હરેન પંડયાની હત્યા ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન દ્વારા કરાવી હતીઃ આઝમ ખાન

ડાબેથી ડીજી વણઝારા અને હરેન પંડ્યાની ફાઇલ તસવીર
ડાબેથી ડીજી વણઝારા અને હરેન પંડ્યાની ફાઇલ તસવીર

divyabhaskar.com

Nov 04, 2018, 12:46 PM IST

અમદાવાદઃ સોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. શનિવારે મુંબઇની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં મુખ્ય સાક્ષી આઝમ ખાને નિવેદનમાં એક સ્ફોટક નિવેદન આપ્યું છે. આઝમ ખાને અદાલતને કહ્યું હતું કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન શેખ દ્વારા કરાવી હતી. આઝમ ખાને સીબીઆઇ કોર્ટને કહ્યું કે, સોહરાબુદ્દીન અને તુલસી તેના સારા મિત્રો હતા અને સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે તેણે નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહિદ સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી હતી.

આઝમ ખાને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અંગે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે,તેણે જ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી અને તુલસીને પોતાની ફઇના મલ્લાતલાઇ સ્થિત મકાનની જગ્યામાં આશરો આપ્યો હતો. આ ત્રણેય લોકો અહીં જ રહેતા હતા.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના મોટિવ બદલાયા

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અનુસંધાનમાં સીબીઆઇએ જે ચાર્જશીટ રજૂ કરી હતી, તેમાં એન્કાઉન્ટરનો મોટિવ અલગ છે. આ ચાર્જશીટ મુજબ, સોહરાબુદ્દીને માર્બલના વેપારી વિમલ પટ્ટણી અને સંગમ ટેક્સટાઇલના એક વેપારીને ધમકી આપી ખંડણી માંગી હતી. આ વેપારીઓએ તેની જાણકારી રાજકીય નેતાઓને આપી હતી. ત્યાર બાદ ડીજી વણઝારા, રાજકુમાર પાંડિયન અને દિનેશ એમએનએ મળીને સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ આઝમ ખાને ટ્રાયલ કોર્ટમાં આપેલા નિવેદનમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો મોટિવ હરેન પંડ્યા હત્યા કેસ સાથે જોડાઇ ગયો છે. ચાર્જશીટમાં એન્કાઉન્ટર પાવર હાઉસ પાસે બતાવ્યું છે, જ્યારે આઝમે કહ્યું કે, સોહરાબુદ્દીન અને કૌસરબીની હત્યા તો ફાર્મ હાઉસમાં જ કરવામાં આવી હતી.

સોહરાબુદ્દીન અને નઇમુદ્દીન જાણતા એકબીજાના રહસ્યો

આઝમ ખાને કોર્ટને જણાવ્યું કે, એકવાર સોહરાબુદ્દીને તેને જણાવ્યું કે, આ નઇમુદ્દીનને મળવા માટે હૈદરાબાદ ગયો હતો. નઇમુદ્દીન દાઉદ ઇબ્રાહીમ સાથે વાત કરવા માગતો હતો. પરંતુ મેં તેને એમ કહીને મનાઇ કરી દીધી કે, દાઉદ તો કોઇ સાથે વાત કરતો નથી. હાં તેની છોટા શકીલ સાથે વાત કરાવી શકે છે. આ સમયે આઝમે સોહરાબુદ્દીનને ચેતવ્યો હતો કે, નઇમુદ્દીન સારો માણસ નથી તો સોહરાબુદ્દીને આઝમને વિશ્વાસ અપાવ્યો હતો કે, નઇમુદ્દીન તેની સાથે દગો કરી શકે નહીં કારણ કે, તે એકબીજાના રહસ્યો જાણે છે અને અમે જ હરેન પંડ્યાની હત્યા કરી હતી. જેના માટે અમને ડીજી વણઝારાએ સોપારી આપી હતી.


પહેલા અને હાલના નિવેદનમાં અલગ-અલગ સ્ટોરી

ઉલ્લેખનીય છે કે, જ્યારે સીબીઆઇ સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી હતી ત્યારે સીબીઆઇ ઇન્સ્પેક્ટર પવાર, વિશ્વાસ મીણા અને એનએસ રાજુએ અલગ-અલગ ત્રણવાર તેના સીઆરપીસીની કલમ 161 હેઠળ નિવેદનો લીધા હતા અને આઝમ આ કેસનો એક માત્ર એવો સાક્ષી છે જેના સીઆરપીસીની કલમ 164 હેઠળ કોર્ટમાં બેવાર નિવેદન લેવાઇ ચૂક્યા છે. જેમાં આઝમે જે સ્ટોરી કહી છે તે શનિવાર(3 નવેમ્બર)ના રોજ ટ્રાયલ કોર્ટમાં આપેલા નિવેદનોથી અલગ છે. આમ છતાં સીબીઆઇના સ્પેશિયલ વકીલ બીપી રાજુએ આ અંગે ના તો કોઇ સવાલ પૂછ્યો કે ના તો તેને હોસ્ટાઇલ જાહેર કર્યો.

સીબીઆઇ ઇન્સ્પેક્ટરે હરેન પંડ્યા હત્યા સંબંધિત નિવેદન નહોતું નોંધ્યું

તો બીજી તરફ બચાવ પક્ષના વકીલે આઝમ ખાનને પૂછ્યું કે, હરેન પંડ્યાની હત્યા સંબંધિત આ વાત તે આ પહેલા સીબીઆઇને આપેલા એકપણ નિવેદનમાં નથી. જેના જવાબમાં આઝમે જણાવ્યું કે, તેણે સીબીઆઇ ઇન્સ્પેક્ટર એનએસ રાજુને નિવેદન આપતી વખતે આ વાત કહી હતી. પરંતુ તેણે આ વાત લખવાથી ઇન્કાર કર્યો હતો અને મને કહ્યું કે, તેનાથી મોટી બબાલ થઇ જશે. આ વાત નિવેદનમાં લખાવ નહીં. મેં એનએસ રાજુને કહ્યું હતું કે, હું જે જાણું છું તે કહીશ.

શું છે હરેન પંડ્યા હત્યા કેસ

26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, 2003માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 25 જૂન, 2007ના રોજ હરેન પંડ્યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.

હરેન પંડ્યા હત્યા કેસના તમામ આરોપીઓ નિર્દોષ

વર્ષ 2011 ગુજરાત હાઇકોર્ટે હરેન પંડ્યા હત્યા કેસના તમામ 12 આરોપીઓ વિરૂદ્ધ હત્યાના આરોપો પડતા મૂક્યા હતા. વિશેષ પોટા અદાલતે તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. મુખ્ય આરોપી અસગરઅલીને નિર્દોષ જાહેર કરી પોતાનો ચૂકાદો આપતા હાઇકોર્ટે આ કેસમાં સીબીઆઈની તપાસ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે આ કેસમાં અગાઉ નવ આરોપીઓને જન્મટીપ અને બેને સાત વર્ષની તથા એકને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારાવામાં આવી હતી.

ડિ જી વણજારાની DivyaBhaskar.com સાથેની વાતમાં કહ્યું મેટર સબ જ્યુડિશિયલ છે મારે કોમેન્ટ ન અપાય

આઝમ ખાનના નિવેદન બાદ ડિ જી વણજારાએ DivyaBhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સંદર્ભે મારી પાસે કોઈ પ્રિપોઝીશન આવ્યું નથી કે આઝમ ખાન શું બોલ્યો. છતાં પણ જો કંઈ બોલ્યો હોય તો આ મેટર સબ જ્યુડિશિયલ હોવાથી મારે કોમેન્ટ આપવી અસ્થાને ગણાય. જેથી હું વિશેષ કંઈ કહેવા માંગતો નથી.

X
ડાબેથી ડીજી વણઝારા અને હરેન પંડ્યાની ફાઇલ તસવીરડાબેથી ડીજી વણઝારા અને હરેન પંડ્યાની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી