• Gujarati News
  • મહેસાણા તારંગા રેલબસ પાટા પરથી નીચે ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ

મહેસાણા-તારંગા રેલબસ પાટા પરથી નીચે ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી ડીઆરએમ સહિ‌તનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
ભાસ્કર ન્યૂઝ.ખેરાલુ
સતલાસણા તાલુકાના તારંગાથી ગુરુવારે સવારે ઉપડેલી મહેસાણા- તારંગા રેલબસ ખેરાલુ તાલુકાના લીંબડી ફાટક નજીક ટ્રેક ઉપરથી નીચે ઉતરી જતાં રેલબસ હાલક ડોલક થઇ ઉઠી હતી. જોકે રેલબસના ચાલકે તુરંત બ્રેક મારી ટ્રેન થોભાવી દેતાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ અંગે જાણ થતાં અમદાવાદથી ડીઆરએમ સહિ‌ત રેલવે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ખેરાલુ તાલુકાના ડભોડાથી ગુરુવારે સવારે મહેસાણા- તારંગા રેલબસમાં બેઠેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, જ્યારે રેલબસ ડભોડાથી ઉપડી ત્યારે તેના પાછળના પૈડાં હાલક ડોલક થતાં હતાં અને અવાજ પણ ખરાબ આવતો હતો. જોકે માંડ માંડ ખેરાલુ સુધી પહોંચેલી રેલબસ ખેરાલુથી ઉપડયા બાદ નજીકમાં આવેલા લીંબડી ગામે ફાટક નંબર એલ.સી.૪૬-સીથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક ચાર ડબ્બાની રેલબસની પાછળનો છેલ્લો ૦૩૯૮૪/એ નંબરના ડબ્બાનાં પૈડાં ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. આથી મુસાફરોએ બુમાબુમ કરી મુકી હતી. દરમિયાન રેલબસના ચાલકે સમય સૂચકતા વાપરી બ્રેક મારીને ટ્રેન થોભાવી દેતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યાર બાદ મુસાફરો પોતાની રીતે વ્યવસ્થા કરી મંજીલ તરફ રવાના થઇ ગયા હતા.
જ્યારે ચાલકે રેલવે તંત્રને જાણ કરતાં અમદાવાદથી ડિવિઝનલ રેલવે મેનેજર આલોક તિવારી સહિ‌ત અધિકારીઓ ટેકનિકલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે ઝીણવટપૂર્વક તપાસ કરી ટ્રેક ઉપરથી ઉતરી ગયેલી રેલબસનું નિરીક્ષણ કર્યુ હતું. જોકે કોઇએ ટ્રેકને નુકસાન પહોંચાડયું હોવાથી આ બનાવ બન્યો હોવાની વાત રેલતંત્રએ નકારી હતી. સાચું કારણ હજી જાણવા મળ્યું નથી, અમે તપાસ કરી રહ્યાં છીએ તેમ તેમણે જણાવ્યું હતું.