અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લૉ-ગાર્ડનની ખાઉ ગલીની નવી ડિઝાઈન બનાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન લૉ-ગાર્ડનની ખાઉ ગલીની ડિઝાઈન નવેસરથી બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં જૂનાં વૃક્ષો કાપવામાં આવી શકે છે. પરંતુ તેની સામે 20 નવા વૃક્ષો પણ રોપાશે. આ ઉપરાંત ખાઉ ગલીમાં પાર્કિંગ ન થાય તે માટે અમુક કલાકો માટે નો-વ્હીકલ ઝોન જાહેર કરવાની પણ યોજના છે. આ ઉપરાંત રોડને 30 મીટરથી વધારવામાં આવશે જેથી કિચન વ્હીકલ પસાર થઈ શકે. સ્ટોલ માલિકોને લાઈસન્સ પણ મળી શકે છે. આને લીધે નહીં નોંધાયેલા ફેરિયા ટ્રાફિકમાં અડચણ ઊભી નહીં કરી શકે.


નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન લો ગાર્ડનની ખાઉ ગલીને રીડિઝાઇન કરશે. આ માટે એનઆઇડી તરફથી બેથી ત્રણ ડિઝાઇનનું પ્રેઝન્ટેશન પણ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આપી દેવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા આવનારા સમયમાં નક્કી કરેલી ડિઝાઇન પર તાત્કાલીક ધોરણે કામ શરૂ કરવામાં આવશે. ડિઝાઇનમાં સ્ટ્રીટ ફૂડ કલ્ચર અને પાર્કિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. 
એક અહેવાલ મુજબ નવી ડિઝાઈન માટે એનઆઈડી ઉપરાંત અન્ય બે એજન્સીને પણ કામ સોંપવામાં આવ્યું છે. અંતિમ ડિઝાઈન કોર્પોરેશન નક્કી કરશે.

 

રોડ વચ્ચે જ ફૂડ ટ્રક ઊભા રહે તે માટે સ્પેસ ડેવલપ કરાશે

 

પ્લાન - 1: રોડની વચ્ચે જ ફૂડ ટ્રક ઉભા રહે તેની માટે સ્પેસ ડેવલપ કરાશે. જેથી લોકો ત્યાંથી ફૂડ લઇને રોડની સાઇડમાં અથવા બંધ કરેલા રોડ પર ફૂડનો આનંદ લઇ શકે છે. 

 

પ્લાન - 2: રોડની બંને સાઇડમાં ટ્રક ઉભા કરવામાં આવે અને તેની પાછળ લોકોને બેસવા માટેની સ્પેસ ઉભી કરાઈ શકે છે. જેથી રોડની વચ્ચેની સ્પેસ પર પાર્કિંગ કરી શકાય.

 

સ્માર્ટ અમદાવાદને અનુરૂપ ડિઝાઈન હશે

 

નાગરિકોને જે ગમે તે રીતે તૈયાર કરવામાં આવશે. ઘણા ડિઝાઇનરો સાથે વાત કરવામાં આવી રહી છે. સ્માર્ટ અમદાવાદ સંદર્ભે ત્યાં સારી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. વોકિંગ માટે ફૂટપાથ અને લોકોને સુવિધા પર કામ ચાલી રહ્યું છે. - વિજય નેહરા, મ્યુ. કમિશનર અમદાવાદ

 

પાર્કિંગ-લોકોની સુવિધા ધ્યાને રખાશે


એનઆઇડી લો ગાર્ડનની સ્પેસની ડિઝાઇન કરી રહી છે. ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે. આ સાથે જ ખાલી સ્પેસ પર કેવી રીતે કામ કરી શકાય તેમાં એનઆઇડી કેવી રીતે મદદ કરી શકે તેની માટે પણ વાતચીત થઇ હતી. ડિઝાઇનમાં પાર્કિંગ અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઈ રહી છે. - પ્રદ્યુમન વ્યાસ, ડિરેક્ટર NID