• Gujarati News
  • આખરે વિજાપુર પાલિકાનાં સૂત્રો ભાજપના હાથમાં

આખરે વિજાપુર પાલિકાનાં સૂત્રો ભાજપના હાથમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના પ્રમુખ પદે ભાજપના સદસ્ય ગાંડાલાલ પટેલ ચૂંટાયા
કોંગ્રેસના પાંચ સદસ્યો હાજર, પાંચ ગેરહાજર
ભાસ્કર ન્યૂઝ.વિજાપુર
વિજાપુર નગરપાલિકાના ખાલી પડેલા પ્રમુખ પદ માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં હાજર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ૧૪ સભ્યોએ ભાજપના સદસ્યને મત આપતાં ભાજપે પાલિકાની સત્તા કબજે કરી છે.
વિજાપુર પાલિકામાં લાંબા સમયના ખટરાગ બાદ છેલ્લે અપક્ષ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં તેઓએ હોદ્દો છોડવો પડયો હતો અને પ્રમુખની જગ્યા ખાલી પડી હતી. ખાલી પડેલા પ્રમુખ પદ માટે શુક્રવારે પાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાલિકાના ૨૦ સદસ્યો પૈકી કોંગ્રેસના પાંચ સદસ્યો ગેરહાજર રહ્યા હતા અને કોંગ્રેસના પાંચ, ભાજપના આઠ અને બે અપક્ષ મળી કુલ ૧પ સભ્યો હાજર રહ્યા હતા. જે પૈકી પક્ષના મેન્ડેટ અનુસાર ભાજપના ગાંડાલાલ બેચરદાસ પટેલે ઉમેદવારી નોધાવી હતી અને મતદાન યોજાતાં ભાજપના આઠ, કોંગ્રેસના પાંચ અને એક અપક્ષે ગાંડાલાલ પટેલને મત આપ્યો હતો.
જેથી ૧૪ મત સાથે તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ભાજપના માત્ર આઠ સદસ્યો હોવા છતાં કોંગ્રેસના પાંચ અને એક અપક્ષના ટેકાથી ભાજપના હાથમાં સત્તાનાં સૂત્રો આવતાં કાર્યકરો સહિ‌ત ભાજપ છાવણીમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને અબિલ-ગુલાલ ઉડાડી ઉત્સવ મનાવાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી નીતિનભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રમણભાઈ પટેલ, વાઈસ ચેરમેન અતુલભાઈ પટેલ સહિ‌ત ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના ૧૦ સદસ્યો હોવા છતાં પાંચ સદસ્યોએ ભાજપને ટેકો આપતાં રાજકીય તર્કવિતર્ક સર્જા‍યા છે.