લપકામણમાં ‘365’ સોલ્યુશન નામના હુક્કાબાર પર દરોડો, 15 યુવક ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ઓગણજ સર્કલથી લપકામણ ગામ તરફ જતા રોડ પર આવેલા ખોડિયાર ફાર્મમાં આવેલા ‘365’ સોલ્યુશન નામના હુક્કાબારમાં સોલા પોલીસે દરોડો પાડી હતો. હુક્કાબારમાં 15 છોકરા હુક્કાના કશ મારી રહ્યા હતા. પોલીસે 14 હુક્કા, ફ્લેવરના 25 ડબ્બા કબજે કર્યા હતા. ફ્લેવરમાં તંબાકુ કે અન્ય નશીલો પદાર્થ હતો કે નહીં તેની ચકાસણી માટે નમૂના એફએસએલમાં મોકલી દેવાયા હતા.

 

ઓગણજ સર્કલ પાસેના  હુક્કાબારમાંથી ફ્લેવરના 25 ડબ્બા જપ્ત

 

સોલા હાઈકોર્ટ પીઆઈ જી.એસ.શ્યાનને મળેલી બાતમીના આધારે ડીસ્ટાફ પીએસઆઈ જી.એસ.સ્વામીની ટીમે રવિવારે રાતે 365 સોલ્યુશન હુક્કાબારમાં દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે આ હુક્કાબારના 5 ટેબલ ઉપર 15 છોકરા હુક્કાના કશ મારી રહ્યા હતા. જ્યારે હુક્કાબારનો માલિક શશાંક ગોપાલસિંહ સુગ્યનાસિંહ કોઠારી પણ ત્યાં હાજર હતો. પોલીસે 15 છોકરાના નિવેદન લીધા હતા તેમજ 14 હુક્કા, 25 ફ્લેવરના પેકેટ, કોલસા, ચીપિયા તેમજ ફિલ્ટરના પેકેટ મળીને કુલ રૂ.1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસે હુક્કાબારના માલિક શશાંક વિરુદ્ધ ગુનો નોંધી ફ્લેવરના પેકેટ ચકાસણી માટે એફએસએલમાં મોકલી આપ્યાં હતાં. પોલીસે શશાંક કોઠારીને નોટિસ આપી હતી. જ્યારે એફએસએલના રિપોર્ટમાં હુક્કાની ફ્લેવરમાં તમાકુ અન્ય કોઇ નશીલો પદાર્થ હોવાનું પુરવાર થશે તો જ શશાંકની ધરપકડ કરવામાં આવશે, તેવું પીએસઆઈ સ્વામીએ જણાવ્યું હતું.

 

હર્બલના ઓથા હેઠળ હુક્કાબાર ચાલી રહ્યા છે


સરકારે હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી દીધા બાદ કેટલાક હુક્કાબારના સંચાલકો હર્બલ ફ્લેવરના ઓથા હેઠળ હુક્કાબાર ચલાવી રહ્યા છે. જેથી પોલીસ તેમની ધરપકડ કરી શકતી નથી. પરંતુ ફ્લેવરના નમૂના એફએસએલમાં મોકલવામાં આવે છે, જેમાં તંબાકુ હોવાનું પુરવાર થાય તો ધરપકડ કરી શકાય છે.