• Gujarati News
  • ભવાનગઢમાં અદાવતમાં મામલો બિચકયો : આઠ વિરુદ્ધ ફરિયાદ

ભવાનગઢમાં અદાવતમાં મામલો બિચકયો : આઠ વિરુદ્ધ ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.હિંમતનગર
વડાલી તાલુકાના ભવાનગઢ ગામમાં શનિવારે મોડી સાંજના અગાઉની ફરિયાદની અદાવતમાં ગામના કેટલાક શખ્સોએ ગામના જ એક ઇસમને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યા બાદ તે અંગે ઠપકો આપવા જતાં તેના ઘર પર પથ્થરમારો કરીને કેટલાકને માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી.ભવાનગઢમાં શનિવારે બિચકેલી આ ઘટના સંદર્ભે ગામના ઇસમે ગામના જ આઠ જણા વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ
ધરી છે.
આ અંગે પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ભવાનગઢ ગામમાં રહેતા હરિભાઇ મોંઘાભાઇ પટેલની સાથે અગાઉ થયેલી ફરિયાદની અદાવત રાખી ગામના વિપુલભાઇ પોપટભાઇ પટેલે રોહિ‌તભાઇને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો દીધી હતી. દરમિયાન શનિવારે મોડી સાંજના પોપટભાઇ અમૃતભાઇ પટેલને હરિભાઇ ઠપકો આપવા જતાં ગાળો દઇને બાથે પડયા હતા. ત્યારબાદ હરિભાઇ પોતાના ઘરે આવી ગયા બાદ ભવાનગઢ ગામના જ પોપટભાઇ પટેલ, રમેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, ઉત્તમભાઇ પોપટભાઇ પટેલ અને પ્રકાશભાઇ ભીખાભાઇ પટેલે હરિભાઇના ઘરે આવી ગાળો દઇ તકરાર કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
બિચકેલા આ મામલા દરમિયાન ભવાનગઢના કનુભાઇ અમૃતભાઇ પટેલ, મૌલિકભાઇ પ્રકાશભાઇ પટેલ અને મણાભાઇ અમથાભાઇ પટેલે હરિભાઇના ઘરે આવી પથ્થરમારો કરતા મામલો વધુ બિચકયો હતો. જેમાં હરિભાઇ ઉપરાંત તેમના કેટલાક પરિવારજનોને માથાના ભાગે ઇજા થઇ હતી. જેથી હરિભાઇ પટેલે ભવાનગઢ ગામના આઠેય શખ્સો વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં શનિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સંદર્ભે ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે.