થઇ ગયું છે કે ભાજપે આંદોલનકારીઓને પૈસાથી ખરીદીને મારી વિરુદ્ધ બોલાવા ઊભા કર્યા હતા. હાર્દિકે ફોન પર અને  સોશિયલ મીડિયામાં ત્યાં સુધી કહ્યું છે કે,  ભાજપે આંદોલનકારીઓને ખરીદવા ઉદ્યોગપતિઓ, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ જેવા કે બટુક મોવલિયા, વિમલ પટેલ, મનસુખ પટેલ, જેરામભાઇ વાંસજાળિયા, સી.કે. પટેલને મેદાનમાં  ઉતાર્યા હતા.

 

ભાજપ પર આક્ષેપો કરનાર હાર્દિક  તેની બહેનનાં લગ્નમાં 20 કરોડ ક્યાંથી લાવ્યો તેનો જવાબ આપે : રેશ્મા પટેલ

 

સરકારના કહેવાથી સાક્ષી નથી બન્યો 


સરકારના કહેવાથી હું સરકારી સાક્ષી નથી બન્યો, મારા પર કરેલા આક્ષેપો ખોટા છે. દુનિયા જાણે જ છે કે કોણે કેટલા રૂપીયા લીધા છે. - કેતન પટેલ

 

હાર્દિક બીજેપીને બદનામ કરે છે


હાર્દિકેને સરકાર અને બીજેપીને બદનામ કરવાની કુટેવ પડી ગઇ છે. પૈસાની વાત કરે છે તો પહેલા એ જણાવે કે તેની બહેનનાં લગ્નના 20 કરોડ ક્યાંથી આવ્યા, કોંગ્રેસે આપ્યા. - રેશ્મા પટેલ

 

કોંગ્રેસમાં ગયા તેમનું લિસ્ટ પણ જાહેર કરે
હાર્દિક પટેલ પોતાના પતનને બચાવવા માટે ખોટા આક્ષેપ કરી રહ્યો છે. ખુલ્લી ચેલેન્જ સાથે મને સાબિત કરી આપે તો હું જાહેર જીવન છોડી દઇશ. હાર્દિકે કોંગ્રેસમાં ગયેલા લોકોનું પણ લિસ્ટ જાહેર કરવું જોઇએ.. - દિનેશ બાંભણિયા 

 

કોંગ્રેસે આપેલી બેગ લઈને નીકળ્યો હતો

 

વિરમગામથી ત્રણ જોડી ફાટેલાં કપડા લઇને આવેલો હાર્દિક આજે તેની બહેનના લગ્નમાં કરોડો રૂપિયા વાપરે છે. જેની જોડે હજાર રૂપિયા ના હતા તે આજે કરોડોની વાતો કરે છે અને પોતે તાજમાંથી કોંગ્રેસે આપેલ રૂપિયાની બેગ લઇને નીકળ્યો હતો. - ચિરાગ પટેલ 

 

હાર્દિક વિશે મારે કંઈ બોલવું નથી

 

હાર્દિકે લગાવેલા આક્ષેપ પાયાવિહોણા છે. મેં કોઇ પ્રકારનું સેટિંગ કર્યું નથી. પરંતુ હું તો હંમેશાં સમાજ સાથે છું અને આવનારા સમયમાં સમાજ સાથે રહીશ. - કેતન કાંધલ 

 

શહીદ પરિવારોને દગો આપ્યો છે

 

પૈસાની વાત તો આવતી જ નથી, હાર્દિકે આંદોલનને કોંગ્રેસીકરણ કર્યુ હતું, કોંગ્રેસનો સાથ આપીને શહીદો પરિવારોને દગો આપ્યો છે.  હાર્દિક અત્યારે કોઇ બોલાવતું  નથી. હાર્દિક પોતાનું મૂલ્યાંકન કરી બતાવે.  હિમ્મતનગર કોંગ્રેસની બેઠક પર કેટલા રૂપિયાનુ સેટિંગ કર્યું છે તે બહાર પાડે. - રવિ પટેલ 

 

આવા નિવેદનો માટે કોંગ્રેસ પૈસા આપે છે

 

હાર્દિકે આક્ષેપ કર્યો છે તેના કરતા મોટી મિલકતનો વારસદાર છું, આવા નિવેદનો આપવા કોંગ્રેસ પાર્ટી પેમેન્ટ આપે છે. હવે માપમાં રહે તો સારું, જો માપમાં નહિ રહે તો મજા નહિ આવે. - વરુણ પટેલ 

 

મેં સમાજ માટે સરકારી નોકરી છોડી છે


હાર્દિક મારા વિરુદ્ધ એક પણ પુરાવો આપે તો હું જાહેરજીવન છોડી દઇશ. શિક્ષકની સરકારી નોકરી મૂકીને સમાજ માટે કામ કરી રહ્યો છે. - દિલીપ સાબવા

 

અમે 6 સંસ્થા મળી સમાજનો નિર્ણય કરીશું

 

હાર્દિકને ગમે તેવા આક્ષેપ કરવાની આદત છે, સમાજ સારું કરવાનું હિત અમારું છે. હાર્દિકને જે રીતનું મૂલ્યાંકન કરે તે રીતે કરી શકે, અમે પ્રમુખ 6 સંસ્થાઓ સમાજનો નિર્ણય કરીશું. - જેરામભાઇ પટેલ (સિદસર ઉમિયા ધામ પ્રમુખ) 

 

આંદોલનનો નહીં, હાર્દિકનો વિરોધ હતો 

 

આંદોલનનો વિરોધ નથી કર્યો, આંદોલન કરનારનો વિરોધ હતો. તે રાજકીય હાથા બનીને આંદોલન કરતા હતા. તેનાથી સમાજને નુકસાન હતું.  - સી.કે. પટેલ (વિશ્વ ઉમિયાધામના પ્રમુખ)

 

મારા નામનો ક્યાંય ઉલ્લેખ થતો નથી 

 

મને દર્શાવતો વીડિયો સાચો છે, આંદોલનકારીઓની માંગણીના મુદ્દે હું ઉદેપુર ગયો હતો. ત્યાં જઈને સરકાર દ્વારા પાટીદારોની કેટલી માગણીઓ સ્વીકારવામાં આવશે તેની વાટાઘાટો કરી હતી. સમાજના કામ માટે ગયો હતો. પૈસા લેવામાં મારા નામનો ક્યાંય ઉલ્લેખ થતો નથી.  મનસુખ પટેલ (કાકા)

 
આગળની સ્લાઈડ્સ હાર્દિકના દાવા મુજબ આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી કોને સોંપાઈ છે