- નવા સેગી ઉર્ફે સાગર ઠાકર બનવા તરફ યુવાનોની દોટ
- અમેરિકામાં SSNએ ત્યાંના નાગરિકની ઓળખ છે
- અધિકારી બની નાગરિકોની ગાડીમાંથી બ્લડ કે ડ્રગ્સ મળ્યું જણાવી છેતરપિંડી
અમદાવાદ: સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા કોલ સેન્ટર ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં કેટલાક આરોપીઓ અગાઉ પણ તે ગુનામાં ઝડપાઇ ચુક્યા છે.નાગરિકોને છેતરવા માટે અલગ અલગ પ્રોસેસ કોલસેન્ટરની દુનિયામાં હોય છે. જેમાં અત્યારે લેટેસ્ટ પ્રોસેસમાં SSA (સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન)ના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી કરે છે અને SSN પ્રોસેસથી લૂંટ ચલાવે છે.
વિદેશની ટ્રિપ અને લાખોનું ઈન્સેન્ટિવ કાળી કમાણી તરફ આકર્ષે છે
વૈભવી લાઈફ સ્ટાઈલ માટે યુવાઓની ગુનાહિત પ્રવૃત્તિ
1.કોલસેન્ટર ગેરકાયદે પ્રવૃત્તિ હોવાની જાણકારી છતાં આજના યુવાનો આ કોલસેન્ટરની કાળી કમાણી કરી રહ્યા છે. જેનું કારણ એક માત્ર લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની કમાણી છે. કોલસેન્ટરમાં કામ કરતો યુવાન આજે એક જ મહિનામાં રૂ. 30 હજાર સુધીની આરામથી કમાણી કરી લે છે. આ ઉપરાંત લાખો રૂપિયોનું ઈન્સેન્ટિવ અને થાઈલેન્ડ અને સિંગાપોરની ટ્રિપ પણ આપવામાં આવતી હોવાથી કાળી કમાણી તરફ વળ્યાં છે.
શું છે SSN (સોશિયલ સિક્યુરિટી નંબર) પ્રોસેસ
2.કોલસેન્ટરમાં બેઠેલો વ્યક્તિ અમેરિકાના નાગરિકને SSAના અધિકારીની ઓળખ આપી તમારી ગાડીમાંથી બ્લડ અથવા તો ડ્રગ્સ મળ્યું છે. જેથી તમારો SSN (સોશિયલ સિક્યુરિટી નંબર) સસ્પેન્ડ કરવામાં આવશે. તમારી પ્રોપર્ટી અને બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ થઇ જશે.
3.અમેરિકામાં SSNએ ત્યાંના નાગરિકની ઓળખ છે. જેથી ત્યાંનો નાગરિક આ SSN સસ્પેન્ડની ધમકીથી ડરતા હોય છે. જો સામેવાળી વ્યક્તિ એમ કહે કે મારી આ કાર નથી. ત્યારે કારમાંથી તમારું સરનામું અને ટેક્સાસના રાજ્યનું સરનામું મળ્યું છે. જ્યાં FBIએ રેડ કરી છે અને 2 કિલો કોકેન તેમજ વિશ્વમાં આતંકવાદ ફેલાવનાર દેશો સાથે સંકળાયેલા કેટલાક ડોક્યુમેન્ટ્સ મળ્યા છે. આ લિંક તમારા સુધી પહોંચી શકે છે.
4.ડરાવી કેસમાં સમાધાન માટે તેઓ તેમને સિક્યોર કરતા હતા. સામેવાળી જ્યારે તૈયાર થઇ જાય એટલે કોલ સેન્ટરમાં બેઠેલો વ્યક્તિ વાતચીત દરમિયાન ગૂગલમાં તે વ્યક્તિની નજીકમાં બેંક અથવા તો ગુગલ સ્ટોરનું સરનામું આપે છે. ગુગલ સ્ટોરમાંથી પ્લે કાર્ડ લઇ પૈસા પડાવી લે છે.
500 ડોલરથી 80000 ડોલર પડાવે છે
5.અમેરિકાના નાગરિકોને SSAના અધિકારીની ઓળખ આપી સમાધાન માટે તૈયાર કરે છે ત્યારે તેઓ કોલ તેમના સિનિયરને આપવાનું કહે છે એટલે કે કોલના ક્લોઝરને કોલ ટ્રાન્સફર કરી દે છે. ક્લોઝર કરનાર વ્યક્તિ સામેવાળી વ્યક્તિને 500 ડોલરથી 80000 ડોલરના ગુગલ કાર્ડ અથવા પૈસા જમા કરાવવા જણાવે છે.
12 જેટલા રાજ્યોમાં SSN પ્રોસેસ ચાલે છે
6.સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર ગુજરાત જ નહીં ભારતના અન્ય 12 જેટલા રાજ્યોમાં આ પ્રોસેસ ચાલે છે. તાજેતરમાં પૂણે ક્રાઈમ બ્રાન્ચે આ જ પ્રોસેસનું કોલસેન્ટર ચલાવતા ચાર ગુજરાતી સહિત પાંચની ધરપકડ કરી હતી. પૂણે ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કોલ સેન્ટરો ચાલે છે.