અમદાવાદમાં ટ્રાફિક, પાર્કિંગ અંગે ઝુંબેશ ઉપાડનાર એ.કે. સિંઘ અને વિજય નેહરાને દિલ્હી મોકલવાનો તખ્તો ઘડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ અંગે ઝુંબેશ ઉપાડનાર પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને મ્યુનિ. કમિશનર વિજય નેહરાને હવે દિલ્હી મોકલવા માટે તખ્તો ઘડાઈ રહ્યો છે.  આ બંને કમિશનરો કોઇના પણ દબાણને વશ ન થતા હોવાથી કેટલાક રાજકારણીઓ અને મોટા માથાંઓનાં પેટમાં તેલ રેડાયું છે. જેથી બન્નેને હટાવવા માટે દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવા તજવીજ શરૂ કરાઈ  છે.

 

બન્ને કમિશનરે શરૂ કરેલી ઝુંબેશથી કેટલાક રાજકારણીઓના પેટમાં તેલ રેડાયું

 

ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ મુદ્દે શરૂ થયેલી ઝુંબેશના પહેલા જ દિવસે પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ કહી દીઘું હતું કે, હવે આ કાર્યવાહી  કોઇપણ હિસાબે રોકવામાં નહીં આવે. તેમ છતાં આ બન્ને કમિશનરોની વાતને લોકોએ બહુ જ સામાન્ય લીધી હતી, પરંતુ દિવસો જતા હવે આ બન્ને કમિશનરો કોઈને પણ તાબે થતાં નહીં હોવાથી બન્નેને હટાવવા કવાયત શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે વિજય નહેરાનું નામ દિલ્હી જોઇન્ટ સેક્રેટરીની એમપેનલમેન્ટમાં મૂકવામાં આવ્યું છે. જ્યારે એ.કે.સિંઘે ડેપ્યુટેશન ઉપર દિલ્હી જવા એક માસ અગાઉ માંગણી કરી છે. જને ધ્યાનમાં રાખી એ.કે.સિંઘને 15 ઓગસ્ટ સુધીમાં દિલ્હી મોકલી દેવાય તેવી પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે. 


મહત્ત્વની વાત એ છે કે ટ્રાફિક, પાર્કિંગ, ગેરકાયદે બાંધકામ અને રખડતા ઢોર બાબતે થતી હેરાનગતિના મામલે જે કોર્ટમાં  કેસ ચાલતો હતો તે કોર્ટના જસ્ટીસ એમ.આર.શાહની પટના હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે નિમણૂક કરાઇ છે. તેમની નિમણૂક માટેનું વોરંટ આવી ગયું છે, ત્યારે તેઓ ગમે ત્યારે પટના હાઈકોર્ટ ખાતે હોદ્દો ગ્રહણ કરી શકે છે. એમ.આર.શાહની કોર્ટમાં આ કેસ આવતાની સાથે જ તેમણે અમદાવાદ પોલીસ કમિશનર અને અમદાવાદ  મ્યુનિસિપલ કમિશનરની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.


તેમ છતાં આ બંને કમિશનરોની કામગીરીમાં કોઇ જ ફરક પડ્યો નથી. જેથી આ બંનેને અમદાવાદથી હટાવીને દિલ્હી મોકલવા માટે તખ્તો તૈયાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત તો એ છે કે એ.કે.સિંઘે લગભગ 1 મહિના પહેલા જ ડેપ્યુટેશન ઉપર દિલ્હી જવાની માંગણી કરી હતી. જેને ગુજરાત સરકાર મંજુરીની મહોર લગાવીને દિલ્હી મોકલી આપી છે. જેથી હવે ગમે તે ઘડીએ એ.કે.સિંઘ દિલ્હી જાય તો નવાઇ નહીં.