અભિપ્રાય / હિન્દુ પરિષદો... જેનાં માટે બાખડી રહ્યા છો એ ડો. વણિકરના આત્માનો તો વિચાર કરો

Clashes between AHP & VHP worker at vanikar bhavan ahmedabad
X
Clashes between AHP & VHP worker at vanikar bhavan ahmedabad

  • હિન્દુ એકતાની દુહાઈ દેનારા પોતે જ આપસમાં લડીને ડો. વણિકરના આત્માને ઠેસ પહોંચાડી રહ્યા છે
  • ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મેલા ડો. વિશ્વનાથ વણિકરની અથાગ મહેનતના કારણે રાજ્યમાં હિન્દુ વિચારધારા પાંગરી
  • ગુજરાતભરમાં હજારો કિલોમીટર પગપાળા રખડીને ડો. વણિકરે વિશ્વ હિન્દુ પરિષદનો પાયો મજબૂત કર્યો હતો

DivyaBhaskar.com

Feb 14, 2019, 06:35 PM IST

ધૈવત ત્રિવેદી, અમદાવાદ: બહુ જ આઘાતજનક અને એટલી જ શરમજનક બાબત છે કે સમગ્ર વિશ્વના હિન્દુઓને એકસંપ કરવાનો જે હેતુ ધરાવે છે એ જ વિશ્વ હિન્દુ પરિષદ હવે ભાગલાઓમાં રહેંસાઈ ગઈ છે. આટલું ઓછું હોય એમ, સંગઠનના બેય ફાંટા હવે કાર્યાલય નામે ડો. વણિકર ભવનના કબજા માટે આપસમાં ટકરાઈ રહ્યા છે. સત્તાની સાઠમારીમાં સામસામે બાંયો ચઢાવનારાઓને એ વાતની ય પરવા નથી કે કાર્યાલય સાથે જેમનું નામ જોડાયેલું છે એ ડો. વણિકરના દિવંગત આત્માને આ આંતરિક ઝગડાથી કેટલું દુઃખ પહોંચતું હશે.

1. શા માટે આ ઝગડો?
એક જમાનામાં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે એક ઈન્દિરાનો પક્ષ કોંગ્રેસ (I) તરીકે ઓળખાયો હતો. બિલકુલ એમ જ, વિશ્વ હિન્દુ પરિષદે હવે કૌંસમાં (M) લગાડવાનું જ બાકી રાખ્યું છે અને બીજો ફાંટો પ્રવિણ તોગડિયાનો છે, જે હજુ હમણાં સુધી સંગઠનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ હતા અને હવે જેમને બેસવા માટે ઓરડો ય નથી મળતો. બહુ અપમાનજનક રીતે વિહિપમાંથી તોગડિયાની હકાલપટ્ટી થઈ અને તેમણે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ (AHP)ની સ્થાપના કરી એ પછી નવી સંસ્થાના નામે તોગડિયા પણ હજુ કોઈ મોટો મોરલો ટાંકી શક્યા નથી. હવે ચૂંટણી નજીક આવી રહી છે માટે હિન્દુ પરિષદના બંને ફાંટાઓ એકમેક પર સર્વોપરિતાના નામે જંગે ચડ્યા છે અને તેમાં નિમિત્ત બન્યું છે. પાલડી મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા ડો. વણિકર ભવન, જે એક-દોઢ દાયકા પહેલાં સત્તાના સમાંતર કેન્દ્ર તરીકે જાણીતું હતું.

કોણ હતા ડો. વણિકર?

ડો. વણિકર વિશે જાણતાં પહેલાં ગુજરાતમાં રા.સ્વ.સંઘના આરંભનો સમય ચકાસવો રસપ્રદ બની રહે છે. ઈસ. 1925માં નાગપુર ખાતે ડો. હેડગેવારે રા.સ્વ.સંઘની સ્થાપના કરી એ પછી બહુ ઝડપભેર અન્ય પ્રાંતોમાં પણ સંઘની શાખાઓ શરૂ થવા લાગી. આરંભે જે કેટલાંક યુવાઓએ સંઘ કાર્યમાં જીવન સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી એ પ્રચારકો તરીકે ઓળખાયા અને નાગપુરથી નીકળેલા આવા પ્રતિબદ્ધ પ્રચારકોએ ગુજરાતમાં પણ સંઘ કાર્યનો પાયો નાંખ્યો. ગોપાલરાવ ઝિંઝર્ડે નામના પ્રચારકે વડોદરાના કલાભવન મેદાન ખાતે શાખાનો પ્રારંભ કર્યો એ ગુજરાતની પહેલી સંઘ શાખા અને એ વર્ષ હતું 1938.
રા.સ્વ.સંઘની સ્થાપના નાગપુર (મહારાષ્ટ્ર)માં થઈ હતી, સ્થાપક ડો. હેડગેવાર મરાઠી હતા, હિન્દુ પુનરુત્થાનનો મૂળભૂત વિચાર પણ મરાઠા સામ્રાજ્ય અને છત્રપતિ શિવાજીની હિન્દુપત પાદશાહીમાંથી પ્રેરાયેલો હતો. આથી રા.સ્વ.સંઘના આરંભિક વર્ષોમાં મહદ્ અંશે મરાઠા સમુદાય જ તેનો કર્ણધાર બની રહ્યો. વડોદરામાં ગાયકવાડનું શાસન હતું. મરાઠા સંસ્કારિતા અહીં પ્રબળ હતી. માટે પહેલી શાખા પણ અહીં જ શરૂ થઈ.
એ જ ક્રમમાં ગુજરાતના સૌથી મોટા શહેર તરીકે અમદાવાદમાં સંઘવિચાર પ્રસર્યો, પરંતુ એમાં પણ મરાઠા સમુદાયનું જ પ્રદાન હતું. અમદાવાદમાં લાલ દરવાજા નજીક મહારાષ્ટ્ર સોસાયટી તરીકે જાણીતો વિસ્તાર છે, જ્યાં આશરે બે સૈકાથી મરાઠા પરિવારો વસે છે. અહીં વસતાં વામનરાવ ગોડબોલે, વિષ્ણુપંત સરવતે અને ભાઉરાવ કામતે જેવા મરાઠા અગ્રણીઓએ અમદાવાદમાં સંઘકાર્યનો આરંભ કર્યો. શરૂઆતમાં શહેરભરમાં વસતાં મરાઠા સમાજના યુવાનો સંઘ શાખાઓમાં હાજરી આપવા લાગ્યા, જેની અસર ક્રમશઃ ગુજરાતી પરિવારોમાં પણ પહોંચી. એવા જ એક યુવાન એટલે ડો. વિશ્વનાથ વણિકર.

વણિકરઃ અમદાવાદનો ગર્ભશ્રીમંત શ્રેષ્ઠી પરિવાર

આઝાદી પહેલાં જ્યારે અમદાવાદ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું અને શહેરમાં શ્રેષ્ઠી, શ્રીમંત પરિવારોનો દબદબો હતો. હઠીસિંગ ફેમિલી, લાલભાઈ દલપતભાઈ પરિવાર, મફતલાલ ગગલદાસ પરિવાર, હરિવલ્લભ કાલિદાસ પરિવાર જેવું જ એક નામ હતું વણિકર પરિવારનું. અનંતરાવ વણિકરના પૂર્વજો મૂળ નાસિકના, પરંતુ દામોજીરાવ ગાયકવાડે અમદાવાદ સહિતના ગુજરાતના વિસ્તારોમાં પગપેસારો કર્યો (અઢારમી સદી) ત્યારથી કેટલાંક મરાઠી પરિવારો અમદાવાદમાં સ્થાયી થયા હતા. અનંતરાવ વણિકરનો પરિવાર પણ તેમાંનો એક.
એ જમાનામાં મિકેનિકલ અને ટેક્સ્ટાઈલ એવી એન્જિનિયરિંગની બે ડીગ્રી મેળવેલા અનંતરાવે અમદાવાદમાં ચાર મિલની સ્થાપના કરી હતી. એ ઉપરાંત પણ કેટલીક મોટી મિલમાં તેઓ ડિરેક્ટર હતા. અનંતરાવના દીકરા વિશ્વનાથરાવે પિતાની માફક એન્જિનિયર થઈને મિલનું સંચાલન સંભાળવાને બદલે તબીબ થવાનું પસંદ કર્યું અને લંડન, પેરિસ, બર્લિનમાં અભ્યાસ કરીને તેઓ પરત આવ્યા ત્યારે ગુજરાતના પ્રથમ પેથોલોજિસ્ટ તરીકેનું બહુમાન મેળવ્યું હતું.
વણિકર ભવનની આજની સ્થિતિની તો ખબર નથી, પરંતુ દોઢેક દાયકા પહેલાં તેના મુખ્ય કક્ષમાં ડો. વિશ્વનાથ વણિકરની મોટી તસવીર લટકતી હતી. બંધ ગળાનો જોધપુરી કોટ, પ્રતિભાશાળી ચહેરા પર ઓપતી પેશ્વાઈ પાઘડી અને પાણીદાર આંખોમાંથી નીતરતી બૌદ્ધિકતા. ઊંચા, ગોરા અને ચુસ્ત બાંધો ધરાવતા ડો. વણિકર જેટલાં પ્રતિભાશાળી હતા એટલાં જ દેખાવમાં પણ આકર્ષક અને રૂઆબદાર હતા. અમદાવાદના ગર્ભશ્રીમંતો શાનદાર બગી વાપરતા, મોટર પણ આવી ગઈ હતી એ વખતે ડો. વણીકર સાઈકલ પર ફરતા અને પોતાના પરિવારની મિલના કામદારોની મફતમાં સારવાર કરતા. પછી તો ગોરના કૂવા અને ગોમતીપુર એમ બે વિસ્તારમાં તેમણે દવાખાના પણ શરૂ કર્યા હતા, જ્યાં ગરીબોને મફતમાં સારવાર આપવામાં આવતી.

વિશ્વ હિન્દુ પરિષદ સાથેનું જોડાણ

ડો. હેડગેવાર પછી રા.સ્વ.સંઘના સરસંઘચાલક બનેલા માધવરાવ ગોલવલકર (ગુરુજી) સાથે ડો. વિશ્વનાથના પિતા અનંતરાવને અત્યંત નજીકના સંબંધો હતા. ગુરુજીના ગુજરાતના પ્રવાસો વખતે તેમનો મુકામ વણિકર પરિવારમાં જ રહે અને તેમના પ્રવાસની સઘળી વ્યવસ્થા પણ અનંતરાવ જ ગોઠવી આપે. એ જમાનાના દરેક મરાઠી યુવકની માફક ડો. વિશ્વનાથરાવ પણ બાળપણથી જ સંઘની વિચારધારામાં પલોટાયા હતા. કોઈ નિશ્ચિત જવાબદારી માથે લીધા વગર તેઓ ગુજરાતમાં સંઘકાર્યના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત રહ્યાં.
આજે ચોમેર ભાજપની બોલબાલાના આ સમયમાં એ નહિ સમજી શકાય, પરંતુ આ એ સમયની વાત છે જ્યારે રા.સ્વ.સંઘ ગાંધીજીની હત્યાના કાવતરામાં સંડોવણીખોર તરીકે બદનામ થઈ ચૂક્યો હતો. દેશભરમાં કોંગ્રેસનો સિતારો બુલંદ હતો. ભાજપની માતૃસંસ્થા જનસંઘને કાર્યાલયો ખોલવાના ય ફાંફા હતા અને સંઘની શાખાઓમાં જવું એ મેણાં-ટોણાંથી માંડીને શારીરિક હુમલાનું કારણ પણ બની શકતું હતું. એવા સંઘર્ષના સમયમાં જે લક્ષ્મણરાવ ઈનામદાર, પ્રભુરામ ગીતે જેવા સંનિષ્ઠ, પ્રતિબદ્ધ કાર્યકર્તાઓમાં ડો. વિશ્વનાથ વણિકર પણ સામેલ હતા.
માધવરાવ ગોલવલકર સંઘની વિચારધારાને વિભિન્ન ક્ષેત્રોમાં લઈ જવા પ્રયાસરત હતા ત્યારે શિવરામ આપ્ટે નામના કાર્યકર્તાએ હિન્દુઓના ધાર્મિક, સામાજિક સંગઠનની યોજના મૂકી અને એ રીતે ઈસ. 1964માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ. ગાંધીહત્યાની બદનામી અને ખાસ તો કોંગ્રેસની સરકારના ડરથી સમાજના પ્રબુદ્ધો, અગ્રણીઓ રા.સ્વ.સંઘ સાથે સીધી રીતે જોડાવાનું ટાળતા હતા. એ સૌને જોડવા માટે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના બહુ ઉપયોગી નીવડી. આથી ગુજરાતમાં તમામ ક્ષેત્રના અગ્રણીઓને સાંકળી શકાય એ હેતુથી વિહિપનું સુકાન ડો. વણિકરને સોંપવામાં આવ્યું.

ડો. વણિકરની આકરી મહેનતે સિંચાઈ વિહિપ

સમાજના દરેક સ્તરના લોકોને વિહિપ સાથે જોડવા માટે ડો. વણિકર રોજ પગપાળા આખા ય અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરે, દુકાનદારોને મળે, પરિષદની ઉપયોગિતા સમજાવે અને પરિષદની સભ્ય ફી ભરવા સમજાવે. ચાર આનાની સભ્ય ફી ઉઘરાવવા માટે ડો. વણિકરે સંખ્યાબંધ વખત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં પદયાત્રાઓ કરી હતી. છૂત-અછૂતના તીવ્ર ભેદ ભાંગવા દલિત સમાજના મહોલ્લામાં રહેવા ગયા અને જીવ્યા ત્યાં સુધી દલિતના હાથે બનેલી રસોઈ જ ખાધી.
સિદ્ધપુરમાં વિશ્વ હિન્દુ સંમેલન યોજ્યું, જે રાજ્યમાં કોંગ્રેસ સિવાયની કોઈ સંસ્થા દ્વારા યોજાયેલું પહેલું શાનદાર સંમેલન બની રહ્યું. ગૌ હત્યા પ્રતિબંધની એવી ભવ્ય રેલી યોજી કે દિલ્હી સુધી તેનાં પડઘા પડ્યા. સંખ્યાબંધ શિક્ષકોને પરિષદ સાથે જોડ્યા અને ગરીબ વિસ્તારોમાં સાયં શાળા શરૂ કરાવી. સિત્તેરના દાયકામાં આખા ગુજરાતમાં પરિષદ સંચાલિત આવી સાતસોથી વધુ સાયં શાળા, છાશ વિતરણ કેન્દ્રો અને દવાખાના ચાલતા હતા.
કટોકટીના સમયે શરૂ થયેલા ધરપકડના દૌરમાં ડો. વણિકરની પણ ધરપકડ થયેલી. ઉંમરના આખરી પડાવમાં તેઓ તમામ સંપત્તિ, સુખસાહ્યબી ત્યજીને ડાંગના આદિવાસીઓ વચ્ચે જઈને રહેતા હતા. ભરૂચ નજીક માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું એ સાથે ગુજરાતે એક પ્રખર મેધાવી, વિચક્ષણ અને દીર્ઘદૃષ્ટા સંગઠક ગુમાવ્યો.
4. પરિષદોના હિન્દુ હૃદય સમ્રાટો, સાંભળો છો...?
હિન્દુ એકતાના નામે જે ખુદ એક રહી શકતા નથી, સંગઠનના નામે જે પોતે જ આપસમાં ઝગડે છે એવા પોતાની જાતને હિન્દુ હૃદય સમ્રાટ ગણાવતા નેતાઓ આજે ડો. વણિકર ભવનના નામે એકમેકનું વસ્ત્રાહરણ કરી રહ્યા છે અને કોઈને ય એ નામની, એ કામની, એ પ્રતિભાની અને એ સમર્પણની પરવા નથી જે કદીક આ ભવનમાં, આ ભૂમિ પર પસાર થયું હતું અને જેણે કોઈ અંગત સ્વાર્થ વગર સમાજને જીવન સમર્પિત કરી દીધું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી