તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૬૦૦ કરોડના ખર્ચે બનાવેલા રસ્તા આખરે કેમ તૂટી જાય છે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોર્પોરેશનના વિપક્ષી નેતાની કમિશનર સમક્ષ વિજિલન્સ તપાસની માગ
- ભૂતકાળમાં ૧૦ ટકા રકમ ડિપોઝિટ લેવાતી હતી
- કોન્ટ્રાક્ટરને સુવિધા આપવાનું કારણ શું ?


અમદાવાદ શહેરની અંદર સામાન્ય વરસાદથી નવા બનાવેલા મોટા ભાગના રોડની હાલત બદતર થઈ જવા પામી છે. જેથી નવા બનાવેલા રોડ તહસનહસ થઈ જવા પામેલ છે. આ નવા બનાવેલા રસ્તા આટલા સામાન્ય વરસાદમાં કેમ તૂટી ગયા ? રોડ બનાવતી વખતે બે કોટ કરવામાં આવે છે. કપચી કોટ અને સીલ કોટ. આ રોડ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને વિવિધ કારણોસર કામની સમયમર્યાદા તેમ જ અંદાજ પણ વધારી આપવામાં આવે છે. જેથી આનાથી મ્યુનિ. કોર્પો.ને આર્થિ‌ક નુકસાન થાય છે.

આ બધી સુવિધા કોન્ટ્રાક્ટરને આપવા છતાં પણ રોડનું ધોવાણ અને ભૂવા પડવાનું કારણ માટે જવાબદાર કોણ ? આવા કારણે કરોડો રૂપિયાના ભાવ તફાવતનો બોજો અમદાવાદ મ્યુનિ. કોર્પો. પર પડેલ છે. છેલ્લા ત્ર વર્ષ દરમિયાન રૂ. ૬૦૦ કરોડથી પણ વધુ રકમ માત્ર રોડ બનાવવા પાછળ ખર્ચેલ હોય ત્યારે આવા કારણોસર આવડી મોટી રકમનો બોજા માટે કોણ જવાબદાર છે તેની તપાસ વિજિલન્સને સોંપવી જોઈએ તેવી માગણી વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખે કરી હતી.

તેમણે જણાવ્યું કે, શહેરમાં જ્યાં-જ્યાં કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું હોય અને કામમાં કોઈપણ પ્રકારની ક્ષતિ રહી જવા પામી હોય તો તે પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટરની જ જવાબદારી બની છે. આવા કોઈપણ કામો મ્યુનિ. કોર્પો.ની તિજોરી ઉપર વધુ બોજો પાડ્યા સિવાય તથા આવા બેદરકાર અને ગેરરીતિ કરનાર કોન્ટ્રાક્ટરો તેમની જવાબદારીમાંથી છટકી ના જાય તેની તંત્રએ પણ તકેદારી રાખવી જોઈએ.

ભૂતકાળમાં તત્કાલીન કમિશનર કેશવ વર્મા દ્વારા રોડની પાંચ વર્ષની ગેરંટી કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવતી હતી અને ૧૦ ટકા રકમ ડિપોઝિટ તરીકે રાખવામાં આવતી હતી તે સમયના બનેલા રસ્તા હજુ સલામત છે ત્યારે તાજા બનેલા રોડ કેમ તૂટી જાય છે ? તે તપાસનો વિષય છે. હાલમાં વરસાદી પાણીના કારણે કુદરત દ્વારા જ વોટરિંગ થયેલ છે. જે તે કામમાં લેવલ પણ કોન્ટ્રાક્ટર પાસેથી કરાવવું જોઈએ. આ માટે જ્યાં જ્યાં પણ ખાડા કે ભૂવા પડ્યા છે ત્યાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પાસે જ તાકીદે લેવલિંગ કરાવી અને ખાડાઓ તાત્કાલિક અસરથી પૂરવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેમ જ આવા કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારી ઉપર તાકીદે કડક પગલાં લેવા જોઈએ.

હાલમાં બનાવેલ બીઆરટીએસ કોરિડોરના રોડ પણ તૂટી જવા પામેલ છે. અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં બીઆરટીએસ રૂટ પસાર થાય છે તેમાં ખાસ કરીને નરોડા, રખિયાલ અને ચંડોળા વગેરે જેવા સ્થળે રોડનું લેવલ ઊંચું છે જેથી વરસાદી પાણી ભરાઈ જવાની હાલત બનવા પામેલ છે તે પાણી આજુબાજુમાં આવેલ ચાલી તથા સોસાયટીમાં ભરાઈ જવા પામે છે જેથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય છે. આવા સ્થળોની તપાસ કરીને રોડનું લેવલ જ્યાં ઊંચું હોય તે તમામ રસ્તા જે તે કોન્ટ્રાક્ટર પાસે લેવલિંગ કરાવવા જોઈએ.

જ્યાં જ્યાં રોડ તૂટેલી હાલતમાં છે, તે તમામ રોડ કોન્ટ્રાક્ટર પાસેથી કરાવવા તેમ જ આ અંગે જે ગેરરીતિ કે બેદરકારી કોન્ટ્રાક્ટર કે અધિકારી તરફથી આચરવામાં આવી હોય તેની વિજિલન્સ તપાસ કરાવવા અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માટે તાકીદે યોગ્ય કરવા મ્યુનિ. કમિશનરને પત્ર લખી માગણી કરેલ છે.