• Gujarati News
  • શામળાજી બસ સ્ટેશનમાંથી ગંદુ પાણી મુખ્ય રસ્તા પર આવતાં લોકો પરેશાન

શામળાજી બસ સ્ટેશનમાંથી ગંદુ પાણી મુખ્ય રસ્તા પર આવતાં લોકો પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી મંદિર જવાના મુખ્ય રસ્તા પર ગંદકી ફેલાતા યાત્રિકોને મુશ્કેલી : પંચાયતે નોટીસો આપી હોવા છતાં વિભાગ દ્વારા પગલા લેવાતા નથી
ભાસ્કર ન્યૂઝ.શામળાજી
યાત્રાધામ શામળાજી ખાતે બસ સ્ટેશનમાં ખાળ-કૂવાના અભાવે શામળાજી મંદિર જવાના મુખ્ય રસ્તા પર ગંદુપાણી રેલાતાં અહીં આવતા યાત્રિકો પરેશાન થઇ જવા ઉપરાંત સ્થાનિક રહીશો અને વેપારીઓ પણ ગંદકીથી ત્રાહિ‌મામ પોકારી ઉઠયા છે. જેથી સંલગ્ન વિભાગ દ્વારા યોગ્ય પગલા ભરાય તેવું પ્રજા ઇચ્છી રહી છે.
શામળાજી પંચાયતના સરપંચ નરેશભાઇ કટારાએ જણાવ્યુ હતું કે એસ.ટી. બસ સ્ટેશનમાંથી ગંદુ પાણી ૧૦૦ ફૂટના મુખ્ય રસ્તા પર જ સ્ટેશનની પરબ તેમજ અન્ય વપરાશનું પાણી ખુલ્લામાં કાઢવામાં આવી રહ્યુ છે. જેના કારણે આ મુખ્ય રસ્તા પર કાદવ-કીચડ તેમજ ગંદકીનો ઉપદ્રવ છે.
ઉપરાંત બસ સ્ટેશનની પાછળ કચરાના ઢગ થઇ ગયા છે. જેના કારણે અહીં આવતા યાત્રિકોની સાથે સ્થાનિક રહીશો તેમજ વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે આ ગંદકી માટે વિભાગને વારંવાર જાણ કરવા ઉપરાંત સ્થાનિક પંચાયત દ્વારા નોટીસો પણ આપવામાં આવી છે. છતાં વિભાગના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે મુખ્ય મંત્રીના આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત ના અભિયાનને સાર્થક કરવા વિભાગ દ્વારા આ માટે યોગ્ય ખાળ-કૂવા કરી પાણીનો નિકાલ કરાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.