મેના ધોમધખતા તાપથી બચવા ૨૦૦ ટ્રાફિક જવાન રજા ઉપર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૭૪ જવાન હક રજા તો ૧૧૭ સીક લીવ પર છે, નવે તો જાણ જ કરી નથી
- દર વર્ષે અન્ય મહિ‌નાઓની તુલનાએ એપ્રિલ-મેમાં ૨પ ટકા સ્ટાફ રજા પર હોય છે


મે મહિ‌નાની શરૂઆતથી અમદાવાદમાં ગરમીનો પારો આસમાને પહોંચતા બપોરે શહેરના તમામ રસ્તાઓ જાણે કરફયુગ્રસ્ત હોય તેમ સૂમસામ થયેલા છે. અસહ્ય ગરમીના પ્રકોપથી બચવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાનો મે મહિ‌નાથી શરૂઆતથી જ રજા પર ઊતરેલા છે. હાલ ટ્રાફિક પોલીસના ૯૮૪ જવાનમાંથી ૨૦૦ જવાન રજા પર છે.

જોકે અધિકારીઓ ૨૦ ટકા સ્ટાફને રજા આપવાની વાતને વળગી રહ્યા છે અને લગ્નસરા અને બીમારીને કારણે કર્મચારીઓ રજા પર હોવાનો ખુલાસો કરી રહ્યા છે, પણ વાસ્તવિકતા એ છે કે ટ્રાફિક પોલીસના જવાનો આ ધોમધખતા તાપમાં રોડ પર ઊભા રહીને ટ્રાફિકનું નિયમન કરવામાં પાછી પાની કરી રહ્યા છે.

ટ્રાફિક શાખામાંથી મળેલી માહિ‌તી અનુસાર, મે મહિ‌નામાં ટ્રાફિક પોલીસના ૧૧૭ જવાન બીમારી (સીક લીવ)ની રજા ઉપર છે. જ્યારે ૭૪ જવાને હક રજા લીધી છે. જોકે હક રજા પર ઊતરેલા કર્મચારીઓમાંથી મોટા ભાગના કર્મચારીને પરિવારના સભ્યોનાં લગ્ન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ૯ કર્મચારી એવા છે કે જે સત્તાવાર જાણ કર્યા વિના નોકરી પર આવતા જ નથી.

દર વર્ષે એપ્રિલ-મે મહિ‌નાની અસહ્ય ગરમીમાં રોડ પર ટ્રાફિક નિયમન કરવાનું કેટલાક પોલીસ કર્મચારીઓ ટાળે છે, જેના કારણે પ્રતિ વર્ષે અન્ય મહિ‌નાઓની સરખામણીમાં એપ્રિલ-મે મહિ‌નામાં ટ્રાફિક પોલીસના સરેરાશ ૨૦થી ૨પ ટકા જવાન રજા ભોગવે છે. ટ્રાફિક પોલીસનાં સૂત્રો કહે છે કે, મે મહિ‌નામાં ગરમીનો પ્રકોપ વધવાથી કર્મચારીઓમાં બીમારીનું પ્રમાણ વધતાં હાલ ૧૧૭ પોલીસ કર્મચારી બીમારીની રજા ઉપર છે, જેમાં કેટલાક લાંબી બીમારીનો ભોગ બનેલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

- હાજર થવા નોટિસો આપવામાં આવી છે

જે પણ પોલીસ કર્મચારીઓ રજા પર છે તેમાંથી કેટલાય કર્મચારીઓની હક રજા નામંજૂર કરવામાં આવતા સીક લીવ (બીમારીની રજા) પર ઊતરી ગયા છે. જ્યારે કેટલાક જાણ કર્યા વિના જ નોકરીએ આવતા નથી. આવા કર્મચારીઓની યાદી તૈયાર કરીને તેમને હાજર થવા નોટિસ પાઠવવા તજવીજ શરૂ કરવામાં આવી છે. - દિનેશ પરમાર, ડીસીપી ટ્રાફિક

- મકાન માટે રજા માગનાર ૧૦૦ કર્મીની રજા નામંજૂર

મે મહિ‌નામાં મકાન રિપેરિંગ કરવા માટે તેમ જ મકાન બનાવવા માટે લગભગ ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીએ રજા માગી છે, પરંતુ હાલમાં ૨૦૦ જેટલા કર્મચારી સીક લીવ અને હક રજા પર હોવાથી આ ૧૦૦માંથી એક પણ પોલીસ કર્મચારીની રજા મંજૂર કરવામાં આવી નથી.
- આર. એસ. સિંધી, એસીપી ટ્રાફિક