બંધ ઘરમાંથી વિચિત્ર રીતે ૨૧ તોલા દાગીનાની ચોરી, પોલીસ પણ ચોંકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચોરે નથી દરવાજો તોડ્યો કે નથી તાળું તોડ્યું, પણ દાગીના ચોરી ગયા, પોલીસ પણ અવઢવમાં

ગુજરાતની કોર્પોરેટ કંપનીના એડી.વાઇસ પ્રેસિડેન્ટના ઘરમાંથી નોકરો અઢી લાખના દાગીના ચોરી ગયા બાદ સેટેલાઇટના મેફેર એપાર્ટમેન્ટમાં રહેતા ખાનગી કંપનીના ઉચ્ચ હોદ્દેદારના બંધ ઘરમાંથી ચોર રૂપિયા સાડા ચાર લાખના ૨૧ તોલા દાગીના ચોરી ગયા હતા. જો કે આ વિચિત્ર પ્રકારની ચોરીમાં ચોરે ન તો દરવાજો તોડ્યો છે કે ન દરવાજાનું તાળું અને પલંગ નીચે પર્સમાં મૂકેલા ૪૦ તોલા દાગીનામાંથી ચોર માત્ર ૨૧ તોલા દાગીના જ ચોરી ગયા છે. સાથે સાથે ઘરની કોઇ પણ વસ્તુ અસ્તવ્યસ્ત કર્યા વગર ચોર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસ પણ અવઢવમાં મૂકાઇ છે. જોકે હાલતો કોઇ જાણભેદુ કે અંગત વ્યક્તિ દ્વારા જ ચોરી થઇ હોવાનું માનીને સેટેલાઇટ પોલીસે વધુ તપાસ આદરી છે.

સેટેલાઇટ ડી માર્ટ પાસેના મેફેર એપાર્ટમેન્ટમાં પત્ની મધુબેન સાથે રહેતા કવિદાસ ક્રિષ્નન મૂર્તિ‌ કોર્પોરેટ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા હતા. તેઓ પત્ની સાથે કોઇ કામ માટે તા. ૨૮ -૪-૨૦૧૩ના રોજ મુંબઇ ગયા હતા અને શનિવારે સવારે પરત ફર્યા હતા. ઘરે પરત ફરીને તેમણે અન્ય કંપનીમાંનોકરીની ઓફર સ્વીકારી હોવાથી મુંબઇ શિફ્ટ થવા માટે તૈયારીઓ શરૂ કરી હતી ત્યારે તેમના પત્નીએ પલંગ નીચે મૂકેલા પર્સમાંના દાગીના ચેક કરતાં તેમાંથી રૂપિયા સાડા ચાર લાખના ૨૧તોલા દાગીના ગુમ હતા જેથી તેમણે આ બાબતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ફલેટમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી છે તથા ચોરી માટે દરવાજો કે લોક તૂટયા નથી. કેમકે જ્યારે મુંબઇથી કવિદાસ અને તેમના પત્ની આવ્યા ત્યારે તેણે જ લોક ખોલ્યું હતું. જોકે ઘરમાં કોઇ વસ્તુઓ અસ્તવ્યસ્ત પણ નહોતી પડી. ચોરે પર્સમાં પડેલા ૪૦ તોલાના દાગીના પૈકી ૨૧ તોલાની બંગડીઓ ચેઇન અને વીંટીઓ જ ચોરી છે. બાકીના દાગીના પરત મુકી દીધા છે.જેથી પોલીસ હાલમાં તો એવું માની રહી છે કે કોઇ જાણભેદુ કે અંગત વ્યક્તિનો હાથ હોઇ શકે છે. જોકે આ દરવાજા તાળાની પણ એફએસએલ દ્વારા તપાસ કરાવવામાં આવી છે.

- ચોરીની તપાસ ચાલી રહી છે જાણભેદુ હોવાની શંકા

મેફેર એપાર્ટમેન્ટમાંથી ૨૧ તોલા સોનાના દાગીનાની ફરિયાદ નોંધાતા તે દિશામાં તપાસ ચાલ રહી છે. જોકે દરવાજાનું લોક કે દરવાજો તોડયા વગર જ ચોર તેમાં ઘૂસ્યા છે માટે બનાવટી ચાવીનો ઉપયોગ થયો હોઇ શકે અથવા કોઇ અંગત કે જાણભેદુનો હાથ હોઇ શકે.
- બી. એન. ચાવડા, પીઆઈ