રૂપાણીએ ખોંખારો ખાધોઃ 2019 સુધીમાં અમદાવાદનું કર્ણાવતી થઈ જશે

લોકસભાની ચૂંટણીમાં વિકાસને બદલે હિન્દુત્વનું કાર્ડ અજમાવવાનો ભાજપનો વ્યુહ સ્પષ્ટ થયો

DivyaBhaskar.com | Updated - Nov 08, 2018, 03:16 PM
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકાર વિચારી રહી હોવાનું સ્વિકાર્યા બાદ હવે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખોંખારો ખાધો છે
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકાર વિચારી રહી હોવાનું સ્વિકાર્યા બાદ હવે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખોંખારો ખાધો છે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરોના નામ બદલ્યા પછી ગુજરાત સરકારને પણ ત્રણ દાયકા પહેલાંનું વચન એકાએક યાદ આવ્યું છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકાર વિચારી રહી હોવાનું સ્વિકાર્યા બાદ હવે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખોંખારો ખાધો છે. નવા વરસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા ગયેલ મુખ્યમંત્રીએ નામ બદલવા અંગે આવશ્યક કાનૂની કાર્યવાહી અંગે વિચારણા થઈ રહી હોવાનું સ્વિકાર્યું હતું. તમામ અડચણો દૂર કર્યા પછી 2019માં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી શકાશે એવો તેમણે સંકેત આપ્યો હતો.તો શું કર્ણાવતી બનશે હુકમનું પાનું?


આગામી લોકસભાની ચૂંટણી 2019ના મધ્યમાં યોજાશે. ભાજપ માટે આ વખતે અન્ય રાજ્યોમાં મુશ્કેલ માહોલ છે, તો ગુજરાતમાં પણ 2014ની માફક 26માંથી 26 બેઠક મેળવવી સહેજે ય આસાન નહિ હોય. એ સંજોગોમાં ફરીથી ભાજપતરફી જુવાળ જગાવવા માટે કટ્ટર હિન્દુત્વની છબી પુનઃ ઘસી ઘસીને ઉજાળવી અનિવાર્ય બની જાય છે. એ માટે રામમંદિર ઉપરાંત કર્ણાવતી નામકરણ પણ ભાજપના વ્યુહનો હિસ્સો હોઈ શકે.

શા માટે કર્ણાવતી નામકરણ?

એંશીના દાયકામાં કોંગ્રેસની ચડતી કળા સામે ભાજપને ગુજરાતમાં પગ મૂકવાની ય જગા ન હતી. એ વખતે ભાજપે સૌપ્રથમ વખત હિન્દુત્વનું કાર્ડ ગુજરાતમાં અજમાવ્યું હતું. એ માટે ભાજપે બે મુદ્દા ઊઠાવ્યા હતાઃ કુખ્યાત ડોન અબ્દુલ લતિફની આડમાં કોંગ્રેસ દ્વારા થતું મુસ્લિમ તુષ્ટિકરણ અને અમદાવાદનું નામકરણ કર્ણાવતી કરવું. આ બે મુદ્દા પર ભાજપના આક્રમક પ્રચારને ભારે સફળતા મળી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા ભાજપના હાથમાં ગઈ. ત્યારથી ગુજરાત એ ભાજપ માટે હિન્દુત્વની લેબોરેટરી ગણાતું રહ્યું છે.

કાસ્ટ ફેક્ટર વિ. હિન્દુત્વ

વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક, અલ્પેશ, મેવાણીના ખભે જાતિવાદની બંદૂક ફોડવામાં કોંગ્રેસને આંશિક સફળતા મળી હતી અને ભાજપને લાંબા અરસા પછી બે આંકડામાં સમેટાઈ જવું પડ્યું હતું. આ જ સ્થિતિ લોકસભામાં થાય તો ભાજપને દિલ્હી દૂર પડી જાય તેમ છે. આથી મોદી-અમિત શાહના ગઢમાં તો કાંગરા અકબંધ રહેવા જ જોઈએ. વિકાસનો મુદ્દો એટલો ચલણી નથી ત્યારે હિન્દુત્વનું કાર્ડ જ ભાજપની વેરવિખેર થઈ રહેલી વોટબેન્કને અકબંધ કરી શકે તેમ છે. આથી કર્ણાવતી જેવો સાવ વિસરાઈ ગયેલો મુદ્દો હવે ફરીથી ગરમાય તેવી પૂરી શક્યતા છે.

X
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકાર વિચારી રહી હોવાનું સ્વિકાર્યા બાદ હવે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખોંખારો ખાધો છેઅમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકાર વિચારી રહી હોવાનું સ્વિકાર્યા બાદ હવે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખોંખારો ખાધો છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App