નદીઓ- તળાવોમાં ગણેશ વિસર્જન નહીં થવા દેવાય - સરકારની HCમાં ખાતરી

ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોનું પાલન કરાવવા માટે હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ થઇ હતી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:01 AM
સુરતમાં મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવાયા છે, કુલ 19 કુંડ બનશે
સુરતમાં મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવાયા છે, કુલ 19 કુંડ બનશે

અમદાવાદ: રાજ્યની નદીઓમાં કે તળાવોમાં ગણેશ વિસર્જનને અટકાવવા માટે જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની હાઇકોર્ટ સમક્ષ ખાતરી આપવામાં આવી છે. ખાસ કરીને સુરત તેમજ અમદાવાદમાં તો નદીમાં કોઇ મૂર્તિનું વિસર્જન ન થાય તેની તકેદારી રાખવામાં આવશે તેવી પણ સરકારે ખાતરી આપી છે. મૂર્તિ વિસર્જન માટે અલગ અલગ જગ્યાએ અમદાવાદમાં જ 14 સ્થળે કુંડ બનાવવામાં આવ્યા છે. હાઇકોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો છે.

હાઇકોર્ટે ગયા વર્ષે પણ આદેશ આપી નદીઓમાં વિસર્જન અટકાવવા કહ્યું હતું

સુરતની તાપી નદીમાં વિસર્જન કરવામાં આવતી પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશ મૂર્તિઓને કારણે નદીમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. તેને અટકાવવા માટે એડ્વોકેટ અમિત મારફતે હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે નદીમાં કે તળાવમાં કોઇ પણ મૂર્તિ કે પ્રદૂષિત વસ્તુ પધરાવવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે તાપી નદીમાં પધરાવવામાં આવતા આવી મૂર્તિઓને અટકાવવામાં આવવી જોઇએ. હાઇકોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો છે.

સરકારે હાઇકોર્ટમાં કરેલી સ્પષ્ટતા

રાજ્યભરમાં ખાસ કરીને તમામ શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા એવા પ્રયાસો કરવામાં આવ્યા છે કે, કોઇપણ તળાવ કે નદીમાં મૂર્તિ પધરાવવામાં ન આવે.સુરત શહેરમાં તો તાપીમાં મૂર્તિ ન પધરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ,વડોદરા, જૂનાગઢ જેવા શહેરોમાં પણ તકેદારી માટે પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદમાં તો તેના માટે ખાસ 14 જગ્યાએ કુંડ બનાવવામાં આવ્યા છે. જે કુંડમાં જ ગણેશ વિસર્જન કરવામાં આવશે. પીઓપીની મૂર્તિઓનું વિસર્જન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

અનેક ચુકાદા પણ સ્થિતિ ઠેરની ઠેર


કેન્દ્ર તેમજ રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નદીઓ અને તળાવના પાણીમાં મૂર્તિ વિસર્જન નહીં થવા દેવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે પાલન નહીં થતાં પુના ખાતે ગ્રીન ટ્રિબ્યુનલમાં તેના પાલન માટે અનેક અરજીઓ થઇ હતી. ગ્રીન ટ્રિબ્યુનલે પણ આ નિયમના પાલન માટે આદેશ આપ્યા હતા. જો કે તેમ છતાં પાલન ન થતાં ગુજરાત હાઇકોર્ટમાં પણ એક પિટિશન થઇ હતી. ગયા વર્ષે પણ હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપી નદીમાં કે તળાવમાં મૂર્તિ વિસર્જન ન થાય તે માટે આદેશો આપ્યા હતા. જો કે તેમ છતાં ગયા વર્ષે મૂર્તિઓનું નદીમાં જ વિસર્જન થયું હતું.


દશામા, દુર્ગામાની મૂર્તિ કે તાજિયા માટે પણ નિયમો કરવા પિટિશનમાં માગ


પિટિશનમાં ગણેશ મૂર્તિ જ નહીં પણ દશામાની મૂર્તિ, દુર્ગામાની મૂર્તિ તેમજ તાજિયાનું વિસર્જન પણ નદીના પાણીમાં ન કરવામાં આવે તેમજ તેના દ્વારા પાણીને દૂષિત કરવામાં ન આવે તેવી માગ પિટિશનમાં કરવામાં આવી છે.

દરેક ઘરે માત્ર માટીના જ ગણેશની સ્થાપના થાય

આસ્થા સાથે રમતનો એક ગંભીર કિસ્સો તાજેતરમાં જ સામે આવ્યો છે. ગુજરાતના જૂનાગઢમાં ભાસ્કરે એક સ્ટિંગ ઓપરેશન કર્યું, જેમાં જાણવા મળ્યું કે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી અને વિસર્જિત કરાયેલી ગણેશ પ્રતિમાઓને અડધી કિંમત પર પુન: બજારમાં લાવવામાં આવી રહી છે. પ્રતિમાઓને તળાવ, નદીમાંથી એકત્ર કરીને ફરીથી રંગ-રોગાન કરી વેચવામાં આવે છે. આવા કિસ્સાઓ આપણે સરળતાથી અટકાવી શકીએ છીએ. જો પીઓપીની જગ્યાએ માટીથી બનેલી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે તો આપણી આસ્થા સાથે ફરી ક્યારેય રમત નહીં થાય.


ગણેશચતુર્થી પર પૂર્ણ હર્ષોલ્લાસ, ભક્તિ અને ધૂમધામથી માત્ર માટીના ગણેશ ઘરે લાવવાની વિનંતી સાથે ભાસ્કર જૂથ દર વર્ષે ‘માટીના ગણેશ’ અભિયાન ચલાવી રહ્યું છે. આ વર્ષે પણ આપને આગ્રહ છે કે આપના ઘરમાં માટીમાંથી બનેલા ગણેશજીની જ સ્થાપના કરો અને પછી ઘરમાં જ કોઈ પાત્રમાં ગણેશજીનું વિસર્જન કરી માટીને કૂંડામાં નાંખી છોડ વાવો. આ રીતે આપણે ગણેશજીનું પૂર્ણ વિસર્જન કરી શકીશું અને જૂનાગઢ જેવા કિસ્સા પણ ફરીથી સામે નહીં આવી શકે.


ગણેશચતુર્થીની શુભકામનાઓ
- ભાસ્કર પરિવાર

X
સુરતમાં મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવાયા છે, કુલ 19 કુંડ બનશેસુરતમાં મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવાયા છે, કુલ 19 કુંડ બનશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App