• Gujarati News
  • ચૂંટણી સંદર્ભે બેંકો દ્વારા નાણાંકીય વ્યવહાર અટકાવાતા ખેડૂતોને મુશ્કેલી

ચૂંટણી સંદર્ભે બેંકો દ્વારા નાણાંકીય વ્યવહાર અટકાવાતા ખેડૂતોને મુશ્કેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.ખેડબ્રા
ખેડબ્રા તાલુકામાં લોકસભાની ચૂંટણી સંદર્ભે રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો દ્વારા મોટી રકમના ચેકના નાણાં અટકાવવામાં આવતા ખેડૂતો સહિ‌ત અન્ય ગ્રાહકોની હાલત કફોડી થઇ જવા પામી છે. રીઝર્વ બેંકમાંથી નાણાં આવતા ન હોઇ સ્થાનિક બેંકોમાં નાણાંકીય સમસ્યા સર્જા‍વા પામી છે.
ચૂંટણી પંચ દ્વારા એક લાખથી વધુ રકમની લેવડ-દેવડ પર બેંકોમાં થતાં ટ્રાન્ઝેકશન પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને ઉમેદવારો દ્વારા થતાં ખર્ચ પર નજર રાખવા માટે સ્ટેટીક સર્વેલન્સ સ્કવો‌ર્ડ‌ની રચના કરવામાં આવી છે. ચૂંટણી આચારસંહિ‌તા અંતર્ગત કોઇપણ ઉમેદવાર કે રાજકીય અગ્રણી એક લાખથી વધુ રકમ પોતાની સાથે રાખી શકે નહી. જેના પગલે રીઝર્વ બેંક દ્વારા સાવચેતીના પગલા રૂપે બેંકોને નાણાં આપવામાં કાપ મુકયો છે અને રીઝર્વ બેંકની મૌખિક સુચના અન્વયે સ્થાનિક બેંકોએ મોટી રકમ આપવાની બંધ કરી છે.
રીઝર્વ બેંક કે બેંકોની વડી કચેરીઓમાંથી નાણાં આવતા ન હોઇ બેંકોમાં નાણાંકીય સમસ્યા સર્જા‍ઇ છે. ખેડબ્રા તાલુકાની જગમેર ગૃપ સેવા મંડળીના પૂર્વ ચેરમેન અરવિંદભાઇ ભોગીલાલ પટેલે કે.સી.સી.ના ધિરાણનો રૂા.૬૦ હજારનો ચેક લઇ સાબરકાંઠા બેંકમાં જતા બેંક દ્વારા ચૂંટણી પછી રકમ લઇ જવાનું જણાવતા અરવિંદભાઇના મજુરોની મજૂરી ચૂકવવા સહિ‌તના વ્યવહારો સ્થગિત થઇ જતા તેઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.
ખેડબ્રા તાલુકાની મોટાભાગની સેવા મંડળીઓએ આ સંદર્ભે ચૂંટણી પછી ધિરાણ લઇ જવાની સુચના આપતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. જગમેર સેવા મંડળીના સેક્રેટરી રાજેન્દ્રકુમાર.સી.પટેલે જણાવ્યુ હતું કે આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી રીઝર્વ બેંકે પરિસ્થિતિ ઉભી કરી છે. ચૂંટણીમાં થતાં લખલૂટ ખર્ચને અટકાવવા ખેડૂતોના ધિરાણ સ્થગિત કરવા એ સુસંગત નથી. ખેડૂતોની રોજે રોજની જુદી જુદી સમસ્યાઓ હોય છે, તેમાં વધારો થવા પામ્યો છે. સ્ટેટ બેંકના ખેડબ્રા શાખાના બ્રાન્ચ મેનેજરે તેમની વડી કચેરી કે રીઝર્વ બેંકમાંથી નાણાં ન આવતા હોવાનો એકરાર કર્યો હતો, તેથી રોજબરોજના બેંકના વ્યવહાર પર અસર થવા પામી છે.