અમદાવાદ: 141મી રથયાત્રાને 15 દિવસ બાકી જ છે, ત્યારે પોલીસ પણ સુરક્ષાને લગતી તૈયારીમાં વ્યસ્ત છે. રથયાત્રામાં શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસે પ્રિ-એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેના ભાગરૂપે જ કોમ્બિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે અને રથયાત્રાના રૂટ પર આવતાં અતિસંવેદનશીલ વિસ્તારો ખાતે હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવશે.
આ વખતે વધુ 16 કેમેરા
આ વખતે પોલીસે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. શાંતિ જાળવવાની તૈયારીના ભાગરૂપે આ વિસ્તારોમાં 49 કેમેરા લગાવેલા જ હતા પણ હવે પોલીસે વધુ 16 કેમેરા લગાવ્યા છે. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે. ઉપરાંત રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે પોલીસ શાંતિ સમિતિના લોકો સાથે પણ મિટીંગ કરી રહી છે.
28મીએ નીકળશે જલયાત્રા
આગામી દિવસોમાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ધાબા ચેકિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાશે. આ સિવાય બહારથી આવેલી આરએએફ તથા અન્ય ફોર્સ સાથે રાખીને પેટ્રોલિંગ પણ કરાશે. અષાઢીબીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. પરંતુ તે પૂર્વે જેઠ સુદ પૂનમ એટલે કે 28 જુનના રોજ જગન્નાથજી મંદિરેથી નીકળશે જલયાત્રા. આ યાત્રા પણ 151 ધ્વજા પતાકા, બેન્ડવાજા અને હાથી સાથે નીકળતી હોવાથી યાત્રાને કહેવાય છે નાની રથયાત્રા. જલયાત્રા વાજતે ગાજતે સોમનાથ ભૂદરના આરે જશે. ત્યાંથી 108 ઘડામાં જળ ભરી મંદિરે લાવી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.