નર્મદા ડેમમાં ૯૧૦ ક્યુસેક પાણી છોડાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતો વહેલું વાવેતર કરી શકે તે માટે ૧૦મી જૂનથી ખેડૂતોને વરસાદ પહેલાં કપાસ, બીટી કોટન, ધરુ અને બિયારણના વાવેતર માટે સુજલામ્-સુફલામ્ કેનાલ-પાઈપલાઈનથી પાણી અપાશે રાજ્યમાં ચોમાસાના આગમન પહેલાં ખેડૂતોને કપાસ, બીટી કોટન, ધરુ અને બિયારણના વાવેતર માટે ૧૦જૂનથી નર્મદાનું ૪૧૦ ક્યુસેક અને કડાણા ડેમમાંથી પ૦૦ ક્યુસેક પાણી મળી કુલ ૯૧૦ ક્યુસેક પાણી છોડવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું સિંચાઈ પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે. સિંચાઈપ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં ચોમાસા પહેલાં જ ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી મેળવીને નર્મદા નિગમ અને સિંચાઈ વિભાગ સંયુક્ત આયોજન કરતા આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષથી નર્મદા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલ અને પાઈપલાઈન દ્વારા મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોને પાણી આપવામાં આવે છે. ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નર્મદા કેનાલના એસ્કેપ અને દરવાજા ખોલીને નજીકમાંથી પસાર થતી નદીઓ અને કાંસમાં પાણી છોડવામાં આવે છે. જેના કારણે આસપાસની જમીનોમાં પાણીનાં તળ ઊંચા આવે છે અને ખેડૂતોને આગોતરું વાવેતર કરવામાં સરળતા રહે છે. સરદાર સરોવર ડેમમાં પાણીના પૂરતા જથ્થાને કારણે નર્મદા મુખ્ય નહેરમાં પાણી વહાવીને જરૂરિયાત મુજબ સાબરમતી, ખારી, રૂપેણ અને બનાસ નદીમાં પાણી નાખવામાં આવશે. એવી જ રીતે ખારીકટની કામગીરી પૂર્ણ થયા પછી અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં નહેર દ્વારા પાણી આપવામાં આવશે. આ રીતે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલા કાંસમાં પણ પાણી છોડીને ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કયા જિલ્લાઓને ફાયદો થશે નર્મદા અને કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલ અને પાઈપલાઈનમાં પાણી છોડવાને કારણે મધ્ય-ઉત્તર ગુજરાતના ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જ્યારે આદિવાસી વિસ્તાર પંચમહાલનાં ૧પ૦ જેટલાં તળાવ ભરવામાં આવશે. મહી નદીમાં કામ ચાલી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા પછી તેમાં પાણી નખાશે. સુરેન્દ્રનગરને નર્મદા કેનાલ થકી પાણી અપાશે. હાલમાં રાજકોટ શહેર-જિલ્લો, જામનગર શહેર-જિલ્લો અને સમગ્ર કચ્છના ખેડૂતોને પાણી લિફ્ટ કરીને આપવામાં આવે છે. તળાવમાં પાણીનો પુરવઠો જળવાઈ રહે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે અને આ રીતે ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવાશે. ૩૩૨ કિ.મી.લાંબી આ કેનાલમાં પાણી વહાવવાને કારણે કેનાલની આસપાસના આશરે દોઢથી બે કિ.મી. વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતો પાણી 'લિફ્ટ’ કરી શકશે નર્મદા અને સુજલામ-સુફલામ કેનાલમાંથી ખેડૂતો સિંચાઈ માટે પાણી ખેંચી રહ્યા છે અને તેની સામે સરકાર પોલીસ ફરિયાદ સહિ‌તનાં પગલાં ભરે છે? તેવા સવાલના જવાબમાં સિંચાઈપ્રધાને જણાવ્યું કે, જે વિસ્તારમાં પીવાના પાણીના પુરવઠાને અસર થતી ન હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પાણી ખેંચવાની છૂટ અપાશે. હાલમાં પીવાનું પાણી પહોંચાડવા માટે દૈનિક પ૦ કરોડ લિટર પાણીનો જથ્થો છોડવામાં આવે છે પરંતુ તેમાં પાણીની ચોરીને કારણે ૨૦ કરોડ લિટરની ખેંચ પડે છે. તેથી આવી સ્થિતિ સર્જા‍ય છે. જો કે, તેમણે ઉર્મેયું કે, ઢાંકીથી માળિયા સુધીની ૧૩૪ કિ.મી. લાંબી કેનાલ પર એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.