બેંક લોન કૌભાંડ: ઈન્દોરની કંપનીની 153 કરોડની જમીનને ઈડીની ટાંચ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2200 કરોડના કૌભાંડમાં મુંબઈ સહિતના શહેરોમાં કાર્યવાહી

અમદાવાદ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ, આશરે રૂ.2,200 કરોડના બેંક લોન કૌભાંડમાં ઝૂમ ડેવલપર્સની કુલ રૂ.153 કરોડની જમીન અને કેશ ડિપોઝિટ ટાંચમાં લીધી છે. આ કેસમાં ઈડી અધિકારીઓએ ઈંદોરમાં લગભગ રૂ.20 કરોડની આશરે 132 એકર જમીન તથા મુંબઈમાં લગભગ રૂ.92 કરોડની આશરે 61,115 સ્ક્વેર ફૂટ જમીન તેમજ રૂ.41.4 કરોડની કેસ ડિપોઝિટ ટાંચમાં લીધી છે. રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો પાસેથી કરોડોની લોન મેળવવાના કેસમાં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેશ ડિપોઝિટ અને જમીન ટાંચમાં લીધી છે. કરોડોના બેંક લોન કૌભાંડ અંગેના કેસમાં ગત મહિને શરદ કાબરાની ધરપકડ કરાઈ છે જ્યારે આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ વિજય ચૌધરી હજુ ભાગેડુ છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

ઝૂમ ડેવલપર્સના સંચાલકોએ વિદેશમાં સંખ્યાંબધ પ્રોજેક્ટ હાથ ધરવાના બહાને રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંક સહિત 20 જેટલી બેંકોમાંથી રૂ.2,200 કરોડની જંગી લોન મેળવી હતી. કરોડોની લોન મેળવ્યા પછી ઝૂમ ડેવલપર્સના પ્રમોટરો અને સંચાલકોએ દેશમાં કે વિદેશમાં એક પણ પ્રોજેક્ટ હાથ ધર્યો નહોતો. અગાઉ, 2 જુલાઈના રોજ ઈડી સત્તાધીશોએ, રૂ. 2,200 કરોડના બેંક લોન કૌભાંડ અંગે કેલિફોર્નિયા, અમેરિકામાં આશરે રૂ.1 હજાર કરોડની જમીન ટાંચમાં લીધી હતી. આ પ્રકારે વિદેશમાં કરોડોની જમીન ટાંચમાં લેવાઈ હોય તેવો આ સૌપ્રથમ કિસ્સો છે.

2005થી 2010ના સમયગાળા દરમિયાન ઝૂમ ડેવલપર્સના સંચાલકોએ દેશમાં આશરે 20 જેટલી બોગસ કંપનીઓ ઉભી કરી હતી અને વિવિધ બેંકોમાંથી રૂ.2,200 કરોડની જંગી લોન મેળવી હતી. આ પ્રકારે બેંક લોન મેળવ્યા પછી દેશ-વિદેશમાં એક પણ પ્રોજેક્ટ હાથ ધર્યા નહોતા અને બેંકોને નાણાં પરત ચૂકવ્યા નહોતા. આ પ્રકારે બેંકો સાથે કરોડોની છેતરપિંડી કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ઝૂમ ડેવલપર્સના પ્રમોટરોએ ઈંદોર અને મુંબઈમાં ઓફિસો ખોલી હતી અને દેશના અન્ય શહેરોમાં સ્થાપેલી કંપનીઓ મુંબઈ અને ઈંદોરથી ઓપરેટ કરતા હતા.
અન્ય સમાચારો પણ છે...