• Gujarati News
  • ધાનેરામાં શિક્ષિકાઓએ મતદાન જાગૃતિનાં બેનરો લેવાની ના પાડી

ધાનેરામાં શિક્ષિકાઓએ મતદાન જાગૃતિનાં બેનરો લેવાની ના પાડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ધાનેરા
ધાનેરા ખાતે મહિ‌લા દિનની ઊજવણીના ભાગરૂપે યોજાયેલી રેલીમાં જોડાયેલી શિક્ષિકાઓએ તાલુકા વિકાસ અધિકારીના હુકમની અવગણના કરી ચાલતી પકડતાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિ‌લા દિનની ઊજવણી અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ તાલુકાઓમાં પરિપત્ર કરી મતદાન જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજવા જણાવ્યું હતું. જેના ભાગરૂપે ધાનેરા તાલુકા પંચાયત કચેરીથી અંબાજી મંદિર સુધી રેલી યોજાઇ હતી. જેમાં આંગણવાડી કાર્યકરો તથા ધાનેરા સેન્ટરની શિક્ષિકાઓને ભાગ લેવા બોલાવાઇ હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત ઓફિસર સોની તથા ટીડીઓ મફતલાલ જોષીની આગેવાની હેઠળ રેલીને લીલીઝંડી અપાઇ હતી. પરંતુ રેલીમાં શિક્ષિકાઓએ મતદાન જાગૃતિના બેનરો લેવાની ના પાડતાં ટીડીઓએ તેમને બેનરો લઇને રેલીમાં જોડાવા જણાવતાં શિક્ષિકાઓ માની ન હતી અને રેલીમાં પણ જોડાઇ ન હતી. જેથી તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરી હતી. પ્રાંત ઓફિસરે પણ આ શિક્ષિકાઓ અને સરકારના કાર્યક્રમમાં સાથ ન આપનારને નોટિસ પાઠવવા જણાવ્યું હતું.
આ અંગે ટીડીઓ. એમ.પી.જોષીએ જણાવ્યું હતું કે, શિક્ષિકાઓએ સરકારી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં જરૂરથી લેવામાં આવશે.’