Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Birth Anniversary: gujarat first chief minister jivraj mehta life story

જન્મ જયંતી:ગુજરાતના પહેલા CM જહાજ તૂટતા 30 કલાક ઠંડા પાણીમાં તરતા રહ્યા હતા

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 03:01 PM

અમરેલીના ટાવર ચોકમાં મ્યુનિસિપાલિટીની બત્તી નીચે બેસીને રાત્રે તેઓ વાંચતા અને એમ.ડી.માં ગોલ્ડ મેડલિસ્ટ બન્યા હતા

  • Birth Anniversary: gujarat first chief minister jivraj mehta life story
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ડૉ.મહેતા મ્યુનિસિપાલિટીની બત્તી નીચે બેસીને રાત્રે તેઓ વાંચતા હતા

    અમદાવાદઃ આજે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાની જન્મ જયંતી છે. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1887ના રોજ અમરેલીના આર્થિક રીતે નબળાં પરિવારમાં જન્મેલા જીવરાજ મહેતાનું બાળપણ સંઘર્ષમય રહ્યું હતું. તેઓ પ્રમાણિક અને સાહસી હતા. જેમાં લંડન જતી વખતે સ્ટીમરમાં ગાબડું પડતા 30 કલાક સુધી લાઈફ બોટના સહારે ઠંડાગાર પાણીમાં તરતા રહ્યા હતા અને બચીને બહાદુરી પૂર્વક બહાર નીકળ્યા હતા.

    મ્યુનિસિપાલિટીની બત્તી નીચે વાંચીને બન્યા ડૉક્ટર

    અમરેલીમાં એક ટાવર ચોક છે. મ્યુનિસિપાલિટીની બત્તી નીચે બેસીને રાત્રે તેઓ વાંચતા હતા. મેટ્રિક પણ અમરેલીમાંથી જ થયા હતા. ત્યાર પછી વધુ અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા. વર્ષ 1904માં મુંબઈની મેડિકલ કોલેજમાં તેમણે એમબીબીએસની સમકક્ષ ગણાતા લાયસન્સ- મેડિસિન અને સર્જરીનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ 1907માં 94 ટકા માર્ક્સ સાથે આખી કોલેજમાં તેઓ પ્રથમ નંબરે પાસ થયા હતા. ભણતાં ભણતાં તેઓ મજૂરોની સારવાર માટે જતા હતા.

    સાદગીનું ઉત્તમ ઉદાહરણ

    1909માં સર મંગળદાસ નાથુભાઈ ટ્રાવેલિંગ ફેલોશિપ લઈને તેઓ લંડન ભણવા ગયા. વધુ અભ્યાસ માટે તાતાની સ્કોલરશિપ મળી હોવા છતાં લંડનમાં સાદાઈથી રહેતા હતા. કરકસર કરતાં. કપડાં ઈસ્ત્રી કરાવવા ન પડે તે માટે તેની ગડી વાળી ઓશિકા નીચે મૂકતા. 1914માં એમ.ડી.માં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા અને ગોલ્ડ મેડલ મેળવ્યો.

    જહાજ તૂટ્યા બાદ 30 કલાક ઠંડા પાણીમાં રહ્યા


    1915માં તેઓ ભારત આવ્યા. મુંબઈમાં તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. મહિને 3થી 4 હજારની પ્રેક્ટિસ છતાં રતન તાતા બીમાર પડતાં ઋણ મુક્તિ માટે પ્રેક્ટિસ છોડી તેઓ તાતાના અંગત તબીબ તરીકે સ્ટીમરમાં લંડન જવા રવાના થયા. રસ્તામાં ભારે દરિયાઈ વાવાઝોડું આવ્યું. સ્ટીમર કોઈ ખડક સાથે અથડાતાં તેમાં ગાબડું પડયું. સ્ટીમર ડૂબવા લાગી. લાઈફ બોટના સહારે 30 કલાક સુધી તેઓ ઠંડાગાર પાણીમાં તરતા રહ્યા. પવન અને ઠંડીના કારણે તેમને ફેફસાંનું દર્દ થયું અને એક ફેફસું કઢાવવું પડયું. ભારત પાછા આવ્યા બાદ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવી તેમના અંગત ડૉક્ટર તરીકે નિમણૂંક કરી.

    લગ્ન અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ

    આ દરમિયાન તેમણે ગાયકવાડના દીવાન સર મનુભાઈ મહેતાનાં પુત્રી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા વાઈસ ચાન્સલેર હંસાબહેન મહેતા સાથે લગ્ન કર્યાં. 1925થી 1942 સુધી શેઠ ગોરધનદાસ મેડિકલ કોલેજ અને કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન તરીકે સેવાઓ આપી. તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ તરીકે પણ ચૂંટાઈ આવ્યા.

    (આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે ઉપવાસી હાર્દિક શારીરિક રીતે અશક્ત થયો, ઊઠીને ચાલી શકતો નથી)

    આગળ જાણો ડૉ.જીવરાજ મહેતાએ ગુજરાતના કરેલા વિકાસ, પ્રમાણિકતા અને બીજી વિગતો

  • Birth Anniversary: gujarat first chief minister jivraj mehta life story
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મોરારજી દેસાઈના ઈશારે ડૉ. જીવરાજ મહેતા પાસેથી મુખ્યમંત્રી પદ લઈ લેવામાં આવ્યું હતું

    પ્રથમ મુખ્યમંત્રી

     

     

    1949થી 1951 સુધી તેઓ મુંબઈ રાજ્યમાં બાળાસાહેબ ખેરની સરકારમાં પ્રધાન તરીકે જોડાયા. 1951થી 1960 સુધી તેઓ નાણાંપ્રધાન રહ્યા. 1956માં મહાગુજરાત ચળવળ ચાલી રહી હતી અને અનેક લોકો શહીદ થયા હતા. મોરારજી દેસાઈની અનિચ્છા છતાં ગુજરાત મુંબઈથી અલગ થયું અને 1મે 1960ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. ત્યાર બાદ ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.1962માં તેઓ ફરી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા.

     

    મુખ્યમંત્રી પદ ઝુંટવાયું

     

     

    ડૉ. જીવરાજ મહેતા પ્રામાણિક રાજકારણી હતા. તેઓ પોતાના સિદ્ધાંતમાં અડગ હતા. તેમને ખસેડવાનો તખ્તો મોરારજીભાઈએ ગોઠવી દીધો હતો. ધારાસભ્યોના મત જાણવા માટે વિધાનસભાના પરિસરમાં કવાયત શરૂ થઈ. એ વખતે ગુજરાત વિધાનસભા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ જ્યાં ઓ.પી.ડી. ચાલે છે ત્યાં બેસતી હતી. લગભગ 12 કલાક સુધી તેઓ લાકડાંની એક ખુરશીમાં કોંગ્રેસી ધારાસભ્યોનો તમાશો જોતા રહ્યા. જે બનવાનું હતું તેમ જ બન્યું. મોરારજી દેસાઈના ઈશારે ડૉ. જીવરાજ મહેતા પાસેથી મુખ્યમંત્રી પદ લઈ લેવામાં આવ્યું. તેમને અન્યાય થયો, પરંતુ ચુપ રહી સહન કરી લીધો.

  • Birth Anniversary: gujarat first chief minister jivraj mehta life story
    .ડૉ. મહેતાએ પોતાની માલિકીનું મકાન પણ જાહેર ટ્રસ્ટને આપી દીધું હતું

    ગુજરાતનો વિકાસ અને અણિશુદ્ધ પ્રમાણિકતા

     

     

    ગુજરાતનો હાલમાં જે કંઈ ઔદ્યોગિક વિકાસ દેખાઈ રહ્યો છે તે અને ગાંધીનગરનું સુંદર આયોજન છે ડૉ. જીવરાજ મહેતાને આભારી છે. આ વ્યક્તિને માત્ર ગુજરાતના વિકાસમાં જ રસ હતો. આજે ગુજરાત જે કંઈ છે તે જીવરાજ મહેતાની દૂરંદેશીને કારણે જ છે. 1960માં તેને ગુજરાત ફર્ટિલાઈઝર, જીએસએલ, જીએમડીસી, જીઆઈઆઈસી, જીએસએફસી જેવી અનેક જાહેર ક્ષેત્રની કંપનીઓ ઊભી કરી ગુજરાતનો વિકાસ કરી બતાવ્યો હતો. ડૉ. જીવરાજ મહેતાએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય નક્શા પર મૂકી અને દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં વર્ષો સુધી ગુજરાતને પ્રથમ નંબર અપાવ્યો હતો. ડૉ. જીવરાજ મહેતા રાત્રે બે વાગ્યા સુધી સચિવાલયની ઓફિસમાં બેસી કાર્ય કરતા હતા અને તેમના વહીવટમાં અણિશુદ્ધ પ્રામાણિકતા હતી.


    ગુજરાતના નેતાઓ અને ગુજરાતની પ્રજા બન્ને ભૂલી ગયા 

     

     

    ગુજરાતની એ કમનસીબી છે કે, સાચા નેતાઓને ગુજરાત ક્યારેય ઓળખી શક્યું નથી.ડૉ. મહેતાએ પોતાની માલિકીનું મકાન પણ જાહેર ટ્રસ્ટને આપી દીધું હતું. ડૉ. જીવરાજ મહેતાનું 1978માં 91ની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. ડૉ. જીવરાજ મહેતાની પેઢીના સમકાલીન હવે રહ્યા નથી, પરંતુ જે છે તેઓ તેમને હંમેશાં સારી રીતે યાદ કરે છે. ઘણા લોકોને યાદ છે કે, ડૉ. જીવરાજ મહેતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો વિરોધી પણ મળવા જાય તો ઝાંપા સુધી તેને મૂકવા જતા હતા.આવા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીને ગુજરાતના નેતાઓ અને ગુજરાતની પ્રજા બેઉ ભૂલી ગયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending