• Gujarati News
  • બટાકામાં પાંચ દી’માં ~ ૬૦થી ૮૦ તૂટયા

બટાકામાં પાંચ દી’માં ~ ૬૦થી ૮૦ તૂટયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@આગ્રાના બટાકાની આવકો શરૂ થતાં ભાવમાં તેજીની શક્યતા નહીંવત
@એક તબક્કે મણના રૂ.૨૬૦ સુધી ભાવ મળ્યા હતા
@હાલમાં રૂ.૧પ૦થી રૂ.૧૯૦ના ભાવ પડી રહ્યા છે
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ચાલુ વર્ષે ડીસામાં બટાકાના બમ્પર ઉત્પાદન બાદ ભાવમાં આવેલી આગઝરતી તેજીએ મોટાભાગના ખેડૂતોને માલામાલ કર્યાં બાદ હવે મોટાભાગના કોલ્ડ સ્ટોરેજો ભરાઇ જતાં ભાવમાં વળતાં પાણી થયા છે અને છેલ્લા પાંચેક દિવસમાં જ રૂ.૬૦થી ૮૦નું ગાબડું પડયું છે. હાલ રૂ.૧પ૦થી રૂ.૧૯૦ના ભાવ પડી રહ્યા છે. જ્યારે આગ્રાના બટાકાની પણ આવકો શરૂ થતાં ભાવમાં હાલ તુરંત તેજીની શક્યતા નહીં હોવાનું જાણકારો કહી રહ્યા છે.
દેશભરમાં બટાકાહબ બનેલા ડીસામાં ચાલુ વર્ષે બમ્પર ઉત્પાદન સાથે બટાકાનો ભાવ ઓલટાઇમ હાઇ થતાં આગઝરતી તેજીએ મોટાભાગના ખેડૂતોને માલામાલ કરી દીધા છે. ડીસામાં બટાકા કાઢવાની શરૂઆત સાથે આગ્રાનું બટાકું મોડું હોઇ અચાનક તેજી આવી હતી. જેમાં બટાકાના ભાવ પ્રતિમણ રૂ.૨૬૦ સુધી પહોંચ્યા હતા. અનેક ખેતરોમાં ઉભા સોદા થયા હતા. તેજીના ભાવે અનેક ખેડૂતોએ વહેલા બટાકા કાઢી દીધા હતા. ત્યારે હવે ડીસાના ૧૦૪માંથી મોટાભાગના કોલ્ડ સ્ટોરેજોની સંગ્રહક્ષમતા પૂરી થવા આવી છે. બીજી તરફ આગ્રાના બટાકા માર્કેટમાં આવવા લાગ્યા છે. તેમજ નાના વેપારીઓને ખરીદી કરીને બટાકા ક્યાં મૂકવા જેવા અનેક કારણોને લઇ તેજીનો પરપોટો ફૂટી ગયો છે. છેલ્લા પાંચેક દિવસમાં બટાકાના ભાવમાં પ્રતિ મણ રૂ.૬૦થી ૮૦નો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, ડીસા પંથકમાં હજુ પણ ૧પથી ૨૦ ટકા ખેતરોમાં બટાકા કાઢવાના બાકી છે. જેથી જે ખેતરોમાં ઉભા સોદા નહીં થયા હોય તેવા ખેડૂતોને હવે તેજીનો લાભ મળવાની શક્યતા નથી.