ચાંદખેડામાં 90 લાખની લૂંટ કરવા પુત્રની સાથે 59 વર્ષની માતા પણ ગઈ, વિકલાંગ વૃદ્ધાની બંગડીઓ કાઢી લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં સીનિયર સિટીઝનને ખુરશીમાં બાંધી  ધમકાવી રોકડા રૂ. 90 લાખ લૂંટી ,  તેમની વિકલાંગ પત્નીની સોનાની બંગડીઓની લૂંટ કરવાના બનાવનો ક્રાઈમ બ્રાંન્ચે ભેદ ઉકેલી કાઢી એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. રસપ્રદ વાત એ છે કે સીનિયર સિટીજનને લૂંટ કરવામાં 59 વર્ષની વૃદ્ધા પણ સામેલ હતી જેણે પોતાના પુત્રને લૂંટમાં મદદ કરી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. 


માતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ કરાઈ, પોલીસે 11. 48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો


ચાંદખેડામાં દેવપ્રિયા બંગ્લોમાં રહેતા રાકેશ બલવાનીના પિતા પારસભાઈ અને વિકલાંગ માતા તા 25મી જુલાઈએ ઘરે એકલા હતા ત્યારે એક અજાણ્યો માણસ આવ્યો હતો અને પીવા માટે પાણી માંગ્યું હતું. પારસભાઈ તેના માટે પાણી લેવા ગયા તે દરમિયાન પેલો માણસ ઘરમાં આવી ગયો હતો અને પારસભાઈને પકડી ખુરશીમાં બાંધી દીધા હતા તેમજ તેમની પત્નીને પણ વ્હીલચેરમાં બાંધી દીધાં હતાં.


દરમિયાન રેઈનકોટ પહેરેલો એક અન્ય પુરષ તથા મોઢેં બુકાની બાંધેલી હાલતમાં એક મહિલા પણ ઘરમાં આવી ગયા હતા અને ઘરમાં જે કંઈ હોય તે આપી દેવા ધમકી આપી હતી. આથી પારસભાઈએ તેમનો પુત્ર મુકેશભાઈ, કે જે દુબઈથી ઈલાજ માટે આવ્યો હતો તેણે બેંકમાંથી લાવી ઘરમાં મૂકેલા  રૂ. 90 લાખ ઉપરના રૂમમાં પૈસા પડ્યા હોવાનું કહેતા આરોપીઓએ રોકડા રૂ. 90 લાખની લૂંટ ચલાવી હતી તેમજ તેમની પત્નીએ હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓની પણ લૂંટ ચલાવી ત્રણ નાસી છૂટ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.આર.મલ્હોત્રાને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ચાંદખેડા સાંઈબાબા ચાર રસ્તા પાસેથી પવન રામદાસાણી અને તેની માતા આશાબેન તેમજ પવનના મિત્ર વિક્રમ રાજપૂતની ધરપકડ કરી હતી.


પોલીસએ આરોપીઓ પાસેથી રોકડા રૂ. 10 લાખ સોનાની બંગડીઓ અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 11.48 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ અંગે માહિતી આપતા ઈન્ચાર્જ એસીપી એસ.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી પવનની માતા આશાબેન પણ પોતાના પુત્રને મદદ કરવા માટે લૂંટની યોજનામાં સામેલ થઈ હતી, જેણે વિકલાંગ સીનિયર સિટીજનના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ ખેંચી લીધી હતી.


આરોપીને દેવું થઈ જતાં લૂંટનો પ્લાન ઘડ્યો


આરોપી પવનને દેવું થઈ ગયું હતું. તેની પત્ની સીમરન ફરિયાદી રાકેશ બલવાનીની પત્ની જાનવીની બહેનપણી હોઈ તેમની વચ્ચેની વાતચીતમાં જાનવીએ દિયર દુબઈથી સારવાર માટે આવ્યા હોઈ ઘરમાં પૈસા મૂક્યાનું કહ્યું હતું. જાનવીએ પવનને વાત કરતાં તેણે લૂંટની યોજના બનાવી હતી.