• Gujarati News
  • તલોદ પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ

તલોદ પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તહેવારો ટાણે હડતાલ પાડી તંત્રનું નાક દબાવવાની કોશિષ : શહેરમાં કચરાના ઢગ ખડકાયા
ભાસ્કર ન્યૂઝ.તલોદ
તલોદ નગરપાલિકાના ૨પ સફાઇ કામદારોએ ઉચ્ચત્તર પગાર ધોરણની માગણી ન સંતોષાતા દીવાળી તહેવારોમાં જ કાળી ચૌદશથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. સફાઇ કામદારોની તહેવારો ટાણે જ હડતાલથી શહેરમાં કચરાના ઢગ ખડકાયા છે. જેથી તંત્રએ કામદારોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ માગણીઓ અગે તેઓ અડગ રહેતા વાટાઘાટો નિષ્ફળ રહી હતી.
સફાઇ કામદાર યુનિયનના પ્રમુખ કાંતીભાઇ.બી.સોલંકીએ પાલિકાના સત્તાધીશો પર આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે ૨પ પૈકી એક જ કામદારને કાયમી કરાયા છે. જેથી તેમને તમામ લાભ મળે છે. જયારે બાકીના કામદારોને અન્યાય થાય છે.
આ અંગે ચીફ ઓફીસર સતિષભાઇ પટેલે જણાવ્યુ હતું કે સફાઇ કામદારોની માગણી સંદર્ભે વર્ષો અગાઉ સરકારમાં દરખાસ્ત મોકલી આપેલ છે. જે દરખાસ્ત સ્વીકારાયાથી તાત્કાલિક અમલ કરાશે. તેમજ નગરપાલિકાની સત્તામા આ બાબત આવતી ન હોવાથી અમો અહીંથી કશું જ કરી શકીએ તેમ નથી.
જોકે તેમની માગણીઓ અંગે સફાઇ કામદારોને પાલિકાના હોદ્ેદારો સાથે બેઠક યોજી ચર્ચા પણ કરાઇ છે. પરંતુ તે નિરર્થક નિવડેલ છે. પ્રાંતિજ/તલોદ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ હડતાલ ઉપર ગયેલા સફાઇ કામદારોની મુલાકાત લઇ વિગતો જાણી હતી અને ચીફ ઓફીસરને આ અંગે યોગ્ય ઉકેલ લાવવા જણાવેલ છે. પરંતુ તહેવારો ટાણે જ શહેરીજનોને બાનમાં લઇ તંત્રનું નાક દબાવવાનો કામદારોનો પ્રયાસ યોગ્ય નથી. બીજી તરફ તહેવારો ટાણે તલોદના વિવિધ વિસ્તારોમાં સફાઇ કામ ન થવાને કારણે ઠેર ઠેર ગંદકી થઇ રહી છે. જેના કારણે માખી,મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.