સુખસરમાં ૩૦ લૂંટારાઓનો આતંક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લૂંટ ચલાવી લૂંટારાઓ ત્યાંથી પલાયન થઇ જવામાં સફળ રહેતાં ગભરાટ ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિન પ્રતિદિન ચોરી લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. જેમાં એક વધુ બનાવ સુખસર ખાતે રપથી ૩૦ જેટલા લૂંટારાઓએ એક મકાનને નિશાન બનાવી મકાનના બે દરવાજા તોડી તીજોરીઓમાંથી નવા કપડાં તથા રોકડ રૂપિયા બાવીસ હજારની લૂંટ ચલાવી લૂંટારા પલાયન થયા હોવા બાબતે સુખસર પોલીસમાં લેખિત જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિ‌તી અનુસાર ફતેપુરા તાલુકાના મૂળ મોટા નટવાના વતની અને હાલમાં સુખસર બી.એડ. કોલેજ પાસે રહેતા વાલસીંગભાઇ કાળુભાઇ ચરપોટ પરિવાર સાથે પોતાના મકાનમાં રહે છે. જેઓ ગુરુવારે રાત્રીના એક કલાકના અરસામાં જમી પરવારી ઉંઘી ગયા હતા. દરમિયાન નીચે કોઇ મકાનનો દરવાજો તોડતા હોવાની જાણ પડતાં બીજા માળેથી નીચે નજર કરતાં ૨૦થી રપ જેટલા અજાણ્યા અને જુવાનિયા લૂંટારુઓ દેખાયા હતા અને તે પૈકીના કેટલાક લૂંટારુઓ દ્વારા મકાનનો દરવાજો તોડાઇ રહ્યો હતો. જેથી વાલસીંગભાઇના પુત્ર દીપકભાઇ દ્વારા સુખસરમાં તેમના મિત્રોને તથા સુખસર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમજ બીજી બાજુ આ ચોર લૂંટારુઓ મકાનના બે દરવાજા તોડી ઘરની અંદર પ્રવેશ કરી એક તીજોરીમાંથી નવા કપડાં તથા બીજી તીજોરીમાંથી રૂ. રર હજાર રોકડની લૂંટ ચલાવ્યા બાદ પોલીસ તથા લોકો આવી જતાં લૂંટારુઓ ભાગી છુટયા હોવાનું જાણવા મળે છે. આ બાબતે દીપકભાઇએ સુખસર પોલીસમાં લેખિત જાણ કરવામાં આવતાં આગળની કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.