અમદાવાદ / બોડકદેવ પોલીસ સ્ટેશન મામલે પોલીસ અને AMC આમને-સામને, જગ્યા ખાલી કરવા બાબતે હજી કોઈ નિર્ણય નહીં

bodakdev police station controversy amc and police fight opposite

  • પોલીસને આપેલી જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન પરત માંગી છે
  • મલ્ટિલેવલ પાર્કિંગ માટે પોલીસ સ્ટેશન તોડી પાડવા આગ્રહ
  • સિંધુ ભવન રોડ પર AMCના પ્લોટમાં બનાવાયેલા પોલીસ સ્ટેશનને ખાલી કરવા જણાવ્યું 

DivyaBhaskar

Apr 16, 2019, 03:41 PM IST

અમદાવાદ: વિકાસની અને પ્રજાની વાતો કરતા ભાજપ પક્ષ સંચાલિત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ બોડકદેવ વિસ્તારમાં પ્રજાની સુરક્ષા અને સુવિધા માટે બનાવાયેલા બોડકદેવ પોલીસ સ્ટેશનને હટાવવા પોલીસ વિભાગને જણાવી દીધું છે. આ વિવાદને લઈ હવે પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર આમને-સામને આવી ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે મ્યુનિસિપલ પાર્કિંગ પ્લોટમાં બનાવવામાં આવેલા આ પોલીસ સ્ટેશનને હવે ખાલી કરી ત્યાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાની તજવીજ કોર્પોરેશને કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ સંમત્તિ સાથે પોલીસને આપેલી જમીનને હવે તેઓ પાછી માંગી રહ્યા છે. જો કે પોલીસ તંત્રએ લાખોનો ખર્ચ થઈ ગયા પછી આ જગ્યા ખાલી કરી આપવી કે નહીં તે અંગેનો નિર્ણય નથી લીધો. બોકડદેવ પોલીસ સ્ટેશન દૂર કરવાનો મુદ્દો આગામી દિવસોમાં લડાયક બને તેવી શક્યતા જણાય છે.

50 લાખના ખર્ચે પોલીસ સ્ટેશન બન્યું છે
બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોલીસ વિભાગને સિંધુભવન રોડ પર આવેલા પે એન્ડ પાર્કના પ્લોટમાં એક ખૂણાની જગ્યા ફાળવી હતી. તંત્રએ આખા પ્લોટમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાનું અને તેની સામે બોડકદેવ પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવી હતી. જગ્યા મળી જતા પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન માટે 50 લાખથી વધુના ખર્ચે ડોમ, ગાર્ડન સહિત 6 રૂમો તૈયાર થઈ ગયા હતાં. હવે મ્યુનિસિપલ તંત્રએ પાર્કિંગ પ્લોટની આખી જમીનમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાનું નક્કી કરી તેનો પ્લાન પાસ કરી પોલીસ સ્ટેશનની જગ્યા પરત માંગી અને ખાલી કરવા નોટિસ આપી છે.

રાજકારણી અને બિલ્ડરો માટે આખી ટીપી બદલાય પોલીસ માટે નહીં
મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓએ મંજૂરી સાથે પોલીસ સ્ટેશન બનાવવા જગ્યા આપી હતી. બધી મંજૂરી મળ્યા બાદ ગટર, પાણી અને લાઈટ કનેક્શન લઇ પોલીસ સ્ટેશન ચાલુ કરવાની તૈયારી થઈ ગયા પછી હવે તેને ખાલી કરી તોડી પાડવા મ્યુનિસિપલ તંત્ર જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની મનમાની અને અણઘડ નીતિ સામે પોલીસ તંત્રમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજકારણીઓ અને બિલ્ડરોને જગ્યા નડતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આખા ટીપી રોડ અને પ્લાન ફેરવી નાખે છે, તંત્રના પ્લોટ પર અનેક લોકો કબજો જમાવી દે છે ત્યાં તંત્રના અધિકારીઓ કશું કરી શકતી નથી. જ્યારે 24 કલાક પ્રજાની સુરક્ષા કરતી પોલીસ માટે મ્યુનિસિપલ તંત્ર પ્લોટને ખાલી કરાવી રહી છે.

સેન્ટ્રલ ઓફિસથી થાય ઝોનવાળાને ખ્યાલ ન હોય: ઉત્તર પશ્ચિમ ઝોન ડે.મ્યુ.કમિ.
ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.કે. મહેતાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, તેઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જગ્યા ફાળવવાનું કામ સેન્ટ્રલ ઓફિસ તરફથી થાય છે. તેમાં ઝોનવાળાને બહુ ખ્યાલ ન હોય. જગ્યા ફાળવતી વખતે મૌખિક ચર્ચા થઈ હોય શકે કાગળ પર કશું ન હોય.

પોલીસ પાસે કાગળ અને ફાઈલ
સેક્ટર -1 જેસીપી અમિત વિશ્વકર્માએ DivyaBhaskarને જણાવ્યું હતું કે જ્યારે પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવી અને કામગીરી કરી ત્યારે Dymc અને દરેક અધિકારીઓએ સાથે બેસીને બધું નક્કી કર્યું હતું. અમારી પાસે બધાં કાગળ અને ફાઇલ છે. હવે પોલીસ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયા પછી ખાલી કરવા તેઓએ જણાવ્યું છે. ખાલી કરવા અંગે હજી સુધી અમે નિર્ણય નથી કર્યો કારણ કે આખો ડોમ બની ગયો છે લાખો રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે.

X
bodakdev police station controversy amc and police fight opposite
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી