Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » આસારામ પ્રકરણ – 5: સુરતની પીડિતાએ FIRમાં લખાવેલી વિગતો વાંચીએ તો આ પાખંડીની વિકૃતિથી સ્તબ્ધ થઈ જવાય | Asaram chapter 5 : with dhaivat trivedi

આસારામ પ્રકરણ-5:સુરતની પીડિતાની FIRમાં છે પાખંડીની સ્તબ્ધ કરનારી વિકૃતિની વિગતો

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 10:26 AM

નારાયણ સાઁઈ આમ તો આસારામનો દીકરો, પણ લંપટપણામાં બાપથી ય ચાર ચાસણી ચડે તેવો

 • આસારામ પ્રકરણ – 5: સુરતની પીડિતાએ FIRમાં લખાવેલી વિગતો વાંચીએ તો આ પાખંડીની વિકૃતિથી સ્તબ્ધ થઈ જવાય | Asaram chapter 5 : with dhaivat trivedi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નારાયણ સાંઈ સામેના કેસના સૌથી મજબૂત સાહેદનો અવાજ બંદૂકની ગોળીએ કાયમ માટે ચૂપ કરી દીધો.

  નોંધઃ સાક્ષીઓ, પીડિતો અને પૂર્વ સાધકોની મુલાકાતો, તેમની કેફિયત અને એફઆઈઆરના આધારે લખાતી આ શ્રેણીમાં ઘટનાઓની ભયાવહતા તાદૃષ્ય અનુભવવા માટે કથનશૈલીનો ઉપયોગ કરાયો છે.

  દિપેશ-અભિષેક હત્યાકેસ એ આસારામની પાપલીલાનો અને તેના ભારે ઊંચા પહોંચ-પ્રભાવનો બોલકો, શરમજનક પૂરાવો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતાં શાંતિભાઈ અને પ્રફુલ્લભાઈ વાઘેલા એ બંને ભાઈઓ આસારામના પરમભક્ત. સમગ્ર પરિવારને બાપુમાં અપાર શ્રદ્ધા. નિયમિત રીતે સત્સંગમાં હાજરી આપવાની, વાર-તહેવારે આશ્રમમાં સેવા આપવા જવાનું, બાપુના સન્મુખ દર્શન થાય ત્યારે તો જાણે અવતાર સફળ થઈ ગયો હોય તેમ ઘેલાં-ઘેલાં થઈ જવાનું.

  વાઘેલા બંધુઓએ પોતાના સંતાનો દિપેશ અને અભિષેકને આશ્રમ સંચાલિત ગુરુકૂળમાં ભણવા મૂક્યા હતા. આશ્રમમાંથી ભેદી સંજોગોમાં એ બંને ભાઈઓ ગાયબ થઈ ગયા પછી તેમના પરિવારજનને જાણ કરવામાં વિલંબ કરાયો. તેમની શોધખોળમાં ય બેદરકારી રાખવામાં આવી. છેવટે બંનેના મૃતદેહો બહુ જ ખરાબ હાલતમાં સાબરમતિના પટમાંથી મળી આવ્યા.

  ધૈવત ત્રિવેદીની કલમે લંપટ સંતની કલંકકથા: આસારામ પ્રકરણ - ૧

  ધૈવત ત્રિવેદીની કલમે લંપટ સંતની કલંકકથા: આસારામ પ્રકરણ - ૨

  ધૈવત ત્રિવેદીની કલમે લંપટ સંતની કલંકકથા: આસારામ પ્રકરણ-૩

  ધૈવત ત્રિવેદીની કલમે લંપટ સંતની કલંકકથા: આસારામ પ્રકરણ-૪

  એ કેસ હાલ ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત છે એટલે તેની વધુ વિગતોમાં ઊંડા ઉતરી શકાય નહિ, પરંતુ કેટલાંક ગવાહોએ જે-તે સમયે આપેલી માહિતી, સાહેદી બહુ જ સ્ફોટક છે અને હવે આગામી મહિનાથી શરૂ થનાર સુનાવણી દરમિયાન આસારામની કોઠીમાંથી ઘણો કાદવ નીકળી શકે તેમ છે.

  આ ઘટના પછી વાઘેલા પરિવારની આસારામ પ્રત્યેની શ્રદ્ધા પહેલી જ વાર જરાક હચમચી ગઈ. પરંતુ તોય, બબ્બે બાળકો ગુમાવી ચૂકેલો પરિવાર પોતાને ન્યાય મળશે અને કસુરવારોને શોધીને બાપુ દંડ આપશે એવી આશા રાખી રહ્યો હતો. દિવસો વીતતાં ગયા એમ વાઘેલા પરિવારને ધીરે ધીરે સમજાતું ગયું કે હત્યારાઓને શોધવાને બદલે તંત્ર તો હત્યારાને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એ પછી તેમણે આસારામ સામે પણ બંડ પોકારી દીધું.

  એ ઘટનાને વ્યાપક મહત્વ મળ્યું અને નારણપુરા, ઘાટલોડિયા, રાણીપ, ચાંદલોડિયા વિસ્તારોમાં ઉગ્ર દેખાવો થવા લાગ્યા. છતાં ય આસારામની ધરપકડ તો શું, કોઈ પગલાં જ લેવાતાં ન હતા. છેવટે લોકોમાં વધતાં આક્રોશને ઠારવા બાપુએ સ્વયં વાઘેલા પરિવારના ઘરે પધરામણીનું નાટક કર્યું, પરંતુ ત્યાં સુધીમાં વાઘેલા બંધુઓનો ભ્રમ એટલી હદે ભાંગી ચૂક્યો હતો કે તેમણે ઘરની બહાર સોસાયટીના ચોકમાં જ બાપુને બેસાડ્યા, ઘરમાં પ્રવેશવા સુદ્ધાં ન દીધા અને બાપુના ગયા પછી તેઓ બેઠા હતા એ ગાદી સુદ્ધાં જાહેરમાં સળગાવી નાંખી.

  સરકારે શું કર્યું એવો સવાલ થતો હોય તો જાણી લો કે દર વખતે આવા કિસ્સામાં કરે છે એમ જ, સરકારે લોકોના આક્રોશને ઠારવા જસ્ટિસ ડી.કે.ત્રિવેદી પંચની રચના કરી નાંખી. આ પંચ જાણે બાપડું-બિચારું હોય તેમ આસારામને સમન્સ મોકલ્યા કરે. આસોરામ નવરો હોય તો વળી પંચ સમક્ષ આવે. જ્યારે આવે ત્યારે તેનાં તામઝામ એવા હોય જાણે શહેનશાહ તશરિફ લાવતો હોય. ગાડીઓનો કાફલો હોર્નની, સાઈરનની ચિચિયારીઓ કરતો પસાર થાય અને શહેનશાહની શાન સૌ નિહાળી શકે એ માટે ટ્રાફિક પોલિસ પણ એ રસ્તા પર દરેક વાહનચાલકોને દબડાવીને, ડંડા પછાડીને ઊભા રાખી દે.

  તપાસના નામે એ પંચે શું ઉકાળ્યું એ વિશે હજુ ય સરકાર મગનું નામ મરી પાડતી નથી. દરમિયાન, દિપેશ-અભિષેકના વાલીઓ આજે દસ વર્ષ પછી પણ ન્યાયની રાહ જોઈને બેઠાં છે. સલમાનના કેસમાં આપણે જોયું છે, એ સિવાયના હાઈ પ્રોફાઈલ કેસમાં પણ આપણે જોયું છે કે કેસ જ દસ, બાર, પંદર વર્ષ ચાલે. પછી અદાલત કહી દે કે પૂરાવા મળતાં નથી. બાઈજ્જત બરી કિયા જાય..! પણ કેસ દોઢ-બે દાયકા સુધી ખેંચ્યો ત્યારે પૂરાવા રફેદફે થયા ને? એ વિલંબ માટે જવાબદાર કોણ? એનો જવાબ પણ માલેતુજારોની ગાડી તળે કચડાયેલા શ્રમજીવીએ કે પોતે માની લીધેલા ભગવાનના આશરે મૂકેલા બાળકો ગુમાવનારે જ શોધવાનો? ખરેખર બલિહારી છે...

  *** *** ***

  જોધપુરમાં સગીરા પર બળાત્કારનો કેસ દાખલ થયો એ વખતે પહેલી જ વાર રાજસ્થાન પોલીસે કાયદાની તાકાત બતાવી. અત્યાર સુધી સત્તા સાથેની સાંઠગાંઠથી આબાદ લપસી જતો આસારામ બરાબર ભેરવાયો. પોલીસે સત્વરે પૂરાવાઓ એકઠાં કર્યા, એફઆઈઆર દાખલ કરી. આસારામે થઈ શકે એ તમામ ધમપછાડા કર્યા. કાયમની મોડસ ઓપરેન્ડી મુજબ સાધકોના ધાડાં રસ્તા પર ઉતારી દીધા. તેમ છતાં ય એ ધરપકડ ન ટાળી શક્યો.

  આસારામ વિરુદ્ધ કેસ દાખલ જ ન્હોતા થતાં, ફરિયાદો કોઈ કાને જ ધરતું ન હતું ત્યાં સુધી તેનો દબદબો જળવાઈ રહ્યો. પણ જેવો જોધપુરમાં કેસ નોંધાયો અને ચમત્કારો કરનારો, તંત્રવિદ્યા જાણનારો કહેવાતો ભગવાન પોતે ડગુમગું થતો દયામણા ચહેરે અદાલતના આંટાફેરા કરતો થઈ ગયો એ જોયા પછી અન્ય પીડિતોની ય હિંમત ખૂલી અને સુરતની બે પીડિતા બહેનોએ આસારામ ઉપરાંત નારાયણ સાંઈએ પણ પોતાના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ દાખલ કરી. હવે છૂટકો ન હતો. અત્યાર સુધી મસિહા ગણાતો, મતોની ખેતી લણી આપતો આસારામ ઊઘાડો પડી રહ્યો હતો એટલે નારાયણની ય ધરપકડ થઈ.

  નારાયણ સાઁઈ આમ તો આસારામનો દીકરો, પણ લંપટપણામાં બાપથી ય ચાર ચાસણી ચડે તેવો. સુરતની પીડિત બહેનોએ એફઆઈઆરમાં લખાવેલી વિગતો વાંચીએ તો આ પાખંડીની પાપલીલાની વિકૃતિથી સ્તબ્ધ થઈ જવાય. એ કેસ પણ હાલ ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત છે અને બહુ જલ્દી તેની સૂનાવણી હાથ ધરાવાની છે. એટલે તેની વિગતોમાં પણ આપણે ઊંડા નહિ ઉતરીએ.

  વેલ, પણ આ આસારામ હતો... શુભ્ર ધવલ વસ્ત્રો અને ઘેઘૂર દાઢીમાં પવિત્રપણાંનો ઢોંગ રચનારો હેવાન, જેની હેવાનિયત કટોકટીના વખતે તેની હિંસક આંખોમાંથી છતી થઈ જતી હતી.

  કાયદાની જાળમાં સપડાયા પછી પણ આસારામે કાયદાને ઘોળીને પી જવા કેવો કારસો ઘડ્યો ? સરેઆમ કેવો આતંક કેવી રીતે ફેલાવ્યો ?

  વધુ સ્ફોટરક વિગતો વાંચો આવતી કાલે

 • આસારામ પ્રકરણ – 5: સુરતની પીડિતાએ FIRમાં લખાવેલી વિગતો વાંચીએ તો આ પાખંડીની વિકૃતિથી સ્તબ્ધ થઈ જવાય | Asaram chapter 5 : with dhaivat trivedi
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending