ચિટીંગ / કરોડોની છેતરપિંડીના આરોપસર ચિરાગ પટેલની ધરપકડ, MP પરેશ રાવલ સાથેની તસવીરો ચર્ચામાં

chirag patel arrest in cheating case, photos with mp paresh rawal create a buzz
X
chirag patel arrest in cheating case, photos with mp paresh rawal create a buzz

  • રોકાણકારોને મહિને 4 ટકાનું વળતર અપાશે એવી લાલચ આપતાં
  • ચિરાગ પર વ્હીકલનાં બ્લોક બુકિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ

divyabhaskar.com

Feb 11, 2019, 12:57 PM IST
અમદાવાદઃ વ્હીકલનાં બ્લોક બુકિંગના નામે રૂપિયા 15 કરોડનું ચિટીંગ કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, ત્યારે ત્રણ આરોપી પૈકી પકડાયેલો ચિરાગ પટેલ એરપોર્ટ ઓથોરિટી કમિટીનો સભ્ય રહી ચુક્યાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. આ કૌભાંડની જો તમામ વિગતો બહાર આવે તો છેતરપિંડીનો આંકડો 1200 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. માત્ર એટલું જ નહીં, આરોપી ચિરાગ પટેલ સાંસદ અને એક્ટર પરેશ રાવલની પણ નજીક હોવાની ચર્ચા છે. તાજેતરમાં બન્નેના કેટલાક ફોટોગ્રાફ્સ પણ વાઈરલ થયા છે.

ભાજપના કદાવર નેતાનો પુત્ર પણ આરોપીનો ભાગીદાર હોવાની ચર્ચા

1. ઓટો મોબાઈલ્સના ધંધામાં છેતરપિંડી આચરવાનો આરોપ
પાલડીના રહેવાસી કલ્પેશ નટવરલાલ અખાણીએ ક્રાઇમ બ્રાંચમાં ગુરૂવારે પ્રિયંક અગોળા, તેના પિતા અમૃત અગોળા અને તેમના ભાગીદાર ચિરાગ પટેલ સામે ફરિયાદ કરી હતી. આ ત્રણેય આરોપી સામે ઓટો મોબાઇલ્સના ધંધામાં રોકાણના નામે વર્ષ 2012થી 2016 દરમિયાન કુલ 15 કરોડ મેળવ્યા અને વ્હીકલમાં રોકડેથી રોકાણ કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી ચિરાગ પટેલ કાર-ટુ વ્હિલરનું એડવાન્સ બુકિંગ કરાવી તેને ઓનમાં વેચવાનો ધંધો કરતાં હોવાનું કહેતા હતા અને તેના કારણે જે નફો થશે તેમાંથી રોકાણકારોને મહિને 4 ટકાનું વળતર અપાશે એવી લાલચ આપતાં હતાં.
2. ચિરાગ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો પુત્ર છે

દસક્રોઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર ચિરાગ પટેલની ધરપકડ થતાં જ વધુ ત્રણ લોકોએ ચિરાગે આ પ્રકારે તેમની સાથે રૂપિયા 1.30 કરોડની ઠગાઇ કરી હોવાનું નિવેદન નોંધાવ્યું છે. આ કૌભાંડના ભોગ બનનારા સેંકડો રોકાણકારોમાં ચાલતી ચર્ચાઓ મુજબ છેતરપિંડીના આ કૌભાડનો આંકડો આશરે 1200 કરોડ જેટલો થવા જાય છે અને ભાજપના એક કદાવર નેતાનો પુત્ર આ કૌભાંડના એક આરોપીનો ભાગીદાર છે. 

 

ઉલ્લેખનીય છે કે, ચિરાગ પટેલે આરટીઓમાં મોટું કૌભાડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં ડિમાન્ડ હોય તેવા ટુ વ્હીલરની 3 હજાર અને ફોર વ્હિલરની 4 હજાર ઓન એજન્સીને ચૂકવીને બ્લોક એટલે કે બૂક કરાવતા હતા. ત્યાર બાદ કોઇ ગ્રાહક આવે અને ઓનથી પણ વધુ પૈસા આપે તો વાહનો વેચતા હતા.

3. 1200 કરોડ સુધીનો આંક કેવી રીતે?

ઠગાઇનો આંક અનુક્રમે રૂ. 15 કરોડ, રૂ. 22 લાખ, રૂ. 96 લાખ અને રૂ. 12 લાખ છે. આ ઉપરાંત રોકાણકારોના જણાવ્યા મુજબ રૂ. 5૦ કરોડની ઠગાઇનો ભોગ બનેલો એક શખ્સ ક્રાઇમ બ્રાંચ સુધી પહોંચી પાછો ફર્યો હતો. જે પણ એકાદ બે દિવસમાં અરજી કરે એવી શક્યતા છે. આ કંપની સાથે ઘણા સમયથી સંકળાયેલા અને છેતરપિંડીનો ભોગ બનેલા એક રોકાણકારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, આ પ્રકારે ઠગાઇનો ભોગ બનેલા રાજ્યભરના રોકાણકારોની સંખ્યા 6૦૦થી પણ વધુ છે અને સારૂ વળતર આપવામાં આવતું હોવાથી મોટા ભાગના રોકાણકારોએ 1થી 5 કરોડ જેટલું રોકાણ કર્યું છે. હવે જો રોકાણની સરેરાશ 2 કરોડ પણ ગણવામાં આવે તો છેતરપિંડીનો કુલ આંક 1,2૦૦ કરોડને આંબી જાય એવી શક્યતા છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી