• Gujarati News
  • અકસ્માત સર્જનાર ડમ્પરને ટોળાએ આગ ચાંપી

અકસ્માત સર્જનાર ડમ્પરને ટોળાએ આગ ચાંપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામ નજીક મંગળવારે બપોરે રેતી ભરેલા ડમ્પરચાલકે બાઇકને અડફેટે લેતાં સર્જા‍યેલા અકસ્માતમાં રણાસણ ગામના બાઇકચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલી યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. બીજીબાજુ આ ઘટનાની જાણ થતાં ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરને આગ ચાંપી દેતાં તે ભડભડ સળગી ઊઠયું હતું. આ ઘટના અંગે વિજાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રણાસણ ગામના શંભુભાઇ પટેલના પુત્ર રાજેશભાઇ અને તેમની બહેન સુરેખાબેન બાઇક ((જીજે ૧એનટી ૨પ૪૭)) લઇને ઘરેથી મંગળવારે બપોરે બે વાગ્યે વિજાપુર મામલતદાર કચેરીએ રેશનકા‌ર્ડ‌ના કામ અર્થે નીકળ્યા હતા. ત્યારે ગામના રોડ પરથી હાઇવે પર જવા જતાં રેતી ભરીને વિજાપુર તરફથી ગાંધીનગર સાઇડે પૂરઝડપે જઇ રહેલા ડમ્પર ((જીજે ૧સીટી પ૯૪૩))ના ચાલકે બાઇકને અડફેટે લેતાં બંને ભાઇ-બહેન રોડ પર પટકાતાં બાઇક ચાલક રાજેશભાઇ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે સુરેખાબેનને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ઇમરજન્સી વાનમાં વિજાપુર ખસેડાયાં હતાં. અકસ્માત બાદ ડમ્પર ચાલક મૂકીને નાસી ગયો હતો.
આ ઘટનાની વિજાપુર પોલીસને થતાં પીએસઆઇ ટી.એલ. વાઘેલા, સી.કે. પટેલ સહિ‌તનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ આ પહેલાં અકસ્માતમાં ગામના યુવાનના મોતને લઇ રોષે ભરાયેલા ટોળાએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી. જેને કારણે તે ભડભડ સળગી ઊઠયું હતું.
પોલીસે ટોળાને વિખેર્યું
પોલીસે ગ્રામજનોના ટોળાને વિખેરી નાખ્યું હતું અને વિજાપુર એપીએમસી ફાયર ફાઇટરને જાણ કરતાં ફાયર ફાઇટર ત્યાં આવીને પાણીનો મારો ચલાવી ડમ્પરની આગ કાબૂમાં લીધી હતી. આ બનાવ અંગે વિજાપુર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.