• Gujarati News
  • ડીસાની જ્વેલ‌ર્સમાંથી ~ ૪.૩૮ લાખ ભરેલી થેલીની તફડંચી

ડીસાની જ્વેલ‌ર્સમાંથી ~ ૪.૩૮ લાખ ભરેલી થેલીની તફડંચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસા શહેરના સોની બજારમાં દિવાળી બાદ દુકાનનું મુહૂર્ત કરી પૂજા કરી રહેલા વેપારીની રૂ. ૪.૩૮ લાખની મત્તા ભરેલી થેલી કોઇ ગઠીયો તફડાવીને લઇ જતાં સમગ્ર બજારમાં ચકચાર મચી જવા પામી હતી. વેપારીએ ડીસા શહેર દક્ષીણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ તંત્ર એલ‌ર્ટ થઇ સઘન તપાસ હાથ ધરી છે.
ડીસા શહેરમાં તસ્કરો અને ચીલઝડપ કરતાં ગઠીયાઓએ નવા વર્ષનું મુહૂર્ત કરી લીધું છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસાના સોની બજારમાં વિજય જ્વેલ‌ર્સ નામની દુકાન ધરાવતા વિજયકુમાર બચુભાઇ સોની ((રહે, સોની બજાર, ડીસા)) ગુરુવારે સવારે ૯-૩૦ વાગ્યે પોતાની દુકાન ખોલી દિવાળી બાદનું મુહૂર્ત કરી દુકાનમાં પૂજા કરવા બેઠા હતા. દરમિયાન તેમણે ઘરેથી લાવેલી પોતાની રૂ. ૧.૧૨ લાખ રોકડા, રૂ.૭૧ હજારના સોનાના દાગીના અને રૂ.૨.પપ લાખના ચાંદીના દાગીના ભરેલી થેલી દુકાનના કાઉન્ટરની બાજુમાં મૂકી હતી. વિજયભાઇ સોની દુકાનમાં પૂજા કરવામાં વ્યસ્ત હતા. તે દરમિયાન કોઇ ગઠીયો તેમની નજર ચૂકવી દાગીના અને રોકડ ભરેલી થેલી લઇ છૂમંતર થઇ ગયો હતો.
વિજયભાઇ સોની પૂજા કર્યાં બાદ કાઉન્ટર પાસે આવતાં થેલી જણાઇ ન હતી. જેથી તેમણે હાંફળા-ફાફળા થઇ થેલી શોધવાનો પ્રયાસ કર્યો હતો તેમજ આજુબાજુના વેપારીઓને જાણ કરી સઘન શોધખોળ હાથ ધરી હતી. જો કે, કોઇ તેમની થેલી તફડાવી ગયું હોવાનો ખ્યાલ આવતાં તુરંત ડીસા શહેર દક્ષીણ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે દોડી આવી તુરંત જિલ્લાભરમાં મેસેજ કરી ડીસાના હાઇ-વે તેમજ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ટેક્ષી સ્ટેન્ડ સહિ‌તના જાહેર સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જો કે, કોઇ સગડ ન મળતાં વેપારી વિજયભાઇ સોનીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.