- સામાન્ય નાગરિકને મુખ્યમંત્રી અમૃતમ-મા વાત્સલ્યકાર્ડ હેઠળ માત્ર 3 લાખ સુધીની સારવારનો લાભ
- હેલ્થકાર્ડ માટે ત્રણ લાખની આવક મર્યાદા તો ધારાસભ્યો માટે કેમ કોઈ આવક મર્યાદા નહીં?
અમદાવાદઃ મહિને રૂ. 1,16,316 જેટલો પગાર લેતા ગુજરાતના ધારાસભ્યો અને તેમના પરિવારજનો જો હવે બીમાર પડશે તો રાજ્ય સરકાર રૂા.15 લાખ સુધીનો ખર્ચ ભોગવશે. આમ વાર્ષિક 3 લાખની આવક ધરાવતા સામાન્ય નાગરિકને મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ હેઠળ માત્ર 3 લાખ સુધીની સારવારનો લાભ મળે છે. જ્યારે રૂપાણી સરકારે ગરીબ અને મધ્યમવર્ગની ચિંતા કર્યા વિના કરોડપતિ ધારાસભ્યોની સારવાર માટે 15 લાખનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આશા પટેલના રાજીનામાં બાદ કુલ 181 ધારાસભ્યોમાંથી 141 ધારાસભ્યો કરોડપતિ છે.
પગાર વધારા અને મેડિકલ ખર્ચ મામલે ભાજપ-કોંગ્રેસમાં ગજબની એકતા
15 લાખથી વધુના ખર્ચ માટે આરોગ્ય મંત્રી-CMની મંજૂરી જરૂરી
1.જો કોઈ ધારાસભ્યની સારવારમાં 15 લાખથી વધુનો ખર્ચ થયો હશે તો તેના માટે મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીની મંજૂરી જરૂરી રહેશે. આ લાભ પૂર્વ ધારાસભ્યોને પણ મળવાપાત્ર છે. મોટાભાગના ધારાસભ્યો બીમાર થાય તો, સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાનુ ટાળે છે. આ પોલીસી મુજબ,હવે ધારાસભ્યો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ શકે છે.
5 મહિના પહેલા ધારાસભ્યોના પગારમાં 45 હજારનો વધારો થયો
2.સપ્ટેમ્બર 2018માં રાજ્યના ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો કરી 87માંથી 1 લાખ 32 હજાર પગાર કર્યો હતો.
ભાજપના 85 અને કોંગ્રેસના 53 ધારાસભ્યો કરોડપતિ
3.એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (ADR)મુજબ ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા 182 ધારાસભ્યો પૈકી 141 એટલે કે 77 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. જેમાં ભાજપના સૌથી વધુ 85 ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 53, ભારતીય ટ્રાયબલ પાર્ટીના 2 અને NCPના 1 ધારાસભ્ય કરોડપતિ છે.