એન.એ.ની ૨૦૦ ફાઈલો મંજૂર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ઓપન હાઉસ યોજાયું અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં બુધવારે યોજાયેલા ઓપન હાઉસ એન.એ.માં ૨૦૦ જેટલી એન.એ.ની ફાઇલોને મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે ૬૪ ફાઇલો નામંજૂર કરવામાં આવી છે. એપ્રિલ માસની ૧૦૦ ટકા ફાઇલોનો નિકાલ થયો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે જેમની ફાઇલો નામંજૂર થઇ છે, તેઓને કલેક્ટરે રૂબરૂ સાંભળી નામંજૂર થવા અંગેના કારણો જણાવી માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટર વિજય નહેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં બુધવારે ઓપન હાઉસ એન.એ.નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૬૪ જેટલી ફાઇલો પર ચર્ચા-વિચારણા કરી તેમની પર નિર્ણય લેવામાં આવ્યા હતા. ઓપન હાઉસમાં ૨૦૦ જેટલી ફાઇલોનો હકારાત્મક નિકાલ થયો હતો અને તેમને ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હતા. ઓપન હાઉસ પૂર્ણ થયા બાદ બપોરે કલેક્ટરે નામંજૂર થયેલી ૬૪ ફાઇલોના અરજદારોને બોલાવી તેમની ફાઇલો કેમ નામંજૂર થઇ છે તે અંગે રૂબરૂ મળી સમજાવ્યા હતા. આટલું જ નહીં તેમણે મંજૂરી માટે શું કરી શકાય તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું અને તેમને એમ પણ સમજાવ્યું હતું કે તેમનું રિજેક્શન કાયમી નથી, ખૂટતી કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી ફાઇલ મંજૂર થઇ શકે તેમ છે. ઓપન હાઉસમાં એપ્રિલની કુલ ૧૦પ અરજીઓનો નિકાલ કરાયો છે. એપ્રિલની ફાઇલોનો સમય કરતાં વહેલો નિકાલ એપ્રિલ ની ફાઇલોનો ઓપન હાઉસના પગલે સમય કરતાં વહેલો નિકાલ થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એપ્રિલની ફાઇલોનો જુલાઇના અંત સુધીમાં એટલે કે ૯૦ દિવસમાં નિકાલ કરવાનો હોય છે, પરંતુ કલેક્ટરના નવતર પ્રયોગના પગલે વહેલા કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે. આગામી માસના પ્રથમ બુધવારે યોજાનારા ઓપન હાઉસ એન.એ.માં મે માસની ફાઇલો ક્લિયર કરાશે. હવે અરજીનો નિકાલ ૪પ દિવસમાં થઈ જાય છે ઓપન હાઉસમાં અરજદારોના સહકારથી પારદર્શકતા આવી છે. અગાઉ અરજીઓનો ૬થી ૧૨ માસમાં નિકાલ થતો હતો, હવે ૪પથી પ૦ દિવસમાં નિકાલ થઇ જાય છે. એપ્રિલ માસની ૧૦૦ ટકા ફાઇલોનો નિકાલ થયો છે. - વિજય નહેરા, કલેક્ટર ૨૬૪ ફાઇલો પર ઓપન હાઉસમાં નિર્ણય ૨૦૦ ફાઇલોને મંજૂરી ૬૪ ફાઇલો નામંજૂર ૧૦પ એપ્રિલ માસની ફાઇલોનો નિકાલ ૪પથી પ૦ દિવસમાં ફાઇલોનો નિકાલ