- મૃતક રાબિયા મેમણ ઓફિસના કામથી હોટલ અર્પિત પેલેસમાં રોકાયા હતા
- મૂળ નવસારીના રાબિયા મેમણ સુરત GEBમાં કાર્યરત હતા
- મંગળવાર સવારે દિલ્હી કરોલબાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં આગ લાગી હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા
દીપક ભાટી, અમદાવાદ: દિલ્હીના કરોલબાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં મંગળવારે વહેલી સવારે 4.30 વાગે આગ લાગી હતી. આ આગમાં કુલ 17 લોકોના મોત થયા હતા. જેમાં કુલ મૃતકોમાં એક ગુજરાતી પણ સામેલ છે. નવસારીમાં રહેતા અનેસુરતના ડીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસમાં લો ઓફિસર તરીકે ફરજ બજાવતા રાબિયા જુસબભાઈ મેમણનું મૃત્યુ થયું હતું. દિવ્યભાસ્કરે તેમના પરિવારજનોનો સપંર્ક કરીને સમગ્ર માહિતી મેળવી છે.
રાબિયા મેમણ ઓફિસના કામથી હોટલમા રોકાયા હતા
1.દિલ્હી કરોલબાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગમાં મૂળ ગુજરાતના નવસારીના રાબિયા જુસબભાઈ મેમણનું મોત નીપજ્યું છે. રાબિયાબેનના ભત્રીજી રૂબિનાબેને દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે રાબિયાબેન ગુજરાત ઈલેક્ટ્રીસિટી બોર્ડ (GEB)માં કામ કરતા હતા. તેઓ ઓફિસના કામથી દિલ્હીની અર્પિત હોટલમાં રાત્રે ચેક-ઈન કર્યું હતું. અને વહેલી સવારે આગ લાગતા તેમનું મોત નીપજ્યું હતું.
52 વર્ષીય રાબિયાબેન DGVCL કોર્પોરેટમાં લૉ-ઓફિસર હતા
2.રાબિયા મેમણ 20 ફેબ્રુઆરી 1990માં GEBમાં જોડાયા હતા. અને વર્ષ 2005થી તેઓ દક્ષિણ ગુજરાત વિજ લિમિટેડ કંપની (DGVCL)માં લૉ ઓફિસર હતા.
બે દિવસથી કઈ ખાધુ નથી
3.'દિલ્હી હોટલ આગ દુર્ઘટનામાં રાબિયાબેનનું મોત થયુ તે અમારા માટે બહું જ શોકિંગ છે. હું બહુ દુ:ખી છું, જ્યારથી તેમના મોતના સમાચાર મળ્યા છે ખાવાનું નથી ખાધુ'- રિટાયર્ડ ઓફિસર, GEB, સુરત
રાબિયા મેમણે આગથી બચવા માટે પ્રયત્ન કર્યો હતો, 60 % દાઝતાં મોત
4.ડીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કંપનીના કામથી લીગલ અધિકારી આર.જે.મેમણ, એમ.જી.સુરતી અને આર.એચ.શાહ તા.12મી ફેબ્રુઆરીએ દિલ્હી ગયા હતા. દિલ્હીમાં ઠંડીના કારણે લીગલ અધિકારી રૂમના બારી-બારણાં બંધ કરીને આરામ કરતાં હોઇ જેના કારણે તેમને આગની ઘટના અંગે જાણ થઇ શકી નહી. હોટલમાં મોટા ભાગે વુડન ફ્લોરીંગ કરાયેલું હતું. જેના કારણે આગ પહેલા માળેથી ચોથા માળ પર રોકાયેલા અધિકારીના રૂમ સુધી જલદી પહોંચી ગઇ હતી. મૃતક આર.જે.મેમણ નવસારીમાં પુત્ર સાથે રહેતા હતા. તેમનો પુત્ર એમએબીએમાં અભ્યાસ કરી રહ્યો છે. ડીજીવીસએલના મહિલા અધિકારીની બોડી 60 ટકાથી વધુ દાઝી ગયું હોવાનું પણ જાણવા મળ્યું હતું.