પ૦ બુકી પકડ્યા પણ વધુ તપાસ ન થઈ, અ'વાદ પોલીસ શંકાના દાયરામાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- IPLની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં પોલીસે શહેરમાં બે ડઝન દરોડા પાડી પ૦ બુકી પકડ્યા
- આઈપીએલ-૬ શરૂ થઈ ત્યારથી જ નાનો-મોટો સટ્ટો શરૂ થઈ ગયો હતો
- આગળની તપાસ ન કરાતાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં


આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ મેચની શરૂઆત થઇ ત્યારથી જ અમદાવાદમાં નાના-મોટા બુકીઓએ સટ્ટો લેવાનું શરૂ કરી દીધું હતું. જે પૈકી શહેર પોલીસે બે ડઝન જગ્યાએ દરોડા પાડીને પ૦ કરતાં પણ વધારે બુકીઓને અત્યાર સુધીમાં ઝડપી લીધા હતા.પરંતુ એક પણ કેસમાં કાગળ ઉપર બુકીઓના આગળના કનેક્શનની તપાસ કરવામાં આવી નથી, જેથી પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે અને નાના-મોટા બુકીઓને પકડયા બાદ વધુ તપાસ શા માટે ન કરાઈ તે બાબતે તપાસ થવી જોઈએ તેવી માગ ઉઠવા પામી છે.

તેમાં પણ ક્રિકેટ સટ્ટાની સૌથી વધુ રેડ ઝોન-૧ ડીસીપી નિરજ બડગુજરના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોમાં થઇ હતી. જેમાં સેટેલાઈટમાં ૨,વસ્ત્રાપુરમાં ૨, આનંદનગરમાં ૨, એલિસબ્રિજમાં ૩, સોલામાં ૩, નવરંગપુરામાં ૨, નારણપુરામાં ૨, ગુજરાત યુનિવર્સિ‌ટી વfસ્તારમાં ૨ તેમજ મણિનગરમાં ૧, સરદારનગરમાં ૨, નરોડામાં ૧, ઈસનપુરમાં ૧, વટવામાં ૧ મળીને અંદાજે બે ડઝન રેડ પડાઈ હતી. જેમાં અંદાજે પ૦ કરતાં પણ વધારે બુકીઓની પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ દરેક બુકીઓ પાસેથી પોલીસને મોટી સંખ્યામાં મોબાઈલ ફોન, લેપટોપ, સટ્ટાના હિ‌સાબો લખેલી ડાયરીઓ, ચીઠ્ઠીઓ મળી હતી. પરંતુ એક પણ રેડમાં પોલીસ દ્વારા બુકીઓના આગળના નેટવર્કની તપાસ કરાઈ નથી.

- બુકીને પુછાતો પહેલો પ્રશ્ન - ભાવ ક્યાં કપાવે છે?

કોઇ પણ બુકી પકડાય એટલે પોલીસ સૌથી પહેલા તેને એક જ પ્રશ્ન પૂછે છે કે તું ક્યાં-કોની પાસે ભાવ કપાવે છે. બુકી પાસે સાચું નામ આપવા સિવાય કોઇ વિકલ્પ જ નહીં હોવાથી તે નામ જાહેર કરી દે છે, પરંતુ પોલીસ તે નામ ઓન પેપર નહીં લેવા માટે બુકીના આગળના નેટવર્ક સાથે સંકળાયેલા મોટા માથાઓ પાસેથી પૈસા પડાવે છે.

- સટ્ટાની તપાસમાં પોલીસને પેટ ભરીને પૈસા મળે છે

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા બુકીને પોલીસ પકડે એટલે તેની પાસેથી મોબાઈલ ફોન, સિમકાર્ડ,લેપટોપ તેમજ સટ્ટાના હિ‌સાબો લખેલું સાહિ‌ત્ય મળે છે. જેના આધારે પોલીસ બુકીના તમામ નેટવર્ક સુધી પહોંચી શકે છે. પરંતુ આગળની તપાસમાં બુકી સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ નહીં ખોલવા તેમજ તેમની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવા બુકી પોલીસને પેટ ભરીને પૈસા આપે છે અને જો કોઇ બુકી પૈસા ન આપે તો પોલીસ આગળના નેટવર્કમાં ઊંડી ઉતરીને લાગતા વળગતા પાસેથી પૈસા પડાવે છે.