અમદાવાદમાં પ્રથમ નોરતે જ પોલીસે 890 વાહનો ટો કર્યા, CMએ કહ્યું ઝુંબેશ ચાલુ જ રાખો

Bhaskar News

Bhaskar News

Oct 12, 2018, 02:00 AM IST
વાહનો આડેધડ પાર્ક થતાં YMCA ક્લબને ગરબાની મંજૂરી રદ કરવા ચેતવણી
વાહનો આડેધડ પાર્ક થતાં YMCA ક્લબને ગરબાની મંજૂરી રદ કરવા ચેતવણી

અમદાવાદ: 8 મહાનગરોના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસિનો તાત્કાલિક અમલ કરવા અને યોગ્ય સમયમર્યાદામાં કામગીરી પૂરી કરવા તાકીદ કરી હતી. તેમણે અમદાવાદના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ઈ-ચલણની કામગીરીને બિરદાવી હતી. વીડિયો કોન્ફરન્સમાં ટ્રાફિક, દબાણ, સ્માર્ટ સિટી કેમેરા અને ઈ-ચલણ સહિત પાંચ મુદ્દા પર ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ સુએઝનું ટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને આપવા સૂચન કર્યું હતું. તેમણે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અમદાવાદની જેમ અન્ય શહેરોમાં પણ ઈ-ચલણનો ઝડપી અમલ કરવા તાકીદ કરી હતી.

લોકો નવરાત્રીમાં વાહન લઈ જવાનું ટાળતાં હોવાથી કેબના બુકિંગમાં 50 ટકાનો વધારો

નવરાત્રીના પ્રથમ દિવસે જ ટ્રાફિક પોલીસે રોડ પર પાર્ક કરેલા 807 ટૂ-વ્હીલર સહિત 890 વાહન ટો કર્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સહિત 8 મહાનગરના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ટ્રાફિક અને પાર્કિંગ સામે જે રીતે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી તે રીતે જ ચાલુ રાખવા સૂચના આપી હતી. દરમિયાન પાર્કિંગની સમસ્યાને કારણે લોકો પોતાના વાહનોને બદલે કેબમાં જતા ખાનગી કેબના બુકિંગમાં લગભગ 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.

19 સામે ફરિયાદ, 43 વાહન ડિટેઈન

ટ્રાફિક પોલીસે નવરાત્રીના પ્રથમ દિવસે જ 890 વાહનો ટો કરવા ઉપરાંત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ 19 ફરિયાદ દાખલ કરી હતી. જે વાહનચાલકો પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહનના પૂરતા કાગળ ન હોય તેમની સામે 43 કેસ કરી વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રથમ નવરાત્રીએ જ પોલીસે ટૂ-વ્હીલર ચાલકો પાસેથી 2.66 લાખ અને કારચાલકો પાસેથી 49 હજારનો દંડ વસૂલ કર્યો હતો.

રોડ પર વાહનો પાર્ક થાય તો કાર્યવાહી થશે

રોડ પર પાર્કિંગ બદલ ટ્રાફિક પોલીસે એસજી હાઈવે પરની વાયએમસીએ ક્લબને નોટિસ આપી હવે નિયમનો ભંગ થાય તો ગરબાની મંજૂરી રદ કરવાની ચેતવણી આપી હતી. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે ટ્રાફિક ડીસીપી અક્ષય રાજે ક્લબ સામે કાર્યવાહી કરી હતી. પોલીસે ક્લબના ગરબા આયોજકોને કહ્યું હતું કે, પાર્કિંગ છતાં બહાર વાહન મુકાય તો પોલીસને જાણ કરવી અને પોલીસ વાહન ટો કરી જશે.

નવરાત્રીને લીધે કેબને એક પછી એક ટ્રિપ મળી જાય છે

પાર્કિંગના પ્રશ્ને ગરબા આયોજનો ઘટ્યા છે. પાર્કિંગના કારણે લોકો પોતાના વાહનોને બદલે કેબમાં જવાનું પસંદ કરે છે. પરિણામે અમદાવાદમાં ખાનગી ટેક્સી ઓપરેટરોનો ધંધો લગભગ 50 ટકા વધી ગયો છે.

એક કેબના માલિક ધવલ દેસાઇનું કહેવું છે કે, છેલ્લા બે-ત્રણ મહિનાની સરખામણીમાં નવરાત્રીને કારણે 50% બુકિંગ વધી ગયું છે. રાતના 1 વાગ્યા સુધી સતત રાઇડ મળે છે. 20-22 કલાકમાં થતું કલેક્શન હવે 16-17 કલાકમાં થઇ જાય છે. નવરાત્રીના કારણે એક ટ્રિપ પછી તરત જ બીજી ટ્રિપ મળી જાય છે. નવરાત્રી પછી પાછો ધંધો ધીમો પડશે અને દિવાળી, ક્રિસમસમાં વધારો થશે. મેથી જૂનમાં જે બિઝનેસ નથી થતો તે હાલ કવર થઇ જાય છે.

X
વાહનો આડેધડ પાર્ક થતાં YMCA ક્લબને ગરબાની મંજૂરી રદ કરવા ચેતવણીવાહનો આડેધડ પાર્ક થતાં YMCA ક્લબને ગરબાની મંજૂરી રદ કરવા ચેતવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી