• Gujarati News
  • 40 Pc Throat Mouth Cancer Patient From Nation In Gujarat

ગળા-મોઢાના કેન્સરના દેશના 40 ટકા દર્દીઓ ગુજરાતમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને ગાયત્રી ચેરિટેબલ પરિવારે અઢી હજાર લોકો પાસે તમાકુ છોડવાના શપથ લેવડાવ્યા
પેટલાદના ખેડૂતોને તમાકુનું વાવેતર ન કરવા વિનંતી

અમદાવાદ: કેન્સર જેવા રોગની સારવારમાં દર્દી આર્થિક રીતે સધ્ધર ન હોય તો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને ગાયત્રી ચેરિટેબલ પરિવારના માર્ગદર્શનથી તમાકુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તેવાં પેટલાદના ખેડૂતોને તમાકુનું વાવેતર ન કરવા અને લોકોને જાગૃત કરવા માટે સ્કૂટર રેલી, નાટક અને અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત અઢી હજાર લોકોને તમાકુ છોડવાના શપથ લેવડાવ્યા છે. તેમ મૂળ પેટલાદના બિલ્ડર અને કેન્સર સામે બાથ ભીડનાર રાકેશભાઇ શાહે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, પેટલાદમાં મોટાપાયે તમાકુનું વાવેતર થતું હોવાથી 7 વર્ષની ઉંમરના બાળકો તમાકુ ખાતા થઇ જાય છે, જેથી મારી જેમ અન્ય કોઇ કેન્સરનો ભોગ ન બને તે માટે પેટલાદના ખેડૂતોને તમાકુનું વાવેતર બંધ કરવાની પ્રેરણા અને લોકજાગૃતિ માટે અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના ચેરમેન કેન્સર સર્જન ડો. કૌસ્તુભ પટેલ અને સેક્રેટરી સંજીવભાઇ ધવનના માર્ગદર્શનથી ત્રણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં 20મી મેના રોજ પેટલાદ તાલુકાના 33 કિ.મી. વિસ્તારમાં સ્કૂટર રેલી, 22મી મેના રોજ જાગૃતિ કાર્યક્રમમાં સ્વામી સચ્ચિદાનંદ, આણંદના એમપી દિલીપભાઇ પટેલ, પેટલાદના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ સ્વામી સચ્ચિદાનંદ, શહેરની એચ.બી. કાપડિયા સ્કૂલના બાળકો અને ડો. કૌસ્તુભ પટેલ દ્વારા બેથી અઢી હજાર લોકો પાસે તમાકુ છોડવાના શપથ લેવડાવ્યા હતા.
આ ઉપરાંત 23મી મેના રોજ "બોલ બેબી બોલ' બિનદાસ્ત નાટક વગેરે દ્વારા કેન્સરના દર્દીઓ માટે રૂ. 10 લાખ જેટલું ફંડ એકઠું કર્યું છે. આ ફંડ ગરીબ અને જરૂરતમંદ દર્દીઓ પાછળ ખર્ચ કરાશે.
અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના ચેરમેન ડો. કૌસ્તુભ પટેલે જણાવ્યું કે, દેશમાં થતાં ગળા-મોઢાના કેન્સરના 40 ટકા દર્દીઓ ગુજરાતમાં છે, છતાં મોટાભાગના દર્દીમાં છેલ્લાં સ્ટેજમાં કેન્સરનું નિદાન થાય છે. પરંતુ, જો અર્લી સ્ટેજમાં કેન્સર નિદાન થવાથી ઝડપી સારવારથી દર્દી લાંબું અને તંદુરસ્ત જીવન જીવી શકે છે. રાકેશભાઇ શાહની જેમ અન્યએ પણ કેન્સરને નાથવા માટે આગળ આવવું જોઇએ જેના કારણે કેન્સર જેવા રોગથી બચી શકાય.
પેટલાદના કાર્યક્રમમાં ~10 લાખનું ફંડ એકત્ર થયું

કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે પેટલાદમાં યોજેલા વિવિધ કાર્યક્રમો દરમિયાન રૂ. 10 લાખનું ફંડ એકઠું થયું છે. આ ફંડ દ્વારા પેટલાદ તાલુકાના કેન્સરના જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓની સહાય કરાશે. તેમજ અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા દર્દીની સારવારમાં કન્સેશન ઉપરાંત સારવારમાં માર્ગદર્શન અપાશે.