• Gujarati News
  • 115 Principal Will Join Conference Being Held In Amritsar

અમૃતસરમાં યોજાનારી કોન્ફરન્સમાં ગુજરાતના ૧૧પ પ્રિન્સિપાલ ભાગ લેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશની ૪૦ યુનિવર્સિ‌ટીની કોલેજોના ૩૦૦ પ્રિન્સિપાલ એક છત નીચે મળશે

એકવીસમી સદીના હાઈ ટેક્નોલોજી યુગમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત કોલેજોની નૈતિક- સામાજિક જવાબદારી ચાવીરૂપ બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખી દેશની વિવિધ યુનિવર્સિ‌ટીઝ અને તેની સાથે સંકળાયેલી કોલેજોના પ્રિન્સિપાલ માટે 'શૈક્ષણિક સંસ્થાઓની નૈતિક- સામાજિક જવાબદારી’ વિષય પરની કોન્ફરન્સ ફેબ્રુઆરીના અંતમાં પંજાબના અમૃતસરની ખાલસા કોલેજમાં યોજાશે, જેમાં ગુજરાતની વિવિધ કોલેજોના ૧૧પ પ્રિન્સિપાલ સહિ‌ત દેશની ૪૦ યુનિવર્સિ‌ટીઝના ૩૦૦ પ્રિન્સિપાલ ભાગ લેશે.

એસોસિએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપાલ્સના નેજા હેઠળ યોજાનારી આ કોન્ફરન્સમાં દેશના દરેક રાજ્યોની અગ્રણી યુનિવર્સિ‌ટીઝની પ્રતિષ્ઠિ‌ત કોલેજોના પ્રિન્સિપાલ 'શૈક્ષણિક સંસ્થાઓની નૈતિક-સામાજિક જવાબદારી’ જેવા વિષયો પર પોતાના વિચારો પ્રસ્તુત કરશે. ઓલ ઇન્ડિયા પ્રિન્સિપાલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. સુભાષ બ્રહ્મભટ્ટે આ નેશનલ કોન્ફરન્સ અંગેની માહિ‌તી આપતા જણાવ્યું હતું કે, 'શૈક્ષણિક સંસ્થાઓની નૈતિક-સામાજિક જવાબદારી’ જેવા મધ્યવર્તી વિચારબીજ પર આધારિત થીમ પર યોજાનારી નેશનલ લેવલની કોન્ફરન્સમાં બે દિવસ દરમિયાન દેશભરના આચાર્યો પોતાના વિચારો રજૂ કરશે. ઉપરાંત આ કોન્ફરન્સના બીજા દિવસે 'સેમિસ્ટર સિસ્ટમ’ના જમા અને ઉધાર પાસાં પર દેશના તજજ્ઞો પોતાના અનુભવ આધારિત દિશા સૂચન કરશે.’

ડો. બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું કે, 'ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબમાં સેમિસ્ટર સિસ્ટમની ઉપયોગિતા વિશે પ્રશ્નાર્થ ઊભા થયા છે ત્યારે આ નેશનલ લેવલની કોન્ફરન્સમાં થનારી ચર્ચા એક નવી જ દિશા સૂચવશે.’ એસોસિયેશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપાલ સાથે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, લખનઉ, ઝારખંડ, પંજાબ, મધ્યપ્રદેશ,ગુજરાત તથા પ.બંગાળની વિવિધ યુનિવર્સિ‌ટીઓના આચાર્ય સંકળાયેલા છે.