બાતમીઓ મોંઘી થઈ: હત્યારાની બાતમી માટે ૭પ હજાર માંગ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બાતમીદારો પ્રોફેશનલ બની રહ્યા હોવાથી સિક્રેટ ફંડ ઓછું પડે છે

શહેરમાં થતી લૂંટ, ધાડ, ચોરી અને હત્યાના ગુનાઓનો ભેદ ઉકેલી શકાતો નથી, તેવો પ્રશ્ન સામાન્ય લોકોમાં ઉદ્ભવી રહ્યો છે. તેનું કારણ એ છે કે હવે જૂના વફાદાર બાતમીદારોની સંખ્યા સતત ઘટી રહી છે અને તેમની જગ્યા લઈ લીધી છે, પૈસાના પૂજારી પ્રોફેશનલ બાતમીદારોએ.. હાલમાં જ એક બેવડી હત્યાના આરોપીની બાતમી આપવા બાતમીદારે ક્રાઈમ બ્રાન્ચે પાસે રૂ ૭પ૦૦૦ની માંગણી કરી ત્યારે અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.. સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બાતમીદારે કહ્યું ' ક્યા કહે સાહબ..મહેંઘાઈ ઈતની હૈ..’. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ કહ્યું હતું કે આ પ્રકારની બાતમી પાંચ વર્ષ પહેલા રૂ. પ હજારમાં મળી જતી હતી..હવે નથી મળતી..

હાલની જ વાત કરીએ તો ગૃહ સચિવ એસ કે નંદાએ કોમ્યુનિટી પોલિસિંગની વાત કરી દરેક એસીપીને એવા દસ ખાનગી માણસો શોધવા સૂચન આપ્યું હતું કે જે પોલીસને માહિ‌તી આપી શકે. પરંતુ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હવે આવા સમાજ સેવક બાતમીદારો રહ્યા નથી.. ઉપરથી સરકાર તરફથી મળતું સિક્રેટ ફંડ પણ ઘણું જ ઓછું છે. બાતમીઓ મેળવવા માટે બાતમીદારોને ખુશ રાખવા પડે છે અને તે આવા નજીવા સિક્રેટ ફંડમાં શક્ય નથી... ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો તો એવું કહી રહ્યા છે કે હવે બાતમીદારોની સંખ્યા ઘટી રહી છે.

કેવા પ્રકારના બાતમીદારો હોય છે :

ગુનેગાર બાતમીદાર : આ પ્રકારના બાતમીદારો પોતાની હરીફ ગેંગના માણસોને પકડાવા માટે પોલીસને બાતમીઓ આપતા હોય છે.

પ્રોફેશનલ બાતમીદાર : આ પ્રકારના બાતમીદારો અગાઉના જીવનકાળ દરમિયાન ગુનેગાર રહી ચૂકયા હોય છે. તેથી તેમનું ગુનાખોરીના આલમમાં નેટવર્ક સારુ હોય છે. તેઓ બાતમી આપવા પોલીસ પાસેથી પૈસા લેતા હોય છે.

પ્રતિબદ્ધ બાતમીદારો : આ પ્રકારના બાતમીદારો હંમેશા ગુપ્ત રહેતા હોય છે. તેમના હેતુ ગુનાખોરી અટકાવવાનો હોય છે અને પ્રલોભન વગર બાતમી આપતા હોય છે.

વાર્ષિ‌ક ૨પ હજારનું સિક્રેટ ફંડ અપાય છે :

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાની હદમાં ફરજ બજાવતી પોલીસને વાર્ષિ‌ક રૂ. ૨પ હજારનું સિક્રેટ ફંડ અપાય છે. પોલીસનું કહેવું છે કે ૨પ હજારના સિક્રેટ ફંડમાં કેટલી બાતમીઓ મળે તે સમજી શકાય છે.

આ વખતે ક્રાઈમ બ્રાન્ચને સિક્રેટ ફંડના ૯ લાખ અપાયા :

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વખતે ક્રાઈમ બ્રાન્ચનું સિક્રેટ ફંડ વધારીને રૂ. ૯ લાખ કરાયું છે. એ જ કારણ છે કે ક્રાઈમ બ્રાન્ચ અનેક ડિટેક્શનોને અંજામ આપી શકી છે.

સિક્રેટ ફંડ વધારાયું છે :

અમે ઓછી સિક્રેટ ફંડની રકમથી વાકેફ હતા તેથી આ વખતે પોલીસનું સિક્રેટ ફંડ વધારી દેવામાં આવ્યું છે. ગુનાખોરી અટકે તે માટે આગળ પણ અમે આવા જ સકારાત્મક પગલાં લેતા રહીશું. એસ. કે. નંદા, ગૃહ વિભાગના અગ્ર સચિવ