બે કરોડરજ્જુવાળી 11 વર્ષીય બાળકીનું 4 કલાકનું સફળ ઓપરેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: જન્મજાત ખોડને કારણે કમરના સખત દુખાવા અને હાડકું વધવાની સમસ્યાથી પીડાતી અને બે કરોડરજ્જુ સાથેની 11 વર્ષની બાળકીનું સિવિલ હોસ્પિટલનાં ન્યુરોસર્જરી વિભાગનાં તબીબે ચાર કલાકનું સફળ ઓપરેશન કરીને દર્દમુક્ત કરી છે. જવલ્લે જોવા મળતી આ બીમારીને તબીબી ભાષામાં ‘સ્પલીટ કોર્ડ માલફોર્મેશન’ તરીકે ઓળખ‌‌વામાં આવે છે અને યોગ્ય સારવારને અભાવે દર્દીના કમર નીચેનો ભાગ કામ કરતો બંધ થતાં દર્દી અપંગ બની શકે છે.

 

સિવિલ હોસ્પિટલનાં ન્યુરો સર્જરી વિભાગના ન્યુરોસર્જન ડો. શૈલેન્દ્ર સોલંકીનાં જણાવ્યા મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનાં લલિતપુરની 11 વર્ષની આરતી શર્માને કમરમાં સખત દુખાવો અને હાડકું વધવાની તકલીફ સાથે સિવિલ હોસ્પિટલનાં ન્યુરો સર્જરી વિભાગમાં લવાઇ હતી. બાળકીની તપાસ કરતાં કરોડરજ્જુના વધારાના હાડકાની સાથે બે કરોડરજ્જુ હોવાની જવલ્લે જોવા મળતી ‘સ્પલીટ કોર્ડ માલફોર્મેશન’ બીમારી હોવાનું ધ્યાને આવ્યું હતું. ગત શુક્રવારે બાળકીનું ચાર કલાકનું ઓપરેશન કરીને વધારાનું હાડકું દૂર કરતાં તે દર્દમુક્ત બની છે. 

 

ન્યુરો સર્જરી વિભાગના વડા ડો. જૈમિન શાહ અને સીનિયર આસી. પ્રોફેસર ડો. અંકુર પાચાણીનાં માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પડાયું હતું. આ પ્રકારની તકલીફથી પીડાતા દર્દીની બીમારીનું નિદાન અને સારવારને અભાવે સમય જતાં કરોડરજ્જુ પર દબાણ વધતાં સંડાસ-પેશાબનો કંટ્રોલ જવાની સાથે  કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થતાં દર્દી અપંગ પણ બની શકે છે.

 

10 સેન્ટિમીટરનું હાડકું અને બે કરોડરજ્જુનો પ્રથમ કેસ

 

હોસ્પિટલમાં અા પ્રકારનાં ઓપરેશન થયાં છે પણ દર્દીમાં 10 સેન્ટિમીટરનું હાડકું અને હાડકું કમરની બહાર આવી ગયો હોય તેવો પ્રથમ કેસ છે. બાળકીનું ઓપરેશન હાથ ધરીને બે ભાગમાં વહેંચાયેલી કરોડરજ્જુમાંથી હાડકું કાઢીને તેની પર એક આવરણ કરી બે ભાગમાં વહેચાયેલી કરોડરજ્જુને જોડવામાં આવી છે. જેથી હવે દર્દીને જીવનભર કમરનાં દુખાવાની સમસ્યાથી રાહત મળી છે.

 

દર લાખે એક બાળકમાં આ બીમારી હોય છે

 

એક લાખે એક બાળકમાં થતી ‘સ્પલીટ કોર્ડ માલફોર્મેશન’ બીમારીમાં બાળક માતાનાં ગર્ભમાં હોય ત્યારે ફોલીક એસિડની ઊણપ કે માતાની દુર્બળતાને લીધે કરોડરજ્જુ જોડાવાની પ્રોસેસ દરમિયાન કરોડરજ્જુમાં હાડકું કે પડદાનું આવરણ કરોડરજ્જુને બે ભાગમાં વહેંચી નાખે છે.

 

અન્ય સમાચારો પણ છે...