• Gujarati News
  • સમીના મોટીચંદુર ગામના નવ છાત્રો પરીક્ષાથી વંચિત રહ્યા

સમીના મોટીચંદુર ગામના નવ છાત્રો પરીક્ષાથી વંચિત રહ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફી ભરવા છતાં રિસિપ્ટ ન આવી એટલે પરીક્ષામાં બેસવા ન દેવાયા

શાળાના આચાર્ય કહે છે બાળકો અનિયમિત હોઇ નામ કમી કરી દેવાયા હતા

ભાસ્કર ન્યૂઝ. સમી

માધ્યમિક-ઉચ્ચત્તર શિક્ષણ બો‌ર્ડ‌ની પરીક્ષાનો આરંભ થઇ ગયો છે ત્યારે સમી તાલુકાની મોટીચંદુર શાળાના નવ પરીક્ષાર્થીઓ રિસિપ્ટો નહીં મળતાં પરીક્ષા આપી શક્યા નથી.શાળાના આચાર્યના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ સતત ગેર હાજર રહેવાથી તેમના ફોર્મ જ ભરવામાં આવ્યા ન હતા અને જેની જાણ ડીઓ કચેરી ખાતે પણ કરવામાં આવી હતી. જોકે વાલીઓએ શાળાના વાંકે બાળકોનું વર્ષ બગડવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સમી તાલુકાના મોટીચંદુર ખાતે બે હાઇસ્કૂલો આવેલી છે જેમાં એક ગ્રાન્ટેબલ છે જ્યારે બીજી નોન ગ્રાન્ટેબલ સેલ્ફ ફાઇનાન્સ હાઇસ્કૂલ છે. સેલ્ફ ફાઇનાન્સ શ્રી સરસ્વતી વિદ્યામંદિરના ધો.૧૦ના ૩ વિદ્યાર્થીઓ અને ધો-૧૨ના ૬ વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસીપ્ટ મળી નહીં હોવાથી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા જેના કારણે આ ૯ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સવાલ ઉભા થવા પામ્યા છે.

શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી મેમણા ગામની છાત્રા વ્યાસ જલ્પાબેનના પિતા પ્રદીપભાઇનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, શાળામાં ફી પણ ભરી હતી અને રિસિપ્ટ આજ આવશે કાલે આવશે તેવા જવાબો આપવામાં આવ્યા હતા છેવટે રિસિપ્ટ ન આવતાં તેમની દીકરી પરીક્ષા આપી શકી નથી.



બચાવમાં શાળાના આચાર્ય શું કહે છે?

સેલ્ફ ફાઇનાન્સ સરસ્વતી વિદ્યામંદિરના આચાર્ય પ્રકાશભાઇ પટેલના જણાવ્યા મુજબ ધો.૧૦ના ૩ વિદ્યાર્થી સતત ગેરહાજર રહેતા તેમના નામો કમી કરી તેમની એલસી પણ કાઢી નાખવામાં આવી હતી. જ્યારે ધો.૧૨ના છ વિદ્યાર્થીઓ પણ સતત ગેરહાજર રહ્યા હતા અને અગાઉ શાળામાંથી વસ્તુઓની ચોરી કરી ગેરરીતિ કરતા તેમનાં પણ નામ કમી કરવામાં આવ્યા હોઇ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવ્યા ન હતા, જેની જાણ ડીઓ કચેરી પાટણ ખાતે કરવામાં આવી છે તેવું તેમણે ઉમેર્યું હતું.



કોની બેદરકારીથી પરીક્ષાથી વંચિત રહ્યા, તેનો ખુલાસો માગ્યો છે : ડીઓ

મોટીચંદુરમાં જે પરીક્ષાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે તેમાં કોની બેદરકારી છે. વાલી, સંસ્થા કે જે કોઇની બેદરકારી હોય તે અંગેનો ખુલાસો કરવા આચાર્યને નોટીસ પાઠવી છે. જેમાં જરૂરી કાર્યવાહી કરાશે તેમ શિક્ષણાધિકારી વી.જી.ગોસાઇએ જણાવ્યું હતું.