પુષ્ટિ / ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ, સિંહ, વાઘ અને દીપડો ધરાવતું પ્રથમ રાજ્ય બન્યું

Gujarat samachar Tiger in Gujarat forest department declared
X
Gujarat samachar Tiger in Gujarat forest department declared

  • મહીસાગર વનવિસ્તારમાં નાઈટ વિઝન કેમેરામાં વાઘ દેખાયો હતો
  • 5 મહિનામાં 150થી વધુ મારણ છતાં વન વિભાગે તપાસ કેમ ન કરી?
  • 25 જુલાઈએ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદી કોકણીપાડા જંગલમાં વાઘનું અસ્તિત્વ હોવાની પુષ્ટિ થઈ હતી

DivyaBhaskar.com

Feb 13, 2019, 03:22 AM IST
અમદાવાદ: મહીસાગર જિલ્લાના વનવિસ્તારમાં વાઘ હોવાની વનવિભાગે પુષ્ટિ કરી છે. આ વાઘ નાઈટ વિઝન કેમેરામાં દેખાયો હતો. જેથી હવે ગુજરાત સિંહ, વાઘ અને દીપડા ત્રણેય મોટા પ્રાણી ધરાવતું પ્રથમ રાજ્ય બની ગયું છે.
1. વાઘની હાજરી વાળા વિસ્તારમાં 150 મારણ, વનવિભાગની બેદરકારી
મહીસાગર જિલ્લાના વન વિસ્તારમાં છેલ્લા 5 મહિનામાં 150થી વધુ વન્ય પ્રાણી દ્વારા મારણ થયા છે જેમાં 45 મારણ સરકારી ચોપડે નોંધાયા છે જેમાં 34 મારણ સંતરામપુર રેંજમાં નોંધાયા છે અને 11 મારણ લુણાવાડા રેંજમાં નોંધાયા છે. ત્યારે સવાલ થાય છે આટલા મોટા પ્રમાણમાં વન્યપ્રાણીઓના મારણ થયા ત્યારે શું વનવિભાગ ઉંઘતું હતું ?
2. ત્રણ દાયકા બાદ ગુજરાતમાં વાઘની ઉપસ્થિતિએ સૌને ચોંકાવી દીધા
રાષ્ટ્રીય પ્રાણી વાઘની ઉપસ્થિતિ સમગ્ર ગુજરાત માટે એક સારા સમાચાર મહીસાગર જિલ્લાથી મળ્યા છે. વાઘ નજરે ચઢતા એક શિક્ષકે આ વાઘની તસવીર પોતાના મોબાઈલમાં કેદ કરી અને વન વિભાગને જાણ કરતાં વન વિભાગ આ વાઘના પુરાવા મેળવવા કામે લાગ્યું હતું. ત્યારે ત્રણ દાયકા બાદ ગુજરાતમાં વાઘની ઉપસ્થિતિએ સૌને ચોંકાવી દીધા છે.
3. વાઘના પંજાના નિશાન પણ મળ્યા
જાણકારો કહે છે કે વાઘની પ્રકૃતિ મુજબ વાઘ તેના નહોરને ઝાડ સાથે ઘસી તીક્ષ્ણ કરે છે. વાઘનો પંજો તેનું સૌથી મોટું હથિયાર છે. વાઘ શિકાર માટે સજ્જ થાય છે ત્યારે વાઘે પોતાના નહોર તીક્ષ્ણ કર્યા હોય તેવા પુરાવારુપ અનેક ઝાડ આ વિસ્તારમાં મળ્યા છે.
4. વાઘે 5 મિનિટ બસ ઉભી રાખી
'અમે પાનમ ડેમ બસ લઈને જય રહ્યા હતા ત્યારે વાઘ રસ્તા ઉપર બેઠેલો હતો અને બસ ઊભી રાખી દીધી હતી. 15 મિનિટ બાદ વાઘ એની મેળે ચાલતો થયો ત્યારે અમે બસ લઈ જઈ શક્યા હતા' -ઉદેસિંહ બારિયા, બસ કંડક્ટર
5. છેલ્લે 1985માં ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA) મુજબ, ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. જયારે 1992માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી.
6. 4 દાયકા પહેલા વાઘની ઘટી રહેલી વસતી પર ચિંતા વ્યક્ત થઈ હતી
ગુજરાત અને વાઘનો સંબંધ દાયકાઓ જુનો છે. વર્ષ 1979માં સ્પેશિયલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એમ.એ.રશીદે વાઈલ્ડલાઈફ જર્નલ ‘ચિતલ’ માં ગુજરાતમાંથી વાઘની સંખ્યા ઘટી રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
7. 1998માં મહારાષ્ટ્રની સરહદે વાઘ જોયો હોવાનો દાવો થયો હતો
લગભગ બે દાયકા પહેલાં 1998માં મહારાષ્ટ્રની સરહદે ડાંગના જંગલોમાં વાઘ જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પહેલા થોડા સમય પહેલા પણ ડાંગના જંગલમાંથી મળી આવેલા વાઘના મળના નમૂનાને આધારે નાસિક જિલ્લાને અડીને આવેલા ડાંગના જંગલોમાં વાઘની વસ્તી હોવાની શકયતા ઊભી થઈ છે.
8. વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં
વિશ્વના કુલ વાઘમાંથી 70 ટકા વાઘ ભારતમાં છે અને તેમની સંખ્યા 2006માં 1,411થી વધીને 2014માં 2,226 થઈ છે. વાઘની વસતી ગણતરી 2014 અનુસાર, દેશના 18 રાજ્યોમાં વાઘ જોવા મળે છે. ઝારખંડ રાજ્યમાં પલામુ રીઝર્વમાં વાઘ જોવા મળે છે. કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને ગોવાના સમાવેશ સાથેના વેસ્ટર્ન ઘાટ્સ લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સમાં 776 વાઘ છે.

વાઘની હાજરી વિશે બધું જે તમે જાણ‌વા માગો છો

1. ઉજ્જૈનથી વાઘ ગુમ થયો હતો
7-8 વર્ષની વયનો વાઘ મહિસાગર જિલ્લામાં જોવા મળ્યો છે. ઉજ્જૈનથી એક વાઘ ગુમ થયો હોવાનું મધ્ય પ્રદેશ સરકારે અગાઉ જણાવ્યું હતું.  અમે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટીની મદદ માગી છે.  - ગણપત વસાવા,  રાજ્યકક્ષાના વનમંત્રી 
2. જંગલના રસ્તા બંધ કરી દેવાયા, લોકો ભયભીત
સંતરામપુરના સમગ્ર વિસ્તારમાં વનવિભાગે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જંગલમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ માટે વનવિભાગે ગેટ પણ બંધ કરી દીધો છે. તેમણે સ્થાનિકોને જંગલમાં લાકડા વીણવા માટે નહીં જવાની સલાહ આપી છે. આ સાથે વાઘને સુરક્ષિત રાખવાના પગલાં ભરવામાં આવી રહ્યા હોવાનંુ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. 
3. વાઘ આવ્યો ક્યાંથી?
વાઘ મધ્ય પ્રદેશના રાતાપાણીથી નીકળ્યો હોવાનું મનાય છે. આશરે 500 કિમી સફર ખેડીને વાઘ સંતરામપુર આવ્યાની શક્યતા છે. 
4. આટલી લાંબી સફર કેવી રીતે ખેડી?
આખા રૂટ પર મહદઅંશે તે નદીના કિનારે કિનારે આવ્યો હોવાની અને ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશી સંતરામપુર તરફ ફંટાયો હોવાનું અનુમાન છે . રસ્તામાં નાની નદીઓ અને તળાવો હોવાથી પાણી મળ્યું હોવું જોઈએ. 
5. શું એક જ વાઘ છે?
હાલ એક જ વાઘ હોવાના પુરાવા મળ્યા છે. 
6. વાઘ જોવા સંતરામપુર જઈ શકાય?
નહીં. વાઘ જોવા જવું એ સલામત નથી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી