અમદાવાદ જિલ્લા પંચાયતમાં બે સભ્યોનું સભ્યપદ કાયમ રદ કરવા HCનો આદેશ

જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યોનું સંખ્યાબળ ઘટી 22 અને કોંગ્રેસનું 10 થયું છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:21 AM
HC Order To Cancel The Membership Of Two Members In Ahmedabad District Panchayat

અમદાવાદ: અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપના એક-એક મળી બંને સભ્યોનું સભ્યપદ રદ કરવાના નામોનિર્દિષ્ટ અધિકારીના આદેશને હાઇકોર્ટે માન્ય રાખ્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ બંને સભ્યોનું સભ્યપદ કાયમી રદ થતાં હવે જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યોનું સંખ્યાબળ ઘટી 22 અને કોંગ્રેસનું 10 થયું છે. પહેલા સભ્યોને સસ્પેન્ડ કરવા કાર્યવાહી કરી બાદમાં તેને રોકવા કોંગ્રેસે કરેલી અરજી માન્ય નહીં રાખી કોર્ટે બંને સભ્યોનું સભ્યપદ કાયમી રદ કર્યું છેે.

સભ્યોને સસ્પેન્ડ કરવા કાર્યવાહી કર્યા બાદ તેને રોકવા કોંગ્રેસે કરેલી અરજી માન્ય ન રખાઇ

હાલ જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકમાંથી સત્તાપક્ષ ભાજપ પાસે 22 બેઠક અને કોંગ્રેસ પાસે 10 બેઠક છે. સસ્પેન્ડ થનાર બંને સભ્યો પૈકી બાબુભાઇ વિરજીભાઇ પઢાર બાવળાની શિયાળ બેઠક પરથી અને ઠાકરસી સવસીભાઇ રાઠોડ ધોલેરાની હેબતપુર બેઠક પરથી ચૂંટાઇને આવ્યા હતાં. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસને સત્તા મળ્યા બાદ બંને સભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું. જેથી કોંગ્રેસે નામોનિર્દિષ્ટ અધિકારી સમક્ષ પક્ષાંતરધારા હેઠળ અરજી બંને સભ્યોના સભ્યપદ રદ કરવા કાર્યવાહી કરી હતી. જેની સામે બંને સભ્યોએ હાઇકોર્ટની શરણ લીધી હતી. જોકે પ્રથમ તબક્કે કોર્ટે કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. આ પછી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અપીલ કાઢી મૂકી હતી. કોર્ટે નામોનિર્દિષ્ટ અધિકારીના હુકમને માન્ય રાખી બંને સભ્યોનું સભ્યપદ કાયમી ધોરણે દૂર કરવાના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો.


જિલ્લા પંચાયતના ગત અઢી વર્ષના શાસનમાં બંને સભ્યો કોંગ્રેસમાં જ હતાં. પરંતુ નવા પ્રમુખની વરણી માટે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના ઠાકરસી રાઠોડે ભાજપ તરફી મતદાન કર્યું હતું. બાબુ પઢારે કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. કોર્ટની સુનાવણીમાં બંને સભ્યોનું સભ્યપદ કાયમી રદ કરી દેવાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને સભ્યોના સભ્ય પદ રદ થતા હવે બંને બેઠકો પર આગામી દિવસોમાં પુન: ચૂંટણી યોજાશે.

ભાજપના વધુ 1 સભ્યનું પદ રદ થશે!

જિલ્લાની દેત્રોજ બેઠક પરથી ચૂંટાયેલા કાંતાબેન કુંવરજી ઠાકોર સામે પણ પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. આ ચુકાદા બાદ હવે તેમનું પણ સભ્યપદ રદ થવાની શક્યતા છે.

બળવો કરનાર 7 સભ્યનું પદ રદ થશે


જિલ્લા પંચાયતમાં બળવો કરનાર કોંગ્રેસના સાત સભ્યોનું સભ્ય પદ પણ રદ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસ નામોનિર્દિષ્ટ અધિકારી સમક્ષ અરજી કરી દીધી છે. હજી સુનાવણી થઇ નથી. જોકે સાતેય સભ્યોને લઇને હજી રાજકરણ ગરમાશે. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

X
HC Order To Cancel The Membership Of Two Members In Ahmedabad District Panchayat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App